માંડવી ખાતે વહીવટી ભવન’ અને ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

માંડવી ખાતે વહીવટી ભવન’ અને ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

સમગ્ર દેશમાં સિટિઝન સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરનાર માંડવી ‘ડ’ વર્ગની પ્રથમ નગરપાલિકા

સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવી નગરપાલિકાના નવનિર્મિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિટોરિયમ’નું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમણે ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.

સમગ્ર દેશમાં સિટિઝન સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરનાર માંડવી ‘ડ’ વર્ગની પ્રથમ નગરપાલિકાની સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, ડિજિટલ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ભ્રષ્ટાચાર મુક્ત, ઝડપી અને પારદર્શક વ્યવસ્થા ઉભી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ ડિસેમ્બરના અંત સુધીમાં ૮૦૦૦ ગામોમાં કુલ ૫૧ સેવાઓ ઈ-સેવા સેતુના માધ્યમથી ઉપલબ્ધ કરાશે, જે પૈકી હાલમાં ૩૫ સેવાઓ કાર્યરત હોવાનું જણાવતાં તેમણે નાના ગામડા અને શહેરોને ડિજિટલ માધ્યમથી જોડવામાં આવશે એમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે,પંડિત દીનદયાળજીની અંત્યોદયની ભાવના, માનવ સુખાકારીની કલ્પના, ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના મંત્રને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે, ત્યારે માંડવી નગરપાલિકાનું પંડિત દીનદયાળજીનું નામાભિધાન કરાયું એ બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રહિત, સમાજ કલ્યાણની ભાવના અપનાવીને પંડિત દીનદયાળજીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એમ જણાવ્યું હતું.

ગાંધીજી અને સરદારના ગુજરાતમાં સૌ કોઈને સુરક્ષા અને સલામતીનો અનુભવ થાય તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે, ત્યારે રાજ્ય સરકારે ભૂમાફિયા સામે કડક કાર્યવાહી માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ શરૂ કર્યો છે. આ એક્ટ હેઠળ ૧૦થી ૧૪ વર્ષ સજાની જોગવાઇ કરાઈ છે. વિકાસશીલ ગુજરાતની સાથે ‘સુરક્ષિત અને સલામત ગુજરાત’એ રાજ્ય સરકારની નેમ હોવાનુંજણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં નવીન ODPS અંતર્ગત બાંધકામના નકશા પ્લાનની મંજૂરી હવે ગણતરીના કલાકોમાં ઉપલબ્ધ છે. ગુજરાતના શહેરો- ગામડાં રહેવા અને માણવાલાયક બને તેમજ હેપ્પીનેસ ઇન્ડેક્ષમાં વધારો થાય તે જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, માંડવી નગરપાલિકાની સ્માર્ટ સિટીઝન યોજના દેશ તેમજ અન્ય નગરપાલિકા માટે પ્રેરણારૂપ બનશે. માંડવી નગરના ૭૦૦૦ પરિવારોને ડિજિટલ લોકરની સુરક્ષિત સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન બહુઉદ્દેશીય પગલું છે, જે ભવિષ્યમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ખૂબ મદદરૂપ થશે. આ યોજના રાજ્યને પણ ગૌરવ અપાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અસરકારક પગલાં લઈને રાજ્યના નાગરિકોને સુરક્ષિત-સલામત રાખવામાં તેમજ સંક્રમણ અટકાવવામાં રાજ્ય સરકાર સફળ થઇ છે, જેનો સંપૂર્ણ શ્રેય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યક્ષમ નેતૃત્વને જાય છે. નગરપાલિકાનું નવું વહીવટી સંકુલ પ્રજાભિમુખ વહીવટનું પ્રતિક બનશે સાથે સિટીઝન સ્માર્ટ કાર્ડ યોજનામાં વિવિધ કાગળો અને પુરાવાઓ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે એમ જણાવી દેશભરમાં સૌપ્રથમ ડિજીટલ પહેલ કરવા બદલ તેમણે પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવી માંડવી નગર અને તાલુકો વિકાસયાત્રાને અવિરતપણે જાળવી રાખે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

વસાવાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.  આ વેળાએ સાંસદ પ્રભુભાઈ અને કલેક્ટરશ્રી ડો.ધવલ પટેલના હસ્તે નગરના બે સિનિયર સિટિઝન વાસુદેવ જોખાકર અને કાંતિલાલ સુખડિયાને પ્રતિકરૂપે સિટીઝન સ્માર્ટ કાર્ડ અર્પણ કરીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.    માંડવીનો ઈતિહાસ વર્ણવતા પુસ્તકનો સાંસદ અને કલેક્ટર દ્વારા વિમોચન કરાયું હતું. માંડવી નગરપાલિકાના પ્રમુખ ડૉ. આશિષભાઈ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા.

નાગરિકોએ વિવિધ સાધનિક પુરાવા સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ: ફકત સિટીઝન સ્માર્ટકાર્ડ લાવવાથી જરૂરી પ્રમાણપત્રો મળી રહેશે

માંડવી નગરપાલિકા દ્વારા નગરજનો દ્વારા લેપરલેસ વહીવટ થાય તે માટે સિટીઝન સ્માર્ટકાર્ડની વ્યવસ્થા સમગ્ર દેશમાં “ડ” વર્ગની નગરપાલિકામાં સૌપ્રથમવાર કરવામાં આવી છે. જેમાં માંડવીના આશરે ૭૦૦ પરિવારોના સભ્યોને આધારકાર્ડ, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોના ડેટા પરિવારની લેખિત સંમતિ લઈ કેન્દ્ર સરકારના ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ સ્માર્ટકાર્ડ દરેક પરિવારને નિઃશુલ્ક  આપવામાં આવશે. વડાપ્રધાનશ્રીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરતી માંડવી નગરપાલિકાની આગવી ‘સિટીઝન સ્માર્ટકાર્ડ’ યોજના માટે નગરપાલિકા દ્વારા સિટીઝન સ્માર્ટકાર્ડ માટે આગવું સોફટવેર વિકસાવવામાં આવ્યું છે.

 સિટીઝન સ્માર્ટકાર્ડથી ઉપલબ્ધ થનારી સુવિધાઓ :

  • આવકના દાખલા, રહેઠાણ, મિલ્કત, બીપીએલના દાખલા માટે નાગરિકોએ કોઈ સાધનિક પુરાવા લાવવાના રહેશે નહિ. ફકત સિટીઝને સ્માર્ટકાર્ડ લાવવાથી ઉપરોકત દાખલા પેપેરલેસ વહીવટથી મળી રહેશે.
  • સ્માર્ટકાર્ડના ઉપયોગથી વહીવટી સુગમતા થશે, અને જરૂરી પ્રમાણપત્રો ઓછા સમયમાં નગરજનોને મળશે.
  • મતદારોની નોંધણી, મતદારોના સરનામાનો ફેરફાર તથા પુખ્તવયના યુવાનોની મતદાર નોંધણી અંગેના ઓળખકાર્ડની કામગીરીમાં સરળતા રહેશે.
  • સ્માર્ટકાર્ડ સોફટવેરના કારણે બાકી વેરા માટે SMS દ્વારા નાગરિકોને જાણકારી મળશે. નગરજનોને રેશનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડમાં સુધારા વધારા કે નવી નોંધણી માટે નાગરિકોને માર્ગદર્શન આપી શકાશે.
  • માંડવી નગરપાલિકામાં સિટીઝન સ્માર્ટકાર્ડ લઈને આવનાર વ્યકિતને પ્રમાણપત્ર આપતા પહેલા સ્માર્ટકાર્ડધારકના મોબાઈલ પર OTP જશે. જે વેરીફાઈ થયા પછી જ એમને દાખલો તથા વિગતો મળી શકશે. આમ, નગરજનોની તમામ માહિતી ગોપનીય ર હેશે.
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »