- દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર આગામી IPLમાંથી બહાર થઈ ગયો છે
- અય્યરને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં જ ખભામાં ઈજા થઈ હતી
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2021ની સિઝનમાંથી બહાર થઈ ગયા હોવા છતા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને સંપૂર્ણ સેલેરી મળશે. અય્યરને ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ખભામાં ઈજા થઈ હતી. આ કારણે તે આગામી IPLમાંથી બહાર થઈ ગયા છે. BCCIના જણાવ્યા મુજબ 8 એપ્રિલે તેમની સર્જરી થશે અને આ કારણે તે દિલ્હી કેપિટલ્સ માટે સમયથી ફિટ થઈ શકશે નહિ. ઈન્સાઈડ સ્પોર્ટના જણાવ્યા મુજબ અય્યરને પ્રત્યેક સીઝનમાં 7 કરોડ રૂપિયા મળે છે અને પ્લેયર ઈન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત તેમને સંપૂર્ણ સેલરી મળશે.
IPL 2021: શું છે IPL પ્લેયર ઈન્શ્યોરન્સ?
આ ઈન્શ્યોરન્સ પોલિસી તમામ કેન્દ્રીય કોન્ટ્રેક્ટ ધરાવતા ખેલાડીઓ માટે છે. આ સ્કીમ 2011 એટલે કે ચોથી સીઝન પહેલાં શરૂ થઈ હતી. આ નિર્ણય તત્કાલીન BCCI સેક્રેટરી એન શ્રીનિવાસન અને ભારતીય ખેલાડીઓ વચ્ચે થયેલી એક બેઠક પછી લેવામાં આવ્યો હતો. ઈન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત ખેલાડીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે, જો તે ઈજાગ્રસ્ત થવા કે અન્ય કોઈ દુર્ઘટનાને કારણે મેચ રમવા ઉપલબ્ધ ન હોય તો.
શ્રેયસ અય્યર કઈ રીતે યોગ્ય?
સ્કીમ મુજબ જો કોઈ ખેલાડી રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધત્વ કરતી વખતે ઈજાગ્રસ્ત થાય છે અથવા તો પછી IPLની શરૂઆત કે સમગ્ર સીઝનમાંથી બહાર થાય છે તો તે આ માટે યોગ્ય બને છે. અય્યર ભારતીય ટીમનો હિસ્સો હતો, જ્યારે તે ઈંગ્લેન્ડની વિરુદ્ધ રમાયેલી મેચ દરમિયાન ખભામાં થયેલી ઈજાના કારણે બહાર થયો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્કીમ કરાર ન ધરાવતા હોય તેવા ખેલાડીઓ માટે નથી.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી.
વળતર કઈ રીતે નક્કી કરવામાં આવે છે?
વળતરની રકમ ખેલાડીના કુલ કરારની રકમ અને કેટલી મેચમાં તે રમશે નહિ, તેના આધારે એડજસ્ટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે BCCIએ કહ્યું કે રોહિત શર્માના જમણા ખભામાં ઈજા થઈ છે અને તે રિહેબમાંથી પસાર થશે. તેમની રિકવરી પર એપ્રિલના બીજા સપ્તાહમાં કઈક કહેવામાં આવશે કે IPL 2021માં તેઓ ક્યારે પરત ફરશે. તેનો અર્થ એ થાય કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન ઓછામાં ઓછી ત્રણ ગ્રુપ લીગ મેચ નહિ રમે. રોહિત શર્માની IPL 2021માં સેલેરી 15 કરોડ રૂપિયા છે, તો તેની કુલ સંખ્યા પ્રમાણે તે મુજબ વળતર આપવામાં આવશે. જોકે ખેલાડીનું વળતર સંબંધિત ફ્રેન્ચાઈઝી દ્વારા સમાન રૂપે શેર કરવામાં આવે છે- અય્યરના મામલામાં દિલ્હી કેપિટલ્સ અને BCCI દ્વારા કરાશે. જોકે અય્યર સમગ્ર સિઝન બહાર રહેશે તો BCCI તેમને સંપૂર્ણ રકમ આપશે.
ખેલાડીને થયેલી ઈજા પર BCCIને કોઈ જાણ કરે છે?
ભારતીય ટીમની ફિઝિયો અને BCCI મેડિકલ ટીમ. જો કોઈ ખેલાડી IPLમાં રિપોર્ટ કર્યા પછી ઈજાગ્રસ્ત થાય તો ફ્રેન્ચાઈઝીના ફિઝિયો અને ડોક્ટર મેડિકલ રિપોર્ટ જમા કરાવે છે. તમામ મેડિકલ સલાહ ટેસ્ટ રિપોર્ટની સાથે હોય છે. જો કોઈ ખેલાડી IPLમાં રિપોર્ટ કરાવ્યા પછી ટુર્નામેન્ટમાંથી બહાર થાય છે તો વળતર BCCI અને સંબધિત IPL ફ્રેન્ચાઝીએ સમાન ભાગે શેર કરે છે. ઉલ્લેખનીય છે કે ઈશાંત શર્મા, ઝાહીર ખાન અને આશિષ નહેરાને BCCIમાંથી વળતર મળ્યું છે, કારણ કે ઈજાગ્રસ્ત થયા પછી તે IPL સીઝનમાંથી બહાર થઈ ગયા હતા.