- પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચ્યો
- મૃત્યુઆંક 1203 અને કુલ 63597 દર્દી રિકવર
સુરત શહેર જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે. હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે. જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.
શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કેસ
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાથી મૃત્યુઆંક વધીને 1203 થયો છે. ગત રોજ 678 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.જેને પગલે સાજા થનારાઓની કુલ સંખ્યા 63597 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કેસ છે.
ડાયમંડ સાથે સંકળાયેલા 10 અને કાપડ સાથે સંકળાયેલા 9 લોકો પોઝિટિવ
નવા નોંધાયેલા કેસમાં શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 અને કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 9 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જીઆઇડીસી સચીનમાં જોબ કરનાર, એલ એન્ડ ટીમાં જોબ કરનાર, સેલ્સમેન, વિદ્યાર્થીઓ, દુકાનદાર, બ્રોકર, બિઝનેસમેન, યસ બેન્કનો કર્મચારી, વકીલ, એનઆરઆઈ, ખેડૂત, આઈડીબીઆઈ બેન્ક મેનેજર અને ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થી સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોનાના કાબૂમાં લેવા અંગે બેઠકમાં ચર્ચા.
સરકારી હોસ્પિટલોમાં 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ
સુરતની સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં કુલ 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 387 દર્દીઓ ઓક્સિજન પર અને 198 દર્દીઓ સ્મીમેરમાં ઓક્સિજન પર સારવાર હેઠળ છે.જ્યારે સિવિલમાં 17 દર્દીઓ વેન્ટિલેટર પર અને સ્મીમેરમાં પણ 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. સ્મીમેર હોસ્પિટલમાં 46 લોકો બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે.
કોવિડ હોસ્પિટલ બેડની સંખ્યા વધારવા તૈયારી
સુરત સિવિલ હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલમાં 9માં માળને તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. 10 માળની કોવિડ-19 હોસ્પિટલ બાદ જૂની બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલને પણ કોરોના પોઝીટિવ દર્દીઓ માટે તૈયાર કરાઈ રહી છે. બીજી બાજુ રોજના 70-80 દર્દીઓ આવી રહ્યા છે. જેની સામે રજા લઈને હોમ ક્વોરન્ટીન થતા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ-19 હોસ્પિટલમાં 1200 દર્દીઓની કેપિસિટી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સ્ટાફની ભરતી કરવા તૈયારીઓ
સુરત શહેરની કોવિડ હોસ્પિટલમાં ડેટા ઓપરેટર 50, બાયો મેડિકલ ઈજનેર 6, ટેક્નિકલ સુપર વાઇઝર 10, ઓક્સિજન ઓપરેટર 12, લેબ ટેક્નિસિયન 18, વર્ગ 4 ના કર્મચારીઓ 540, ECG ટેકનીસિયાન 12, ફાર્મસીસ 10, સ્ટાફ નર્સ 240, ડ્રાઈવર 5ની તાત્કાલિક ભરતી કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કિડની હોસ્પિટલના બે ફ્લોરમાં 200 દર્દીઓ માટે તૈયારી
સિવિલ હોસ્પિટલ કોવિડ-19 માં 260 વેન્ટિલેટર છે એની સાથે બીજા 45 એક્સ્ટ્રા છે એટલે 305 વેન્ટિલેટર છે. બીજા 100 વેન્ટિલેટર કિડની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરવા આયોજન સાથે માગ્યા છે. કિડની હોસ્પિટલના બે ફ્લોરમાં 200 દર્દીઓ માટે તૈયારી શરૂ કરાઇ છે. રોજના 23.4 હજાર લીટર ઓક્સિજનનો વપરાશ થાય છે. રોજ ઓક્સિજન ભરેલું ટેન્કર મગાવું પડે છે. મેડિસિન ઇમરજન્સી મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિન સહિત 54 સિનિયર ડોક્ટરો તમામ કામગીરી પર નજર રાખી રહ્યાં છે.
330 ડોક્ટરો હાલ દર્દીઓ માટે ખડે પગે સેવા આપી રહ્યા છે
કો-રેસિડેન્ટ, રેસિડેન્ટ, ઇન્ટર્ન સહિત 330 ડોક્ટરો હાલ દર્દીઓ માટે ખડે પગે સેવા આપી રહ્યા છે. રોટેશન મુજબ ડોક્ટરો જવાબદારી સાંભળશે. એટલે કે 330 ડોક્ટરો પૈકી 1 અઠવાડિયું નોન કોવિડ અને 2 અઠવાડિયા કોવિડમાં રોટેશન મુજબ કામ કરશે. કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 200 બેડની વ્યવસ્થામાં 70 ડોક્ટરોની માગણી કરી છે. બે વાર જાહેરાત આપી છે પણ કોઈ આવવા તૈયાર નથી.