કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવાને અનુલક્ષીને નવી માનક સંચાલન પ્રક્રિયા (SOP) જાહેર કરી છે. તે મુજબ જો કાર્યાલયોમાં સંક્રમણના માત્ર એક કે બે કેસ જ સામે આવે તો જે વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં કોરોના સંક્રમિતની ગતિવિધિઓ રહી હોય, માત્ર તેટલા ભાગને જ સેનિટાઈઝ કરવાની જરૂર પડશે.
શનિવારે જાહેર કરવામાં આવેલી SOP પ્રમાણે નિર્ધારિત નિયમો પ્રમાણે સેનિટાઈઝેશન કર્યા બાદ કાર્ય શરૂ કરી શકાશે. પરંતુ જો કાર્યસ્થળ પર કોરોનાના અનેક કેસ સામે આવે તો સંપૂર્ણ ઈમારત કે બ્લોકને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા કરવી પડશે અને ત્યાર બાદ જ કાર્ય શરૂ કરી શકાશે.
નવી SOP પ્રમાણે પ્રતિબંધિત ઝોનમાં રહેતા અધિકારીઓ અને કર્મચારીઓએ આ અંગે પોતાના વરિષ્ઠ અધિકારીને જાણ કરવી પડશે અને જ્યાં સુધી તેમનો વિસ્તાર પ્રતિબંધિત ઝોનની શ્રેણીમાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી કાર્યાલય ન આવવું જોઈએ. સાથે જ આવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી મળવી જોઈએ.
ઉપરાંત પ્રતિબંધિત વિસ્તારોમાં આવતા કાર્યાલયો બંધ જ રહેશે. તેના સિવાય માત્ર લક્ષણો ન ધરાવતા કર્મચારીઓ અને આંગતુકોને જ કાર્યાલયમાં પ્રવેશની અનુમતિ અપાવી જોઈએ. SOPમાં કોવિડ-19થી બચવાના ઉપાયોનું ચુસ્ત પાલન કરવા પર પણ જોર અપાયું છે.
આનું ધ્યાન રાખવું જરૂરી
- SOPમાં કહેવામાં આવ્યું છે કે લિફ્ટમાં લોકોની સંખ્યા નક્કી રહેશે, જેથી સોશિયલ ડિસટન્સિંગ જાળવી શકાય.
- એરકન્ડિશનિંગ અને વેન્ટિલેશન માટે CPWDના આદેશનું પાલન કરવું જોઈએ.
- એરકન્ડિશનરનું ટેમ્પરેચર 24થી 30 ડીગ્રી સેલ્સિયસ સુધી હોવું જોઈએ. હ્યુમિડિટીની રેન્જ 40થી 70 રહેવી જોઈએ.
- વર્કપ્લેસ પર ક્રોસ વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.
- ઓફિસ કેમ્પસની બહાર અને અંદર કોઈપણ દુકાન, સ્ટોલ, કેફેટેરિયા અથવા કેન્ટીનમાં દર વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નક્કી કરવું જોઈએ.
- સ્ટાફે પોતાનું તાપમાન સમયસર ચેક કરાવવું જોઈએ. જો તે બીમારી હોય અથવા ફ્લૂ જેવાં લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ.
- સ્ટાફ અને વેઈટરોને માસ્ક અને ગ્લવ્સ પહેરવાં સહિત અન્ય જરૂરી ઉપાય કરવા જોઈએ.
- બેસવાની વ્યવસ્થા એવી હોય કે સ્ટાફમાં ઓછામાં ઓછ 6 ફુટનું અંતર હોય.