- રાજા શેખ, સુરત:
દેશમાં વધુ લોકચાહના ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ અનોખી રીતે ઉજવવા આખા દેશમાં ભાજપ દ્વારા વિવિધ આયોજનો થઈ રહ્યાં છે એવામાં સુરત ભાજપ પણ તેમાંથી બાકાત નથી. સુરત ભાજપ દ્વારા નમોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે જ ગુજરાત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બનેલા અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ એક અનોખી તરકીબ શોધી વેપારીઓ સાથે પ્રજાને પણ લાભ થાય તેવું આયોજન કર્યું છે. પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં આવતા તમામ રોજગાર ધંધાઓ, હોટલ, રેસ્ટોરન્ટ, કપડા, શૂઝ સહિતની દુકાનો, મેડીકલ સ્ટોર, દવાખાના, હોસ્પિટલો, સલૂન વગેરેમાં મોટી ડિસ્કાઉન્ટ ઓફર બે દિવસ માટે મુકાવી છે. દરેક જગ્યાએ 10 ટકાથી 100 ટકા ડિસ્કાઉન્ટ સુધી આપવાની તૈયારીઓ વેપારીઓ-સંચાલકો દ્વારા દર્શાવવામાં આવી છે અને તે માટે ખુદ પૂર્ણેશ મોદી, નગરસેવકો, પૂર્વ નગર સેવકો અને તેમની કમિટેડ ટીમ દરેક દુકાને-દુકાને ફરી હતી અને અપીલ કરી હતી.
આ અંગે કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશ મોદીએ મીડીયાને કહ્યું હતું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને વિશેષરૂપે ઉજવવા માટે અમે આ પ્રકારનું અભિયાન ચલાવ્યું છે. હાલ કોરોનાકાળ દરમિયાન ધંધા રોજગાર પર માઠી અસર પડી છે અને ઉપરથી ગ્રાહકોની ખરીદ શક્તિ પણ ઘટી છે એવામાં સારું ડિસ્કાઉન્ટ ઓફર થાય તો બંને વર્ગને લાભ મળી શકે છે. લોકો પણ ખરીદી કરવા જાય ત્યારે તેમને સારું ડિસ્કાઉન્ટ મળે તો મોદીજીના જન્મદિનને કારણે તેઓને આવું ડિસ્કાઉન્ટ મળ્યું તેવો ભાવ સાથે આનંદ પણ આવે. વડાપ્રધાને ગુજરાત માટે ઘણું કામ કર્યું છે અને લોકોના દિલમાં તેઓ વસ્યા છે ત્યારે અમે તેમના જન્મદિવસના માધ્યમથી ડિસ્કાઉન્ટ અપાવવાનો પ્રયાસ કર્યો છે.
મહા આરતીના કાર્યક્રમો 100 મંદિરો અને 300 ગણેશ પંડાલોમાં થશે
વડાપ્રધાનના જન્મદિને આ આઠ મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમોનું આયોજન પૂર્ણેશ મોદીના માધ્યમથી કરાયું છે . જેમાં ગોરાટ હનુમાન મંદિર, ભેંસાણ સતીમાતાનું મંદિર, જહાંગીરપુરા રામમઢી આશ્રમ, જહાંગીરપુરા ઈસ્કોન મંદિર, જય ગાયત્રી પરિવાર તેમજ અડાજણ રાંદેર વિસ્તારોના અન્ય 100 મંદિરો અને 300 ગણેશ પંડાલોમાં મહાઆરતી થશે. ઉપરાંત ગોરાટ હનુમાન મંદિર ખાતે કોરોનામાં પતિ ગુમાવનાર વિધવા બહેનો અને તેમના બાળકોના હસ્તે ગાયત્રી યજ્ઞનુ્ પણ આયોજન કરવામાં આવ્યું છે.
- આ કાર્યક્રમો પણ કરાશે.
- 100 ટકા કોરોના વેક્સિનેશન થાય તે માટે ડોર ટુ ડોર અભિયાન
- કોરોનામાં પિતા-પાલક ગુમાવનારા બાળકોના શિક્ષણ ફીની જવાબદારી ગણેશ મંડળો દ્વારા ઉપાડવાના કાર્યક્રમ
- દિવ્યાંગ બાળકો માટે પ્રિતી ભોજન અને કૃત્રિમ અંગોના દાનના કાર્યક્રમ
- આંગણવાડીના બાળકો સાથે બર્થડેની ઉજવણી
- રક્તદાન શિબિર, ચશ્મા શિબિરના કાર્યક્રમો
- વુદ્ધાશ્રમના બુઝુર્ગોનું સન્માન અને પ્રીતીભોજન
- 71 સફાઈ કામદારોનું સન્માન
- 71 યુનિટ બ્લડ ભેગુ કરાશે, 71 વૃક્ષો વાવવામાં આવશે.
- આ સિવાય રાષ્ટ્રભાવના સહિતના અનેક કાર્યક્રમો