12 ઓગષ્ટે જીલાની બ્રિજથી નીકળશે તિરંગા સન્માન યાત્રા, વિશાળ તિરંગો પણ લહેરાવાશે

સુરત: આપણાં ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ આઝાદ થવાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને દેશ આ 15 ઓગષ્ટે 76મો આઝાદી પર્વ મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના આ અવસરને આઝાદી કા અમૃત મહોત્સવના નામે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમની આ અપીલને માન આપીને ઠેરઠેર તિરંગા યાત્રા કાઢીને આ અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરની સાથોસાથ સુરત પણ આ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું છે. સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કારગીલ ચોક પાસે આ સોમવારે જ તિરંગા યાત્રા યોજાઈ હતી. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ પણ તેનું આયોજન કર્યું છે.

ત્યારે હવે અડાજણ પાટિયા, ગોરાટ રોડ પર આવેલા જીલાની બ્રિજથી સંઘવી ટાવર સુધીની એક વિશાળ તિરંગા સન્માન યાત્રાનું આયાેજન કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સૌજન્યથી યોજાવા જઈ રહી છે. દેશ પ્રેમ માટે… સદ્ભાવના માટે… એકતા માટે… આવો આપણે સૌ ભેગા થઈએ…આ સ્લોગન સાથે યોજાનારી તિરંગા સન્માન યાત્રામાં મોટી સંખ્યામાં દરેક સમાજ, સમુદાયના આગેવાનો તેમજ મહિલાઓ, બાળકો ઉપસ્થિત રહેશે. ગોરાટ રોડનો વેપારી વર્ગ પણ આ તિરંગા સન્માન યાત્રામાં જોડાશે અને દેશના આ મહાપર્વને ધામધૂમથી ઉજવશે. વિવિધ પ્લેકાર્ડ સાથે, આઝાદીના ગીતોની ધૂન અને ઢોલ-નગારના પડઘમ વચ્ચે જીલાની બ્રિજથી નીકળનારી આ તિરંગા સન્માન યાત્રાનું ઠેરઠેર સ્વાગત વિવિધ સમાજ અને સમુદાયના લોકો કરશે. તિરંગા યાત્રામાં દરેક વ્યક્તિના હાથમાં રાષ્ટ્રધ્વંજ રહેશે અને વિશાળ રાષ્ટ્રધ્વંજ પણ લહેરાવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ આઝાદીને લગતા વિવિધ પ્લે કાર્ડ પણ તેમાં દર્શાવાશે. કેટલીક શાળાના બાળકો પણ આ યાત્રામાં જોડાશે. યાત્રાનું સમાપન સંઘવી ટાવર પાસે કરવામાં આવશે.

Leave a Reply

Translate »