દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું, ‘એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને’ .
ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે અને એક મોકો આપને વાળું થીમ સોંગ તૈયાર કર્યું છે. આ સોંગ ગરબારૂપે અનેક લગ્ન પ્રસંગોમાં પણ વગાડવામાં આવી રહ્યું છે.
આપ આ વખતે ગુજરાતમાં જોર લગાવી રહી છે. ગોપાલ ઈટાલિયાને ગુજરાતના પ્રમુખ બનાવ્યા બાદ ભારે રાજકીય હલચલ આપ તરફથી જોવા મળી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ગુજરાતમાં આવી રોડ શો અને ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી જોરશોરથી લડી રહી છે. મનીષ સિસોદીયાએ સુરતમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ રોડશોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ જ એક્ટિવ થઈ છે અને તમામ બેઠક પર તેમના ઉમેદવારો ઉતાર્યા છે. એન્ટિ ઈન્કમબન્સી ન અનુભવાય તે માટે ભાજપે તેના ત્રણ ટર્મથી જીતતા અને 65 વર્ષથી વધુની વય ધરાવનારા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં નહીં ઉતારી નવા ચહેરાને સ્થાન આપ્યું છે ત્યારે કોંગ્રેસની અનફાવટ વચ્ચે આપ જોર લગાવી રહી છે ત્યારે કેજરીવાલનું ફોક્સ દિલ્હીથી ગુજરાત તરફ ખૂબ જ છે તે આ ગુજરાતી ટ્વીટ પરથી દેખાય રહ્યું છે. આ પહેલા કેજરીવાલનો ઈન્ટરવ્યૂ પણ તમામ ગુજરાતી અખબારોમાં છપાયો હતો.