કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની શિક્ષણ સેવા: સુરતની શિક્ષણ સમિતિની ૪૪ શાળાના 4000 બાળકોને નિ:શુલ્ક અંગ્રેજી-હિન્દીની લર્નિંગ બુક આપી

ધો.૧ અને ૨ના ચાર હજારથી વધુ સરકારી સ્કૂલના બાળકોને પ્રથમ પગથિયાથી અંગ્રેજી-હિન્દી શીખવવાનો રાજ્યભરમાં પહેલો કહીં શકાય એવો અનોખો પ્રયાસ

સુરત:શનિવાર: ‘શિક્ષિત સમાજ, શ્રેષ્ઠ સમાજ’ની નેમ ને ચરિતાર્થ કરવા સુરતના કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા રાંદેર ઝોન વિસ્તાર તેમજ બીટ-૪માં આવેલી ૪૪ શાળાઓના પ્રથમ અને બીજા ધોરણમાં અભ્યાસ કરતા ૪૦૦૦થી વધુ બાળકોને અંગ્રેજી અને હિન્દીની લર્નિંગ બુકનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

પછાત-ગરીબ અને સામાન્ય વર્ગનો બાળક પર હરણફાળમાં ટકી શકે તે માટે ઉમદા પ્રયાસ

સુરતના કેપી ગ્રુપ હેઠળ ચાલતા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવાયેલી સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક-૧૦૫ અને ૧૪૯ (દિવાળી બાગ)માં આ અભ્યાસક્રમ શરૂ કરાવી તે સંબંધિત બુકનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પાઈલોટ પ્રોજેક્ટ એક વર્ષ પૂર્વે જ શરુ કરાવ્યો હતો . જે સફળ રહ્યો હતો. જેના ભાગરૂપે આખા રાંદેર ઝોનની સરકારી સ્કૂલોમાં આ બુક પહોંચાડવાનું ભગીરથ કાર્ય આજે પૂર્ણ કર્યું. નાની વયમાં બાળકોમાં ગ્રહણ શક્તિ વધુ હોય છે અને તે દુનિયાની દરેક ભાષા પર પ્રભુત્વ મેળવી શકે છે બસ તેઓને સમય પર ટ્રેનિંગ આપવામાં આવે. તે વાતનું ધ્યાન રાખતા શરૂઆતથી જ આ કોર્ષ દાખલ કરી અને કરાવડાવી કેપી હ્યુમને આજના હરણફાળ યુગમાં પછાત-ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો પણ ટકી શકે તે માટેનો આ પ્રયાસ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. ફારુક જી. પટેલની એક ઉમદા સોચ સાથે કરાયો છે.

ડો. ફારુકે સંદેશો આપ્યો કે, ભવિષ્યમાં પણ અન્ય શાળાઓ દત્તક લઈ શિક્ષણ સેવા કરતા રહીશું


આ અવસરે કેપી ગ્રુપના ચેરમેન ડો.ફારુકભાઈએ શુભેચ્છા સંદેશ પાઠવતા કહ્યું હતું કે, અમારો પ્રયાસ શિક્ષણ થકી શ્રેષ્ઠ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવાનો છે. અમે જ્યાં ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો અભ્યાસ કરે છે તે શાળાઓ દત્તક લઈ બાળકોને રસ પડે તેવું વાતાવરણ ઉભુ કરવાની જવાબદારી લીધી છે. છેલ્લા ચાર વર્ષમાં એક ખાનગી શાળા, એક કોલેજ અને બે પ્રાથમિક શાળાઓને દત્તક લઈને બાળકોના શૈક્ષણિક વિકાસના સંખ્યાબંધ કાર્યો કર્યા હોવાનું તેમણે જણાવ્યુ હતુ. સુરત ઉપરાંત ભરુચ જિલ્લા , મહુવા, માતલપર, વગેરે વિસ્તારમાં પણ શૈક્ષણિક કાર્યો કરી રહ્યાં છે .તેમજ ભવિષ્યમાં વિવિધ વિસ્તારની શાળાઓ દત્તક લઈને શિક્ષણની તમામ જરૂરિયાતો પરીપૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતુ.

ડાયરેક્ટર રાજા શેખે વધુ ત્રણ શાળા દત્તક માટેની દરખાસ્ત મુકી અને દિલ્હીથી લોકો જોવા આવે તેવી શાળા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો


આ પ્રસંગે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાજાભાઇ શેખે જણાવ્યું હતુ કે, વિદ્વાન અને શિક્ષિત લોકોએ સમાજમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવા, જીવનધોરણ ઊંચું લાવવા અને સામાજિક જવાબદારીઓ માટે સભાનતા કેળવી સુંદર અને આદર્શ જીવન જીવવા માટે ‘શિક્ષણ’ને અત્યંત મહત્વનું પાસુ ગણાવ્યું છે. રાજ્ય સરકારે પણ નાની વયે જ બાળકોને માતૃભાષા ગુજરાતીની સાથે હિન્દી-અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન પણ આપવું જરૂરી ગણાવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતુ કે, અમારા સીએમડી ડો. ફારુકભાઈના વિઝન સાથે અમે બાળમંદિરથી લઈ એન્જિનયર, ડોકટર, વકીલ તેમજ આઈપીએસ સુધીની વિશેષ ડિગ્રી મેળવવા ઇચ્છતા બાળકોને પણ તેઓ દત્તક લઈ જરૂરી સવલતો પૂરી કરી રહ્યા છે. અહીં બેસેલાઓમાં પણ હોનહાર બાળકો હશે તો તેને પણ અમે તેની ભણતરની મંજિલ સુધી આગળ લઈ જઈશું. આ સાથે રાજા શેખે, દિવાળી બાગના પ્રાંગણમાં આવેલી શિક્ષણ સમિતિની વધુ બે શાળાઓ અને એક સુમન શાળા પણ દત્તક આપી દેવા માટે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ધનેશભાઈ શાહ સમક્ષ દરખાસ્ત મુકી હતી. સાથોસાથ કહ્યું હતું કે, બાપુનગર સ્થિત જે શાળા જર્જર થવાથી તેનું ડિમોલિશન કરાયું છે તેના ફરી નિર્માણની મંજૂરી બાદ તેનું કામ કોઈ કારણોસર અટકી ગયું છે તે શાળાનું નિર્માણ અગર કરાવી દેવાય તો દિલ્હીથી લોકો સુરત શાળા જોવા આવશે તેવી સ્માર્ટ-આદર્શ શાળા બનાવાશે તેવી ખાતરી આપી હતી.

પાઈલોટ પ્રોજેક્ટને આગળ વધારવા બદલ કેપી હ્યુમનનો આભાર: રાગીણીબેન દલાલ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રાંદેર ઝોનના નિરિક્ષક રાગીણીબેન દલાલે કહ્યું હતું કે, એક વિચાર લાવવો અને તેનો અમલ કરવો બંને ફર્ક છે પરંતુ કેપી હ્યુમને પોતે દત્તક લીધેલી બે શાળામાં હિન્દી-અંગ્રેજી લર્નિંગ બુકનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો અને તેના વિતરણ સમારોહમાં હું હાજર હતી. મને આ વાત ગમી અને મેં તુરંત રાંદેર ઝોનની દરેક શાળામાં આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે મંચ પરથી જ દરખાસ્ત મુકી અને કેપી હ્યુમનના ડિરેક્ટરે તેનો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો જે આપ સમક્ષ આજે છે. બાળકો પહેલાંથી જ હિન્દી અંગ્રેજી શીખશે તો તેમનું ભવિષ્ય ઉજવળ કરતા કોઈ રોકી નહીં શકે એ વાત ચોક્કસ છે. હું કેપી હ્યુમનનો આભાર વ્યક્ત કરું છું.

કેપી ગ્રુપની શિક્ષણ સેવાને અમે બિરદાવીએ છીએ: ધનેશભાઈ શાહ


આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહએ કહ્યું હતુ કે, બાળપણથી સરકારી શાળાના બાળકોમાં વિવિધ ભાષાઓનું જ્ઞાન આપવાની નેમ કેપી ગ્રુપે લીધી છે તે કાબિલેતારીફ છે. સરકારના વિચારોને આગળ વધારવો એ પણ સારી બાબત છે. અમે ડિમોલિશન થયેલી શાળાને ફરી બંધાવી આપવા માટેનો પ્રયાસ કરીશું. કેપી હ્યુમનની અમારી બે શાળા દત્તક લઈ કરવામાં આવતી શિક્ષણ સેવાથી અમે ખુશ છીએ. આ કાર્યક્રમમાં સમિતિના વાઈસ ચેરમેન સ્વાતિબેન સોસા, કોર્પોરેટર સર્વેશ્રી કેયુરભાઈ ચપટવાલા, વૈશાલીબેન શાહ, રાંદેર ઝોન નિરિક્ષક રાગીનીબેન દલાલ, કેપી હ્યુમનના એજ્યુકેશનલ કોર્ડિનેટર આશિયાબેન જનાબ , શાળાના આચાર્ય દિલીપભાઈ બડગુજર, આચાર્ય સલિમ પટેલ કેપી ગ્રુપ ડિરેક્ટર અફફાન પટેલ અને હસ્સાન પટેલ , શિક્ષકગણ, 44 સ્કૂલના આચાર્યો મોટી સંખ્યામાં ભૂલકાઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Translate »