સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે દરોડા માટેની ગાઇડલાઇન જીએસટીના દરેક કમિશનરને મોકલી છે. સર્ચ કે દરોડાની કાર્યવાહીમાં મહિલા સભ્યને સાથે રાખવા કહેવાયું છે. વિજિલન્સ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે, સર્ચ વખતે યોગ્ય રીતે પંચનામાં બનાવાતા નથી અને સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવતા નથી. જેના કારણે આવા કેસ જ્યારે કોર્ટમાં હિયરિંગ પણ આવે ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. કોઇ પણ અધિકારીએ સર્ચ વોરન્ટ લઇને જ જવાનું રહેશે. દરોડાની કાર્યવાહી કરવામાં આવે ત્યારે મહિલા અધિકારીને સાથે રાખવા પડશે. કોઇ પણ સર્ચ દરમિયાન પંચનામાં માટે સાક્ષી તરીકે સરકારી કર્મચારી અથવા બેન્ક કર્મચારીને રાખવા. વધારામાં અધિકારીઓ દરોડા કરવા જાય ત્યારે દરોડામાં તેમનું આઇકાર્ડ બતાવું પડશે. તેમજ પંચ સાક્ષીને બોલાવી પોતાની જાત તપાસ કરાવવાની રહેશે. જ્યારે દરોડાનું સ્થળ છોડવામાં આવે ત્યારે પણ સાક્ષીઓને બોલાવાના રહેશે. દરોડા દરમિયાન જરૂર પડે વીડિયોગ્રાફી કરવાનું જરૂરી રહેશે.