મુંબઈએ સતત 9મી સીઝનમાં પોતાની પહેલી મેચ ગુમાવી, બેંગલોરની ટીમ પહેલીવાર IPLની ઓપનિંગ મેચ જીતી

ડિવિલિયર્સે 27 બોલમાં 48 રન બનાવીને RCBની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

 • હર્ષલ પટેલ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો

IPL-14નો રસપ્રદ શુભારંભ થઈ ગયો છે. શુક્રવારે રમાયેલી સીઝનની પ્રથમ મેચમાં RCBએ પ્રશંસનીય જીત પ્રાપ્ત કરી હતી. વિરાટની સેનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને 2 વિકેટથી પરાજીત કરી હતી. મુંબઈએ સતત 9મી સીઝનમાં એની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યો છે. મુંબઈએ છેલ્લે 2013માં લીગની પ્રથમ મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. તેવામાં RCBની વાત કરીએ તો તેણે અત્યારસુધી 4 વખત લીગની પ્રથમ મેચમાં ભાગ લીધો હતો, જેમાંથી આ એની પ્રથમ જીત છે.

MIએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાનમાં પ્રસ્થાન કર્યું હતું. તેવામાં આખી ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. એબી ડિવિલિયર્સે સૌથી મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી જેમાં તેણે 27 બોલમાં 48 રન બનાવ્યા હતા. આના સિવાય મેક્સવેલે 39 રન અને કોહલી 33 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર્સમાં જસપ્રીત બુમરાહ અને માર્કો જેન્સને 2-2 વિકેટ ઝડપી હતી. જેન્સનની આ IPLમાં ડેબ્યૂ મેચ હતી. બોલ્ટ અને કૃણાલ પંડ્યાને 1-1 વિકેટ પ્રાપ્ત થઈ હતી.

રસપ્રદ મેચમાં અંતિમ બોલ પર RCBનો વિજય થયો

 • બેંગ્લોરની ટીમે ઝડપી શરૂઆત કરી હતી, પણ 36 રનમાં પ્રથમ વિકેટ પણ ગુમાવી દીધી હતી. સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સારું પ્રદર્શન દાખવવા નિષ્ફળ રહ્યો હતો.
 • સુંદરએ 16 બોલમાં 10 રન બનાવ્યા હતા અને કૃણાલ પંડ્યાનો શિકાર થયો હતો. આ પછી ડેબ્યુ મેચ રમનારો રજત પાટીદાર બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ તે ફક્ત 8 રન જ બનાવી શક્યો હતો.
 • RCB ટીમની 46 રનમાં બીજી વિકેટ પડી ગઈ હતી. ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે રજતને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • ઓપનિંગમાં આવેલા કોહલીએ ગ્લેન મેક્સવેલ સાથે ત્રીજી વિકેટ માટે 42 બોલમાં 52 રનની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી લીધી હતી.
 • 98ના સ્કોર પર બુમરાહે RCBના ત્રીજા ખેલાડીને આઉટ કર્યો હતો. એણે કોહલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યા હતો. અહીંથી ટીમને જીતવા માટે 45 બોલમાં 62 રનની જરૂર હતી.
 • ટીમ ફક્ત 6 રન જ ઉમેરી શકી હતી કે ગ્લેન મેક્સવેલ અને શાહબાઝ અહેમદ પણ પેવેલિયન ભેગા થયા હતા. IPLમાં પ્રથમ મેચ રમતા માર્કો જેન્સને એ જ ઓવરમાં બંન્નેને આઉટ કર્યા હતા.
 • 5 નંબર પર બેટિંગ કરવા આવેલા એબી ડીવિલિયર્સે એક એન્ડ સંભાળ્યો હતો અને ટીમને જીત તરફ દોરી જવા પ્રયાસો કર્યા હતા. જોકે, છેલ્લી ઓવરમાં તે પણ રન આઉટ થયો હતો. ટીમને છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી.
 • એબી ડિવિલિયર્સના આઉટ થયા પછી ટીમને 2 બોલમાં માત્ર 2 રનની જરૂર હતી. સ્ટ્રાઈક પર રહેલા મોહમ્મદ સિરાજે લેગ બાયનો એક રન લીધો હતો. આ પછી હર્ષલ પટેલે એક રન સાથે ટીમને જીત અપાવી હતી.
વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી.

વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી.

મેક્સવેલે 2018 પછી પ્રથમમાં લીગમાં સિક્સ મારી
આ સીઝનમાં RCBએ મેક્સવેલને 15.50 કરોડમાં ટ્રેડ કર્યો હતો. 2018થી તેનું ફોર્મ IPLમાં ખરાબ ચાલી રહ્યું હતું, જેના પરિણામે તેણે એ વર્ષથી એક પણ સિક્સ ફટકારી નહોતી. તમને જણાવી દઈએ કે 2019માં તેણે લીગમાં ભાગ નહોતો લીધો. જ્યારે 2020માં પંજાબની ટીમમાંથી તેણે 15.42ની એવરેજ સાથે 108 રન બનાવ્યા હતા, જેમાં એકપણ સિક્સ એણે નહોતી ફટકારી.

MIએ અંતિમ 31 રન બનાવવામાં 6 વિકેટ ગુમાવી
મુંબઈની ટીમે 9 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. જેમાં 15મી ઓવરમાં ટીમનો સ્કોર 3 વિકેટ પર 128 રનનો હતો. ત્યાંથી બીજા 30 બોલમાં મુંબઈ માત્ર 31 રન બનાવી શકી અને એકપછી એક વિકેટ પણ ગુમાવતી ગઈ. અંતિમ 5 ઓવરમાં મુંબઈએ 6 વિકેટો ગુમાવી હતી. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 31 અને ઈશાન કિશને 28 રન બનાવ્યા હતા. RCBના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે મહત્ત્વપૂર્ણ 5 વિકેટો ઝડપી હતી.

હર્ષલના નામે નવો રેકોર્ડ
હર્ષલ પટેલ IPLમાં મુંબઈ સામે 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. અગાઉ મુંબઈ વિરુદ્ધ શ્રેષ્ઠ દેખાવ રોહિત શર્માનો હતો. રોહિતે 2009માં ડેક્કન ચાર્જર્સ વતી રમતાં મુંબઈ સામે 6 રન આપીને 4 વિકેટ લીધી હતી.

ક્રિસ લીન અને સૂર્યકુમારની ભાગીદારીને મુંબઈની ઈનિંગને સંભાળી હતી

 • મુંબઈની ટીમે સારી શરૂઆત કરી શકી નહોતી. ટીમને તેનો પ્રથમ ઝટકો ઈનિંગની ચોથી ઓવરમાં 24 રનના સ્કોર પર લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 15 બોલમાં 19 રન બનાવીને રનઆઉટ થયો હતો.
 • આ પછી ક્રિસ લિન અને સૂર્યકુમારે બીજી વિકેટ માટે 43 બોલમાં 70 રનની ભાગીદારીથી ઇનિંગ્સને સંભાળી હતી. બીજી વિકેટ 94 રનના સ્કોર પર પડી, જેમાં સૂર્યકુમાર પેવેલિયન ભેગો થયો હતો.
 • સ્કોરકાર્ડમાં ટીમ 11 રન ઉમેરવામાં સફળ રહી હતી કે ઓપનર ક્રિસ લિન પણ આઉટ થઈ ગયો હતો. તે એક રનથી પોતાની અર્ધસદીને ચૂક્યો હતો. વોશિંગ્ટન સુંદરે એની બોલિંગ પર શાનદાર કેચ પકડ્યો હતો.
 • મુંબઈની અડધી ટીમ ઝડપી રન બનાવવાના ચક્કરમાં 145 રનમાં પેવેલિયન ભેગી થઈ હતી. જેમાં હર્ષલ પટેલે હાર્દિક પંડ્યાને પેવેલિયન મોકલ્યો હતો. હાર્દિક માત્ર 13 રન જ બનાવી શક્યો હતો.
 • આ પછી ઇશાન કિશન પણ ક્રિઝ પર રહી શક્યો નહોતો. હર્ષલે ઈશાનને એનો બીજો શિકાર બનાવ્યો હતો અને છેલ્લી ઓવરમાં મુંબઇની ઝડપી રન બનાવવાની વ્યૂહરચનાને ધીમી કરી હતી.
 • MIની ટીમે છેલ્લી ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. હર્શેલે કિરોન પોલાર્ડ અને માર્કો જેન્સેનને સતત બે બોલમાં પેવેલિયન મોકલ્યો. અંતે રાહુલ ચહર રનઆઉટ થયો હતો.
 • મુંબઈની ટીમે છેલ્લી 5 ઓવરમાં 31 રન જોડ્યા હતા. ટીમે આ સમયગાળા દરમિયાન 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ માટે ક્રિસ લિન અને સૂર્યકુમાર વચ્ચે મોટી ભાગીદારી નોંધાઈ હતી.

અનકેપ્ડ ઇન્ડિયન પ્લેયર્સ દ્વારા IPLમાં શ્રેષ્ઠ દેખાવ

 • 5/14 અંકિત રાજપૂત પંજાબ v હૈદરાબાદ 2018
 • 5/20 વરુણ ચક્રવર્તી કોલકાતા v દિલ્હી 2020
 • 5/27 હર્ષલ પટેલ બેંગલોર v મુંબઈ 2021 *
હર્ષલ પટેલે 20મી ઓવરમાં માત્ર 1 રન આપીને 3 વિકેટ લીધી હતી.

હર્ષલ પટેલે 20મી ઓવરમાં માત્ર 1 રન આપીને 3 વિકેટ લીધી હતી.

મુંબઈનો IPLમાં સક્સેસ રેટ બેંગલોરથી વધારે
મુંબઈએ અત્યારસુધી લીગમાં 203 મેચ રમી છે, જેમાંથી 120 જીતી અને 83માં હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ અત્યારસુધી 196 મેચ રમી છે, જેમાંથી 91 જીતી અને 101માં હારનો સામનો કર્યો છે. 4 મેચમાં નિર્ણય નહોતો આવ્યો. મુંબઈનો સક્સેસ રેટ 59.11% અને RCBનો 47.13% છે.

Leave a Reply

Translate »