મીનુ મન્હાસ, સીઆરપીએફ (કેન્દ્રીય અનામત પોલીસ દળ) કમાન્ડો રાકેશ્વર સિંહનાં પત્ની છે. તેમને જ્યારથી એ સમાચાર મળ્યા છે કે તેમના પતિ નકસલવાદીના કબજામાં છે, તેમની રાતની ઊંઘ ઊડી ગઈ છે. પાંચ વર્ષની બાળકી શ્રીગવીને ખોળામાં લઈને મીનુએ ભાસ્કર સાથેની વાતચીતમાં વડાપ્રધાનને અપીલ કરી કે તેમના પતિને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવે. જેવી રીતે ભારતીય વાયુસેનાના પાઈલટ અભિનંદન વર્તમાનને પાકિસ્તાની સેનાની પકડમાંથી મુક્ત કરાયો હતો એવી રીતે મારા પતિને છોડાવી લાવે. સીઆરપીએફની કોબરા ફોર્સના કમાન્ડો રાકેશ્વરનો પરિવાર જમ્મુના નેત્રકોટિ ગામમાં રહે છે. તે 2011થી સીઆરપીએફમાં છે.
મારા પતિ દેશ માટે 10 વર્ષથી લડી રહ્યા છે
મીનુએ કહ્યું કે મારા પતિ 10 વર્ષથી દેશ માટે લડી રહ્યા છે. હવે દેશવાસીઓએ તેમના માટે સંઘર્ષ કરવાની જરૂર છે. બધા તેમના માટે પ્રાર્થના કરો. શુક્રવારે મારી વાતચીત થઈ ત્યારે તેઓ અભિયાન માટે પોતાનો સામાન પેક કરી રહ્યા હતા. મને અધિકારીઓ તરફથી કોઈ સૂચના મળી નથી. ભગવાનને પ્રાર્થના છે કે તેઓ સુરક્ષિત પાછા આવે.
સમૈયાએ પરિજનોને વચન આપ્યું હતું
બસ્તરિયા બટાલિયનના સમૈયા મડવીએ બે મહિના પહેલાં જ બીજાપુરના અવાપલ્લી ગામમાં નવું મકાન બનાવ્યું હતું. 10 મહિના પહેલાં તેને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. તેના ભાઈ શંકરે કહ્યું કે હજુ થોડા સમય પહેલાં જ ગૃહપ્રવેશ માટે આવ્યા ત્યારે પરિજનોને કહ્યું હતું કે હવે તેઓ લાંબી રજા પર આવશે.
નકસલીઓને આ હુમલો મોંઘો પડશે
નકસલી હુમલામાં બીજાપુર જિલ્લાના 7 જવાનનાં મોત થયાં છે. આ શહીદોમાંથી એક નારાયણ સોઢીના ભાઈ ભીમાએ કહ્યું કે, ‘નકસલીઓ વિરુદ્ધ ગામના લોકોમાં ગુસ્સો છે. તેમના વિરુદ્ધ અવાજ ઊઠવા લાગ્યો છે. નકસલીઓને આ હુમલો ઘણો મોંઘો પડશે’.