પાર્કિંગ ચાર્જ:આજથી અમદાવાદ એરપોર્ટ પર 30 મિનિટ કારપાર્કિંગનો ચાર્જ રૂ.90, બાઇકના રૂ.30

અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલથી પાર્કિંગ ચાર્જમાં વધારો થશે. એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપનીએ કાર પાર્કિંગ ચાર્જમાં બમણા અને ટૂ-વ્હીલર પાર્કિંગ ચાર્જમાં ચાર ગણા વધારા સાથે એરપોર્ટ પર પિકઅપ ડ્રોપ ટાઇમ 5 મિનિટનો કરી દેવાતાં વિરોધ થયો છે. જોકે પ્રથમ અડધા કલાકથી લઈને 2 કલાક અને 24 કલાકના પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

1 એપ્રિલથી એરપોર્ટ પર આવતાં-જતાં વાહનો માટે માત્ર 5 મિનિટનો ફ્રી ટાઇમ આપ્યો છે, જેને કારણે હવે આવતા-જતા કારચાલક પાસેથી 30 મિનિટના રૂ. 90 અને 2 કલાકના રૂ. 150 વસૂલાશે. ટૂ-વ્હીલરના 30 મિનિટના રૂ. 30 અને 2 કલાકના રૂ. 80 ચૂકવવા પડશે.

એરપોર્ટમાં રોડ પર તૈયાર થનારા પાર્કિંગ ટોલ બૂથથી ટર્મિનલ સુધી જઈને પરત આવવામાં 7થી 8 મિનિટનો સમય લાગતો હોવાથી એરપોર્ટના એરાઇવલ અને ડિપાર્ચર વિસ્તારમાં આવતાં વાહનોના પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવા પડશે. એરપોર્ટના ઓટો સ્ટેન્ડમાં આવતા રિક્ષાચાલકોએ પાર્કિંગમાં ઊભા રહેવાના રૂ. 60 ચાર્જ ચૂકવવો પડશે તેમ જ એરપોર્ટ પર આવતા પ્રી-પેઇડ ટેક્સીચાલકોને પણ ભાવવધારાની જાણ કરાઈ છે, જેથી પ્રી-પેઇડ ટેક્સીચાલકો પાસેથી 1 એપ્રિલથી રૂ. 120ને બદલે રૂ. 150 વસૂલાય એવી શક્યતા છે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Leave a Reply

Translate »