• Fri. Dec 1st, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

મળો, લોકોના દિલમાં સ્થાન અને ગુનેગારોના દિલમાં ખૌફ ઊભો કરનારા સુરતના ‘સિંઘમ’ને..!

  • સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)

પોલીસની છબિ આમ તો મિશ્ર રહી છે. સામાન્ય રીતે જોઈએ તો મોટાભાગે પોલીસના માથે માછલાં જ ધોવાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલીસ આપના દ્વારે, મે આઈ હેલ્પ યુ અને ‘સેવા- સુરક્ષા- શાંતિ’ જેવા સ્લોગન સાથે લોકો વચ્ચે પોલીસ જતી થઈ છે. જોકે, લોકો વચ્ચે જનારી પોલીસ કે ઓફિસર કંઈક ખાસ ‘દિલ’માં જગ્યા બનાવતા નથી. પરંતુ તેમાં સુરત પોલીસના એક ઈન્સ્પેક્ટર તેમાં અપવાદ છે. કાયદા પાલનમાં કડકાઈ પણ સાચી પ્રજા માટે નરમાઈવાળુ વલણ તેમનું ખૂબ પ્રચલિત થયું છે. ત્યાંસુધી કે તેમના વિસ્તારમાં ગુનેગારો પ્રાર્થના અને દુઆ કરી રહ્યાં છે કે ગુનો કરીને તેમની અડફેટમાં નહીં આવવું. ભૂતકાળમાં આવી છાપ અનેક પોલીસ ઓફિસરોની હતી પરંતુ કેટલાક અધિકારીઓ લોકોના દિલોમાં જગ્યા બનાવી શક્યા ન હતા. જોકે, નોખી માટીના બનેલા છે આ અધિકારી. નામ છે, અતુલકુમાર સોનારા અને તેઓ સુરત શહેરના રાંદેર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર છે. સુઝબુઝ સાથે હિંમતથી ગુના ઉકેલવા અને પારિવારિક ઝઘડાઓ ઉકેલવામાં તેઓ માહેર છે. કિન્તુ ગુનેગારો માટે તેઓ અસલી ખાખીનો પરિચય કરાવવામાં પણ જરા ઉણાં ઉતરતા નથી. જેથી, તો એક વર્ષની અંદર ગુનાખોરીથી ગદબદતા અને જ્યાં એમડી ડ્રગ્સનું ખૂબ દુષણ છે તે રાંદેરપોલીસ મથકના વિસ્તારને તેઓએ ખાસ્સો એવો કંટ્રોલ કરી લીધો છે. એવું સાંભળવા મળ્યું છે કે, ગુનેગારો તો પ્રાર્થના-દુઆ કરે છે કે, તેમના હથ્થે ન ચઢે. આવી વાતો રાંદેર પોલીસ મથક વિસ્તારમાં સાંભળવા મળી રહી છે અને લોકો દ્વારા જ તેમના કામની સરાહના કરાઈ રહી હોવાનું અમને જાણવા મળ્યું છે.

હાલમાં જ તેઓ છેક નક્સલી વિસ્તારમાં વેશપલ્ટો કરી પહોંચી જઈ ન્યૂડ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કેસમાં ભોગ બનેલા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સેજલ પરમારના આપઘાત માટે નિમિત્ત બનેલી ઝારખંડ-બિહાર બોર્ડરના નકશલ પ્રભાવી જમુઈ વિસ્તારની ગેંગને 1850 કિલોમીટર દુર જઈ દબોચી હતી. પીઆઈ સોનારા અને ટીમે ત્યાંનો સ્થાનિક વેશ ધારણ કરી એટલે કે માથે ગમચો બાંધીને રાત-દિવસ રસ્તા પર પડાવ નાંખી રિસ્ક લઈને ત્રણ આરોપીને પકડી પાડયા હતા.

આ જ કેસમાં વધુ ચાર નામ ખુલતા અને તેમાંથી એક જુહી નામની મહિલા આંધ્ર પ્રદેશના વિજયવાડામાં રહેતી હોવાનું માલૂમ પડતા બે મહિલા કોન્સ્ટેબલ સહિતના સ્ટાફને મુસ્લિમ વેશ ધારણ કરાવીને ત્યાંથી દબોચી લેવાય હતી.

જુહી પાકિસ્તાનના ઝુલ્ફીકાર નામના યુવકના સંપર્કમાં હતી અને લોન ક્લોઝ કરવાના નામે છેતરપિંડી કરતી હતી અને ન્યૂડ ફોટા ફેલાવવાને નામે બ્લેકમેઈલ કરતી હતી. તે પાકિસ્તાન ક્રિપ્ટો કરસન્સીમાં ટ્રાન્સફર કરતી હતી. તેની પાસેથી 72થી વધુ યુપીઆઈ આઈડી મળી આવ્યા છે અને હાલ તે રિમાન્ડ હેઠળ છે. અહીં તો એક માત્ર પુરાવા રૂપ ક્રાઈમ ડિટેક્શન રજૂ કર્યું છે પરંતુ આવા 30થી વધુ મોટા ગુનાઓ તેમણે ઉકેલ્યા છે.

એમડી ડ્રગ્સ સામે અભિયાન

રાંદેર વિસ્તાર એમડી ડ્રગ્સ અને જુગાર માટે બદનામ છે. અહીં અનેક ટપોરીઓએ છેલ્લા કેટલાક વર્ષોથી અડીંગો જમાવ્યો છે. કિન્તુ પીઆઈ સોનારાના આવ્યા બાદ તેઓએ અનેક સામાજિક-ધાર્મિક આગેવાનો સાથે મળીને એક એમડી ડ્રગ્સ વિરુદ્ધ મુવમેન્ટ ચલાવી. યુવાઓને સમજાવવાનું કાર્ય શરૂ કર્યું અને ક્રિકેટ -ફૂટબોલ મેચના આયોજનોમાં તેઓએ યુવાઓના સમજાવવાના કાર્યક્રમો કર્યા. પોલીસ કમિશનરે પણ આવા કાર્યક્રમો કર્યા. સઘન પેટ્રોલિંગ કર્યું. હોટસ્પોટ પર જવાનો તૈનાત કર્યા અને અટકાયતી પગલાં ભર્યા. જાહેરમાં ધોબીપછાડ ચાલું કરી. જેથી, પેડલરો પોબારા ભણી ગયા.

40થી વધુ હિસ્ટ્રીશીટરો અટકાયતી પગલાં લઈ ખદેડ્યાં ને શાંતિ સ્થાપી

જ્યારે મારઢાડવાળા ક્રિમિનલો સામે અટકાયતી પગલાં લઈ સંભવ બન્યું તો જાહેરમાં ખોંખરા કર્યા. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝુબેર જેવા માથાભારે કે જેઓ રિવોલ્વરના દમ પર સામાન્ય લોકોને ડરાવી-ધમકાવતા હતા તેવા લોકો સામે પણ ગુના નોંધીને લાઈસન્સ રદ કરાવવા સુધીના પગલાં લીધા. સુરતમાં ગુનો કરી શહેર છોડી દેતા ટપોરી નઈમને પણ સીધો કર્યો. હિસ્ટ્રીશીટરોને ઉંચકી ઉંચકીને લાવીને કડક પગલાં લીધા. આઠ-નવ મહિનામાં 15થી વધુ લોકોને તડીપાર કર્યાં જ્યારે 26 લોકોને પાસામાં મોકલીને રાંદેર વિસ્તારમાં શાંતિ સ્થાપ્વામાં મોટું યોગદાન આપ્યું. હજી પણ લેન્ડગ્રેબર્સ, બુટલેગરો, ટપોરીઓ અને સોપારી લેનારાઓ સામે તવાઈ ચાલું જ છે. આગામી દિવસોમાં કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને અત્યારસુધી સેઈફ પેસેજમાં રહેતા કેટલાક વ્હાઈટ કોલર ગુનેગારોને પણ જેલમાં ધકેલવાની બ્લુપ્રિન્ટ તેઓએ તૈયાર કરી હોવાનું અંતરંગ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમના રાંદેર પોલીસ મથકમાં આવવાથી સ્ટાફની મોરલ ખુબ ઊંચુ ગયું છે અને ગુનેગારો તો તેમનાથી પનાહ માંગે છે. કેટલાક ખાલીખાલી પણ પોલીસ સ્ટેશનમાં આંટાફેરા મારવા ટેવાયેલા ગુનેગારો તો હવે ડોકિયું પણ નથી કરતા તે સોનારાની કાબેલિયત છે. પોલીસ વર્દી અને કામ પ્રત્યેની તેમની વફાદારીની ઈર્ષા અનેક લોકોને થાય તે સ્વભાવિક છે પરંતુ તેઓ મોડી રાત સુધી કામે વળગ્યા રહે છે. આ મામલે તેમનો મત જાણવાની કોશિશ કરી પણ તેમણે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો અને માત્ર એટલું કહ્યું કે, મને સોંપાયેલું કામ હું પોલીસ કમિશનર સાહેબ તેમજ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવાની કોશિશ કરું છું બીજું કંઈ નહીં.

સમાજસેવામાં પણ માહેર

રાંદેર પીઆઈ સોનારા સમાજને રાહ ચિંધનારા પણ બની રહ્યાં છે અથવા કહીં શકાય કે કેટલાક મામલાઓ તેઓ એક સમાજ સેવક કે ઘરનો વડીલ ઉકેલતો હોય તે રીતે ઉકેલી કાઢે છે. ઉદાહરણ તરીકે લઈએ તો રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને મુખબધિર યુવતી સુમન જગન વિશાલે ઉ. વ.19 (રહે આંબેડકર નગર ઝઘડિયા ચોકડી) આ યુવતીએ રાંદેર પોલીસની સી-ટીમને ઈશારાથી કહ્યું હતું કે, તેણે મુકબધિર યુવક સાથે પ્રેમ છે અને લગ્ન ધામધૂમથી કરવા છે પરંતુ માતા-પિતા નથી અને ખર્ચ ઉપાડી શકે તેમ નથી. વાત પીઆઈ સોનારા સમક્ષ આવી તેથી તેઓએ તુરંત લગ્ન માટેનું આયોજન કરવા ટીમને કહ્યું અને પોતે પિતા અને તેમની પત્નીને માતા બનીને લગ્ન કરાવી કન્યાદાન કર્યું. સ્ટાફની આંખોમાં પણ આંસુ છલકાયા. પોલીસે તમામ ભોજન અને કરીયાવર સહિતનો ખર્ચ ઉપાડી લીધો.

બીજો એક માનવતાભર્યો કિસ્સો જોઈએ તો રાંદેર પોલીસ સ્ટેશનમાં મનિષાબહેન હસમુખભાઈ પટેલ ( રહે. ૨૯-૩૦, અરુણાચલ સોસાયટી, પાલનપોર-૨, )ની મહિલાના પતિના અવસાન બાદ તેમના સ્વર્ગવાસી પતિએ વર્ષો પહેલા આપેલું મકાન ભાડુઆત ખાલી પણ કરતો ન હતો અને ભાડું પણ આપતો ન હતો. એકની એક દિકરીની જવાબદારી ઉઠાવતી નિસહાય વિધવાની કથની સાંભળી કોમળ હ્દયધારી સોનારા સાહેબે બંને પક્ષને બોલાવીને વાતચીત કરી હતી અને ભાડૂઆતને માનવીય અભિગમ તેમજ ઈશ્વરના દરબારમાં મોઢું દેખાડવા સહિતની વાત કરી સમજાવતા તેઓએ ઘરની ચાવી આપી દીધી હતી અને પરિવારને રાહત થઈ હતી.

બીજા એક કિસ્સા પર નજર કરીએ તો, કતારગામ રોડ વિસ્તારમાં રહેતા હીરા દલાલ વિપુલ કળથિયાનો સાડા ત્રણ લાખ હીરાનું પડીકું પડી જતા તેઓ રડતા રડતા પોલીસ મથકે પહોંચ્યા હતા. પીઆઈ સોનારાએ તેમની હાલત જોઈ તુરંત ટીમને કામે લગાડી હતી અને 250 જેટલા સીસીટીવી બે દિવસમાં જોઈને એક ટેમ્પોચાલકની શંકાસ્પદ હીલચાલ કેપ્ચર કરી હતી અને આ પડીકું શોધી કાઢ્યું હતું. પોલીસ કમિશનરની હાજરીમાં તે પડીકું વેપારીને પરત કરાયું હતું.

એક દિવ્યાંગ બાળકને મોટા અધિકારી બનવાની ઈચ્છા હતી તેને પોતાની ખુરશી પર બેસાડીને પીઆઈ તરીકેનો દરજ્જો આપ્યો. વૃદ્ધાશ્રમની અવારનવાર મુલાકાત લઈ પ્રસંગોમાં પરિવારના સભ્યો તરીકે હાજરી શરૂ કરાવી. પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવડાવી. દરેક સમુદાયના પોલીસ પરિવારના મિત્રો સારી રીતે તહેવારો મનાવી શકે તેવો માહોલ પોલીસ સ્ટેશનમાં બનાવ્યો.

આવા તો સંખ્યાબંધ કિસ્સાઓ તેમણે સુલઝાવ્યા છે અને સમજદારીપૂર્વક ન્યાય અપાવ્યો છે. મહિલાઓ અને યુવતીઓને પોલીસ સ્ટેશન બહાર જોઈને તુરંત જ તેમની તકલીફો જાણવાની અને સંભવ હોય તો ન્યાય અપાવવાની સોનારા સાહેબની ટેવ છે. ફુટ પેટ્રોલિંગ કરવાની ટેવવાળા સોનારા સાહેબ દરેક વ્યક્તિઓ પાસે ઊભા રહીને તેઓના ખબરઅંતર પુછે છે અને સારા વ્યક્તિઓને ગમે ત્યારે મદદ માટે કોલ કરવા માટે સૂચન આપતા આગળ વધે છે. રાંદેરના રમઝાન બજારમાં પણ તેઓ મોટા પોલીસ કાફલાં સાથે એકએક દુકાને ફર્યા હતા અને જાહેરમાં બેસીને ઠઠ્ઠ-મશ્કરી કરનારા તત્વોને એક મેસેજ આપી દીધો હતો કે, કોઈએ જરાપણ ઈશ્કેલ કરી છે તો તેની ખેર નથી.

મોટા કાર્યો…

  1. પ્રાઈમ આર્કેટ પાસે સિનિયર સિટિઝનના ચાર લાખની ધાડ થઈ હતી. જે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા.
  2. તાપી નદીમાં તરવા પડેલા બે બાળકોને તાત્કાલિક ટીમ દોડાવી બચાવી લેવા.
  3. અનડિટેક્ટ ગુનાઓ પોલીસ સ્ટેશન સિવાય અલગઅલગ પોલીસ મથકના 30થી વધુ ગંભીર પ્રકારના ગુના ઉકેલ્યા.
  4. વિવિધ સોસાયટી-એપાર્ટમેન્ટમાં વધુમાં વધુ સીસીટીવી નેટવર્ક ગોઠવાય તે માટે બેઠકો કરીને 200થી વધુ જગ્યાએ કેમેરામાં વધારો કરાવડાવ્યો. નાનીનાની ગલીઓને આવરી લઈ તેના પર સીસીટીવીની નજર હેઠળના બોર્ડ લગાવ્યા.
  5. સિનિયિર સિટિઝનોની મુલાકાત લઈ તેમની જરૂરિયાત પુરી પાડવા માટે દિકરાની ભૂમિકા નીભાવી.
  6. 41 જેટલા મોટા અસામાજિક તત્વોને અટકાયતી પગલાં ભરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
  7. સૌથી મોટું કોલ સેન્ટર ઝડયું
  8. સૌથી પહેલાં 36 વધુ વ્યાજખોરોને એક જ દિવસમાં સકંજામાં લઈ કાયદાનું ભાન કરાવ્યું.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »