નક્સલ હુમલામાં સવારે આશરે પાંચ વાગ્યે ભાસ્કરની ટીમ સુકમાના દોરનાપાલથી ગ્રાઉન્ડ ઝીરો માટે રવાના થઈ. 60 કિ.મી.ના કાચા રસ્તા, પગદંડીઓ અને બે નાળા પાર કરીને અમે 8:30 વાગ્યે બીજાપુર-સુકમા સરહદે ટેકલગુડા ગામ પહોંચ્યાં. અહીંનું દૃશ્ય અત્યંત ડરામણું હતું. ત્યાં પહોંચતાં જ અમારી નજર 60-70 વર્દીધારી નક્સલો પર પડી. અમને જોતાં જ તેમણે અમારી પૂછપરછ કરી. અમે કહ્યું કે ‘અમે મીડિયાકર્મી છીએ,’ એટલે તેઓ નરમ પડ્યા અને અમારાં નામ, સરનામું, મોબાઈલ નંબર લીધાં.
જવાનો તૈયાર નહોતા ત્યારે હુમલો કર્યો
અમારો પહેલો સવાલ હતો કે ‘કેટલા જવાન શહીદ થયા?’ તેમણે કહ્યું, ‘20થી વધુ.’ ત્યાં અમે 100 મીટર અંદર ગયા અને ચારેય તરફ જવાનોના મૃતદેહ દેખાયા. તેમણે એક સ્થળે એકસાથે 6 મૃતદેહ રાખ્યા હતા. અહીં આખા વિસ્તારમાં એકપણ જવાન જીવિત ન હતો. નક્સલોએ તેમનાં હથિયારો, જૂતાં અને કપડાં પણ લૂંટી લીધાં હતાં. આ દરમિયાન ગ્રામજનોએ વાત કરવા તૈયાર ના થયા. આ સ્થળ જોઈને લાગતું હતું કે અહીં નક્સલો પહેલેથી મોજૂદ હતા અને તેઓ ઘાત લગાવીને બેઠા હતા, જ્યારે જવાનો હુમલા માટે બિલકુલ તૈયાર ન હતા.
સમગ્ર ઘટના શું છે?
છત્તીસગઢના સુકમા જિલ્લાનાં જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના પાંચ નહીં, પરંતુ 23 જવાન શહીદ થયા છે. આ માહિતી રવિવારે સવારે સામે આવી. એક જવાન હજુ લાપતા છે, જ્યારે 31 ઘાયલ છે. નક્સલોએ ટેકલગુડાના જંગલમાં શનિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જવાનોના મૃતદેહો પરથી તેઓ હથિયારો, જૂતાં અને કપડાં પણ ઉતારીને લઈ ગયા. શનિવારે સવારે 11થી 4 વાગ્યા સુધી ચાલેલી આ અથડામણ પછી ફક્ત બે શહીદના મૃતદેહ બહાર કાઢી શકાયા. ત્યાં સુધી ફક્ત પાંચ જવાન શહીદ થયાની માહિતી હતી. છત્તીસગઢમાં દસ દિવસમાં આ બીજો મોટો નક્સલ હુમલો છે. 23 માર્ચે નક્સલોએ નારાયણપુર જિલ્લામાં પોલીસ બસને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.