ઐતિહાસિક: આખી ટીમ બદલાઈ: 10 કેબિનેટ, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ


ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા 5 અને રાજ્ય કક્ષા ના 9 પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. ગુજરાત જ નહીં લગભગ દેશના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હશે કે મુખ્યમંત્રી સહિત આખેઆખું મંત્રીમંડળ બદલી દેવાયું હોય. કહેવાય છે કે રૂપાણી સરકારમાં કોવિડ કાળ દરમિયાન પ્રજામાં રોષ અને આપના વધતા પ્રભુત્વ અને એન્ટિ ઈન્કમ્સીને ખાળવા આખેઆખી ટીમ જ બદલી દેવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડના આ નિર્ણયથી ખરેખર વર્ષ 2022ના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ખરેખર ભાજપને ફાયદો થાય છે કે કેમ તે સમય જ બતાવશે.

કેબિનેટ મંત્રી તરીકે…

રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.


રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે…

હર્ષ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
રાજ્યકક્ષાના મંત્રી તરીકે..

મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, અગ્ર સચિવઓ, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

સીઆર પાટીલનો દબદબો: સાઉથ ગુજરાત અને સુરતને મળ્યુ મહત્વ

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરતના છે અને આખી ટીમ બદલવામાં તેઓએ હાઈકમાન્ડ સાથે મળીને મહત્વની ભૂમિકા નિભાવી છે. ગુજરાત (દેશ)ના ઈતિહાસમાં કદાચ પહેલીવાર બન્યું હશે કે મુખ્યમંત્રી સહિતની આખેઆખું મંત્રી મંડળ જ બદલી નાંખવામાં આવે. જીણવટભર્યુ કામ કરવામાં પંકાયેલા સીઆર પાટીલે આ વખતે સુરત અને દક્ષિણ ગુજરાતને પણ મહત્વ અપાવ્યું છે. સુરતમાંથી ચાર ધારાસભ્યોને સ્થાન મળ્યું. જેમાં પૂર્ણેશ મોદી, વિનુ મોવડિયા, હર્ષ સંઘવી અને મુકેશ પટેલનો સમાવેશ થાય છે જ્યારે દક્ષિણ ગુજરાત મળીને કુલ 6 જણાંને મંત્રીપદ મળ્યું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્રમાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોષને રેલવે-ટેક્સટાઈલ રાજ્યમંત્રી બનાવાયા. એટલે હવે સાઉથ ગુજરાતનું પ્રભુત્વ ગુજરાત તેમજ દેશની રાજનીતિમાં વધ્યું હોવાનું કહી શકાય છે.

નારાજ નેતાઓને કહી દેવાયું કે કામ વળગી જાવ

આખા મંત્રીમંડળમાં ફેરફાર અને તમામ સિનિયરોના પણ પત્તા કપાવાના હોવાની વાતને પગલે દરેક જૂથ પોતપોતાની નારાજગી દર્શાવી રહ્યું હતું. રૂપાણીને પણ સિનિયરો મળ્યા હતા. એક તરફ નીતિન પટેલ પણ ખૂબ નારાજ હતા. કુંવરજી, રાદડિયા, જાડેજા સહિતના મંત્રીઓના સમર્થકોએ પણ મોરચો ખોલ્યો હતો. મોવડી મંડળે રાત સુધી બધાને સમજાવ્યા હતા. આખરે દિલ્હીથી કડક શબ્દોમાં આદેશ આવ્યો કે ચૂપચાપ કામે વળગી જાવ અને સવારે તો બધુ જ ઠરીઠામ પડ્યું હોવાનો ભાસ થયો. જોકે, અંદરથી તમામનો આત્મા કકળી રહ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે.

નીતીને પટેલે કહ્યું.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની નારાજગી અંગેના મીડીયાના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, , હું નારાજ ન હતો, ન રહીશ. હાઈકમાન્ડે, સિનિયર નેતાગીરીએ ભારતમાં પહેલીવાર ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી ટીમ બદલી નાંખવાનો જે નિર્ણય લીધો છે તે વિચારીને કંઈક ગણતરીપૂર્વક જ કર્યો હશે. તેના પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. હું હજી મહેસાણાનો ધારાસભ્ય તો છું જ અને સંગઠનની ઘણી કમિટીઓમાં છું. અગર કશે ન રહીશ તો જનતાના દિલમાં તો રહીશ જ.

Leave a Reply

Translate »