અભિનેતા એજાઝ ખાનની NCBએ મંગળવારે અટકાયત કરી છે. એજાઝ ખાન છેલ્લા થોડા દિવસથી રાજસ્થાનમાં શૂટિંગ કરી રહ્યો હતો. જેવો એ ત્યાંથી મુંબઈ પરત ફર્યો કે તરત જ NCBની ટીમે તેની અટકાયત કરી લીધી. અત્યારે NCBની એક ટીમ તેને પોતાની ઓફિસ લઇ જઇને પૂછપરછ કરી રહી છે. એજાઝ બિગ બોસ-7માં સાથી કોન્ટેસ્ટન્ટ સાથે મારામારી કરવાના મુદ્દે સમાચારમાં આવ્યો હતો. એજાઝની અગાઉ 2018માં પણ ધરપકડ થઈ ચૂકી છે.
NCBનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એજાઝ ખાન અને મુંબઈમાં ડ્રગ્સના સૌથી મોટા સિંડીકેટ એવા ‘બટાટા ગેંગ’ વચ્ચે લિંક મળી છે. એજાઝ ખાનને પકડ્યા બાદ NCBની ટીમે મુંબઈના અંધેરી અને લોખંડવાલા વિસ્તારમાં ઠેરઠેર દરોડા પાડ્યા છે. એજાઝની પહેલાં મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયર ફારુખ બટાટાના દીકરા શાદાબ બટાટાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. ચર્ચાઈ રહ્યું છે કે શાદાબ સાથેની પૂછપરછ બાદ એજાઝની અટકાયત કરવામાં આવી છે.
2018માં પણ ધરપકડ થઈ હતી
અગાઉ 2018માં પણ અભિનેતા એજાઝ ખાનની મુંબઈ પોલીસના નાર્કોટિક્સ સેલ દ્વારા ધરપકડ કરાઈ હતી. એ વખતે એના પર પ્રતિબંધિત દવાઓ લેવાનો આરોપ હતો. કહેવાય છે કે ધરપકડ થઈ ત્યારે પણ એ નશામાં ચૂર હતો અને પાર્ટી કરી રહ્યો હતો. એની પાસેથી 8 એક્સટસી ટેબલેટ્સ પણ મળી આવી હતી. 2.3 ગ્રામ વજનની એ ટેબલેટ્સની કિંમત 2.2 લાખ રૂપિયા થવા જતી હતી. આ દરમિયાન નવી મુંબઈ પોલીસે એજાઝ પાસેથી બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા.
વિધાનસભાની ચૂંટણી લડ્યો અને NOTAથી પણ ઓછા વોટ મળ્યા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એજાઝ ખાન મુંબઈની ભાયખલા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો. જોકે એને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા હતા અને એની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગયેલી. એજાઝ ખાનની સામે શિવસેનાની ઉમેદવાર યામિની યશવંત જાધવ હતાં, જેમણે એજાઝને 20023 વોટથી કારમી હાર આપી હતી. એજાઝને માત્ર 2174 મતો મળ્યા હતા, જ્યારે નોટામાં 2791 વોટ પડ્યા હતા. એજાઝ ખાન ઓવૈસીની પાર્ટી પાસેથી મુંબ્રા સીટ માટે ટિકિટ માગી રહ્યો હતો. પરંતુ ઓવૈસીની પાર્ટી MIMએ એજાઝને ટિકિટ ન આપીને બીજા ઉમેદવારને ચાન્સ આપ્યો હતો.
બિગબોસથી એજાઝ લાઇમલાઇટમાં આવ્યો
એક્ટર એજાઝ ખાન રિયાલિટી શૉ ‘બિગ બોસ’માં ભાગ લઈ ચૂક્યો છે. ગયા વર્ષના જુલાઈમાં સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ ભાષણ આપ્યા પછી થયેલી ધરપકડને કારણે ચર્ચામાં આવ્યો હતો. એજાઝે ઝારખંડમાં તબરેઝ અન્સારીના કથિત મોબ લિન્ચિંગ વિરુદ્ધ બોલનારા એક વીડિયો ગ્રૂપનું સમર્થન કર્યું હતું.