ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો.
પંચમહાલ પોલીસના મતે, રફીક હુસૈન તે કોર ગ્રુપનો હિસ્સો હતો જેણે ગોધરાકાંડનું કાવતરું ઘડ્યું હતું અને છેલ્લા 19 વર્ષથી તે ફરાર હતો. જાણકારી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી જઈને રેલવે સ્ટેશનની બાજુના ઘરમાં રેડ કરી હતી, જ્યાંથી રફીક હુસૈનને ઝડપી પાડ્યો છે.
પોલીસનું કહેવું છે કે ગોધરાકાંડમાં ટ્રેનના કંપાર્ટમેન્ટને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવી, ભીડને ભડકાવવી અને આખા કાવતરાની બ્લૂપ્રિન્ટ બનાવવામાં રફીક હુસૈનનો મોટો હાથ હતો. તેના પર હત્યા અને અથડામણ કરાવવાના ગુના પણ નોંધાયેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર કારસેવકોથી ભરેલી ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં કુલ 59 કારસેવકોના મોત થઈ ચૂક્યા હતા, ત્યારબાદ ગુજરાતમાં 2002ના તોફાનો ફાટી નીકળ્યા હતા.