- ચર્ચામાં પ્રિન્સ હૅરી કેમ કે બ્રિટિશ શાહી પરિવાર છોડ્યા બાદ હવે નોકરી કરશે
- જન્મ- 15 સપ્ટેમ્બર 1984
- શિક્ષણ- એ લેવલ સર્ટિફિકેટ (ઇટન કોલેજ, લંડન)
- પરિવાર- પત્ની મેગન મર્કેલ, પિતા પ્રિન્સ ચાર્લ્સ, માતા ડાયેના, ભાઇ પ્રિન્સ વિલિયમ
- સંપત્તિ- 300 કરોડ રૂ.
બ્રિટનના શાહી પરિવાર પર આખી દુનિયાની નજર હોય છે. આ શાહી પરિવાર ઘણીવાર ચર્ચામાં રહે છે પણ વીતેલા કેટલાક વર્ષોમાં આ પરિવારનો એક સભ્ય સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. એ છે ક્વીન એલિઝાબેથ (દ્વિતીય)નો પૌત્ર પ્રિન્સ હૅરી. તે 2018માં ડ્યૂક ઑફ સસેક્સ બન્યો અને શાહી પરિવારના પ્રમુખપદની દાવેદારીના ક્રમમાં છઠ્ઠા નંબરે છે. 2018માં અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલ સાથે તેના લગ્ન ચર્ચામાં રહ્યા. ગત વર્ષે આ દંપતીએ શાહી પરિવાર છોડવાની વાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં મેગન અને હૅરીએ શાહી પરિવારમાં રંગભેદનો મુદ્દો ઊઠાવીને વિવાદ સર્જ્યો છે. શાહી પરિવારથી અલગ થયા બાદ હૅરી નાણાકીય રીતે સ્વતંત્ર થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેણે અમેરિકામાં એક કોચિંગ કંપનીમાં ચીફ ઇમ્પેક્ટ ઓફિસર તરીકે નોકરી શરૂ કરી છે. 36 વર્ષના હૅરી વિશે એવું કહેવાય છે કે તેની માતા ડાયેનાના આકસ્મિક મોતથી તેનું જીવન બદલાઇ ગયું. વિવાદોથી ભરેલી કિશોરાવસ્થા બાદ હવે તે સામાજિક કાર્યો પર ધ્યાન આપી રહ્યો છે. હાલ તે પત્ની સાથે અમેરિકામાં રહે છે.
પાઇલટ રહ્યો, અફઘાનિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો
સૈન્યમાં સેવા આપવી બ્રિટિશ શાહી પરિવારની પરંપરા રહી છે. હૅરી વિશે કહેવાય છે કે સૈન્યમાં તેણે પોતાની ઇમેજ સુધારવા પર વધુ ધ્યાન આપ્યું. તે મે 2005માં રોયલ મિલિટ્રી એકેડમીમાં ઓફિસર કેડેટ તરીકે જોડાયો. 2012માં અપાચે હેલિકોપ્ટરનો પાઇલટ બન્યો. બે વખત અફઘાનિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો. 2007માં ઇરાક યુદ્ધમાં હૅરીને મળેલી ધમકીઓના કારણે તેને ઇરાક ન મોકલાયો. 10 વર્ષ સૈન્યમાં રહ્યા બાદ જૂન 2015માં હૅરીએ રાજીનામું આપી દીધું.
ચોરી કરીને પાસ થયો પણ સ્પોર્ટ્સમાં આગળ રહ્યો
હૅરીનું મૂળ નામ હેનરી ચાર્લ્સ આલ્બર્ટ ડેવિડ છે. માતા ડાયેના અને પિતા ચાર્લ્સના નાના દીકરા હૅરીએ ઇટન કોલેજમાંથી સ્કૂલિંગ પૂરું કર્યું. તે અભ્યાસમાં નબળો હતો. સ્કૂલના પૂર્વ શિક્ષકના જણાવ્યાનુસાર હૅરી ચોરી કરીને પાસ થયો. જોકે, પોલો અને રગ્બી જેવી રમતોમાં આગળ હતો. ડાયેના હૅરીને જાહેર સ્થળોએ લઇ જવાની સાથોસાથ એઇડ્સ ક્લિનિક જેવી સંસ્થાઓમાં પણ લઇ જતી હતી, જેથી તે લોકોની વચ્ચે રહી શકે. હૅરીએ નાની ઉંમરથી જ માતા-પિતા સાથે તેમના ચેરિટી વર્કમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.
નશો કરતા પકડાઇ ચૂક્યો છે, એક દિવસ નશામુક્તિ કેન્દ્રમાં પણ રહ્યો
બ્રિટનના મીડિયામાં હૅરીને ઘણીવાર બળવાખોર વૃત્તિના બાળક તરીકે દર્શાવાયો. 2005માં તે એક થીમ પાર્ટીમાં નાઝી જર્મનના વેશમાં જતાં વિવાદ સર્જાયો હતો. 17 વર્ષની ઉંમરે નાઇટ ક્લબની બહાર નશો કરેલી હાલતમાં તેની તસવીર મીડિયામાં છપાઇ. નશાની લત છોડાવવા પિતા ચાર્લ્સ હૅરીને નશામુક્તિ કેન્દ્રમાં પણ લઇ ગયા હતા. હૅરી સૈન્યમાં હતો ત્યારે એક પાક. સૈનિકે તેની સામે રંગભેદી ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો, જે બદલ હૅરીએ લેખિતમાં માફી પણ માગવી પડી હતી.
પાપારાઝીથી દૂર રહે છે, ઘણાં મીડિયા હાઉસ સામે કોર્ટ કેસ કર્યા
હૅરીની માતા ડાયેના વિશ્વમાં સૌથી વધુ તસવીરો ખેંચાવનારી મહિલા કહેવાય છે. 1997માં પેરિસમાં પાપારાઝી (પ્રેસ ફોટોગ્રાફર્સ) મોટર સાઇકલો પર બેસીને તેની કારનો પીછો કરી રહ્યા હતા. ડાયેનાનો ડ્રાઇવર પણ નશામાં હતો. આ દુર્ઘટનામાં ડાયેનાનું મોત થયું. ત્યારે હૅરી 12 વર્ષનો હતો. આ દુર્ઘટનાએ હૅરીનો મીડિયા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. 2011માં ફોન હૅક કરીને અંગત પત્ર છાપવા બદલ, પ્રાઇવસીમાં દખલ કરવા બદલ બ્રિટનના ઘણાં મીડિયા હાઉસ સામે હૅરીએ કોર્ટ કેસ કરેલા છે.
સેવાભાવી સંસ્થા બનાવીને કામ કરી રહ્યો છે, મેન્ટલ હેલ્થ પર ધ્યાન
હૅરી અને મેગને 2020માં શાહી પરિવારમાં સિનિયર રોયલ તરીકે કામ કરવાનું બંધ કરી દીધું છે અને શાહી પરિવાર તરફથી મળતી નાણાકીય સુવિધાઓ ત્યજી દીધી છે. જોકે, આ તેની આવકનો માત્ર 5% હિસ્સો છે. હૅરીની આવકનો મોટાભાગનો હિસ્સો તેની સંપત્તિ તથા તેની માતા ડાયેનાની વારસાઇ સંપત્તિમાંથી આવે છે. તદુપરાંત, તેણે નેટફ્લિક્સ અને સ્પોટિફાય સાથે કરાર કર્યો છે. હૅરી ઘણાં સામાજિક કાર્યો પણ કરે છે. તાજેતરમાં તેણે મેન્ટલ હેલ્થ પર કામ કરતી બેટરઅપ નામની કંપની જોઇન કરી છે. હૅરી 2016થી ‘હેડ્સ ટુગેધર’ નામથી મેન્ટલ હેલ્થ માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે.
Source : Bhaskar