માંડવી:ગરીબો, શ્રમિકો, જરૂરીયાતમંદ પરિવારોને મળશે માત્ર રૂ.૧૫ ના નજીવા દરે પૌષ્ટિક ભોજન

 માંડવી નગરપાલિકા દ્વારા “સર્વજનહિતાય સર્વજનસુખાય” મંત્રને ચરિતાર્થ કરતા ‘અટલ થાળી યોજના’ શરૂ કરવામાં આવી છે. ગરીબો, શ્રમિકો, જરૂરીયાતમંદ પરિવારોને નજીવા દરે ભોજન મળી રહે અને કોઈ ભૂખ્યો ન સુએ એવા ઉમદા આશયથી નાના કુંભારવાડ, ધી માંડવી નાગરિક સહકારી બેંકની પાછળ, વોર્ડ નં-૩, માંડવી ખાતે ભોજનાલય શરૂ કરાયું છે. ફક્ત રૂ.૧૫/- માં ઘર જેવું પૌષ્ટિક ભોજન પૂરું પાડતી અટલ થાળીમાં દાળ, ભાત, દરરોજ અલગ અલગ શાક તથા પુરીની ફિક્સ ડિશ /થાળી પુરી પાડવામાં આવશે. જાહેર રજાના દિવસો સિવાય દરરોજ એક ટાઈમ બપોરે ૧૨:૦૦ થી ર:૦૦ સુધીના સમયમાં ફિક્સ થાળી ઉપલબ્ધ થશે.

નગરપાલિકા દ્વારા ભોજન વિતરણ સ્થળે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બિલ્ડીંગ, કિચન, પેન્ટ્રી રૂમ, સ્ટેન્ડીંગ રૂમ, શેડ વિગેરે સુવિધા વિનામૂલ્યે કોઈ પણ પ્રકારના ભાડા વિના સંચાલક એજન્સીને પૂરી પાડવામાં આવી છે. ભોજન વિતરણ સ્થળે લાઈટ, પાણી, પંખા તથા બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભોજન મેળવનાર લાભાર્થી રૂ.૧૫ ચૂકવશે, જ્યારે બાકીનો ખર્ચ જનભાગીદારી તથા નગરપાલિકાના સ્વભંડોળમાંથી ચુકવવામાં આવશે. આરોગ્યપ્રદ ભોજન આપતી આ યોજના ગરીબો, શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે આશિર્વાદરૂપ બનશે. જિલ્લા કલેક્ટરશ્રી ડો.ધવલ પટેલે ભોજન કેન્દ્રની તકતીનું અનાવરણ કર્યું હતું.

-૦૦-

Leave a Reply

Translate »