બાદશાહ જહાંગીર રાંદેરના હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ(રહ.) સાહેબની ખિદમતમાં આવ્યા હતા

બાદશાહ જહાંગીર રાંદેરના હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ(રહ.) સાહેબની ખિદમતમાં આવ્યા હતા

સુરત કરતા પહેલાના શહેર રાંદેર ગામતળમાં આવેલી ખાનકાહની દરગાહ હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ રહમતુલ્લા અલયહીના આજે (અંગ્રેજી તા. 17 ડિસેમ્બર 2020, ઈસ્લામી તારીખ 1 જમાદિલ અવ્વલ ) 365મો શંદલ અને ઉર્સ છે. આ વર્ષે કોરોના મહામારીને પગલે રાંદેરવાસીઓ ખૂબ જ સાદગીથી આ ઊંચી હસ્તીનો ઉર્ષ ઉજવશે. ઈતિહાસ છે કે, બાદશાહ જહાંગીર જ્યારે રાંદેર આવ્યા હતા ત્યારે તેઓએ હઝરતને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પોતાનો પૈગામ મોકલીને મળવા આવ્યા હતા. તે સમયે ભોજનનો સમય હોવાથી તેઓને સાથે જે પોતે સાદુ ભોજન લેતા તે ખવડાવ્યું હતું. જહાંગીરે તેઓને અનેક ભેટ સોગાદો આપી તો આ અલ્લાહના વલીએ તેમના મોંઢામાં ચાવીને જમીન પર ફેંકી તો ત્યાં એક ફળ વાળો છોડ નીકળ્યો. આ ફળ તોડીને બાદશાહને ભેટ અપાયો તો તે સોનાનો થઈ ગયો હતો. બાદશાહે આ છોડને મ્યુઝિયમમાં મુકવા માટે માંગ્યો. જહાંગીર બાદશાહે સૈયદશાહ સૈફુલ્લા રિફાઈ રહમતુલ્લા અલયહીને શહેર કાજી બનાવ્યા (જેમાં રાંદેર, પાલ, અડાજણ, ભાટા, હજીરા, બરબોધન, વરિયાવ, ઓલપાડ, અટોદરા, ઓરમા સહિતના ગામોનો સમાવેશ થતો હતો.) અને જહાંગીરપુરા, જહાંગીરાબાદ ભેટમાં આપ્યા. રાંદેર ઈદગાહ, રાંદેર ગામફલી, રાંદેર ગોરેગરીબાનું સંચાલન પણ તેમને સોંપી દેવાયું હતુ.

રાંદેરમાં કેવી રીતે આગમન થયું

સિલસિલએ ખાનકાહ-એ-રિફાઈયહ રાંદેર નામના પુસ્કત કે જેનું સંપાદન મશહૂર શાયર ઈકબાલ ‘વસીમ’ મલિકે ખાનકાહના સજ્જાદાનશીન ડો. ઉંમર ફારુક રિફાઈના કહેવાથી કર્યું હતું તેમાં લખ્યું છે કે, હઝરત સૈયદ શાહ સૈફુલ્લાહ રિફાઈ (રહ.)નો નસબનામુ ઈસ્લામના મહાન પયગંબર મોહંમદ સલ્લલાહુ અલયહિ વસલ્લમથી મળે છે. આપ હઝરતનું મકાન બસરા-ઈરાકમાં હતું. અલ્લાહ અને બઝુર્ગો તરફથી તેઓને હિન્દ જવા માટેનો ઈશારો થયો અને તેઓ તુરંત ત્યાંથી નીકળી સિંઘ થઈ અહમદાબાદ આવ્યા. ત્યાંથી ભરૂચ, અંકલેશ્વર થઈને હિજરી 1022માં રાંદેર પહોચ્યા. જે તે સમયે માર્ગ રાંદેર આવીને ખત્મ થતો હોવાથી અહીં રોકાયા.

આપના કેટલાક કરિશ્મા

  • હઝરત સૈયદ શાહ સૈફુલ્લાહ રિફાઈ (રહ.) જ્યારે રાંદેર પહોંચ્યા ત્યારે સાંજ થઈ ગઈ હતી. તેઓએ રાંદેરમાં આજે મીયાંની મસ્જિદ તરીકે ઓળખાતી મસ્જિદમાં રોકાવા માટે ગામવાસીઓને વિનંતી કરી. પરંતુ ગામવાસીઓએ કહ્યું કે, સાંજ પછી આ મસ્જિદમાં કોઈને અમે રોકાવા નથી દેતા. જે કોઈ રોકાય છે તે સવારે મૃત મળે છે. આપે કહ્યું કે, અગર અલ્લાહની મરજી મુજબ મારુ મોત અહીં લખાયું હશે તો તેનાથી વિશેષ મારા માટે ખુશનસીબી શી હોઈ શકે? ગામવાસીઓએ તેઓને પોતાની જવાબદારી પર રોકાવા અનુમતિ આપી. આપ રોકાયા અને સવારે ફજરની નમાઝની અઝાન પણ આપી. આ મસ્જિદમાં જે ગૈબી તાકતો હતી તે આપએ પોતાના ઈલ્મથી કબજે કરી લીધી.
  • મસ્જિદની બાજુમાં જ નગરશેઠની હવેલી હતી. તેઓએ હઝરત સૈયદ શાહ સૈફુલ્લાહ રિફાઈ (રહ.)ને એક ખોલી આપી રોકાવા અપીલ કરી. તેઓ અહીં રોકાયા પણ તેમની કરામતના કિસ્સા ઠેરઠેર ફેલાય જતા લોકો તેમના દર્શને આવવા લાગ્યા. જેથી, નગરશેઠે તેમને વિનંતી કરી કે અહીં ભીડ થાય છે અને મારો વ્યવસાય પણ થઈ શકતો નથી. માટે તમે બીજી જગ્યાએ રોકાવા જતા રહો તો સારુ. હઝરતે નગરશેઠને કહ્યું કે આ જગ્યા મને ખૂબ પસંદ પડી છે, અગર તમે ઈચ્છો તો મને વેચી શકો છો. નગરશેઠને થયું કે ફકીર શું કિંમત આપશે? છતા તેઓએ હઝરતને એક માટીના ઢગલો દેખાડી કહ્યું કે, જો તમે આટલી સોના-ચાંદીની ગિન્ની આપો તો હું આપને આ હવેલી વેચી દઉં. હઝરત થોડીવાર મૌન થયા અને પછી નમાઝ અદા કરી. અલ્લાહથી દુઆ કરી. બાદમાં તેઓએ ઓઢેલી ચાદર તે માટીના ઢગલા પર નાંખી અને બાદમાં નગરશેઠને કહ્યું કે જાઓ લઈ લો તમારી રકમ. નગરશેઠે માટીના ઢગલા પરથી ચાદર ઉઠાવી તો તે સોનાની ગિન્નીમાં તબદીલ થઈ ગઈ હતી. કહેવાય છે કે, નગરશેઠ હવેલી ખાલી કરી તે સોનાની ગિન્ની ભરીને લઈ ગયા તો એક આખુ ગાડુ ભરાઈ ગયું હતું.
  • એક કરામત એ પણ નોંધાય છે કે, હઝરત સૈયદ શાહ સૈફુલ્લાહ રિફાઈ (રહ.) શુક્રવારના રોજ પોતાના રૂમમાં હજામ પાસે હજામત કરાવાય રહ્યાં હતા. તે સમયે અચાનક તેઓ ઉઠીને બીજા રૂમમાં ચાલ્યા ગયા. હજામ ગભરાયો કે તેનાથી કોઈ ભૂલ થઈ છે કે કેમ? થોડીવાર પછી હજરત પરત ફર્યા ત્યારે તેમના જમણાં હાથ અને તેની આસ્તીન ખરાબ પાણી, કિચડવાળી હતી. ગભરાયેલો હજામ કોઈ રાજની વાત હોવાનું અનુમાન લગાવીને પોતાનું કામ કરીને પરત ફરતો હતો. તે સમયે ધીમેથી હઝરતને તેમના કિચડવાળા કપડા અંગે પુછ્યું. હઝરતે પહેલા કંઈ કહેવાનો ઈન્કાર કર્યો પણ બાદમાં હજામે ભારે આગ્રહ કર્યો તો તેમણે કોઈને ન કહેવાની શરતે કહ્યું કે, એક આખુ જહાજ હજની યાત્રા કરીને પરત ફરતું હતું ત્યારે સમુદ્દી તુફાનમાં તે અટવાયુ અને તમામને મોત સામે દેખાયા ત્યારે મુસાફરોએ અલ્લાહ પાસે હઝરત સૈયદ શાહ સૈફુલ્લાહ રિફાઈ (રહ.)ના વસીલાથી દુઆ ગુજારી. આપને હુકમ થયો અને તેઓએ ત્યાં ગૈબી રીતે પહોંચીને એક હાથના ઈશારાથી જહાજને સલામત જગ્યાએ પહોંચાડી દીધુ. દુઆ અને મન્નત માનનારા બાદમાં આપને મળવા આવ્યા અને માનેલી મન્નતની રાશિ ગરીબોને વહેંચવા માટે પહોંચાડી. જોકે, કહેવાય છે કે આ રાજની વાત હજામે પહેલા જ લોકો સુધી પહોંચાડી દઈ પોતે હજરતને કરેલો વાયદો તોડ્યો હતો જેથી, તે બાદમાં બોબડો થઈ ગયો હતો અને તેની નસલમાં આજે પણ પરિવારની એકાદ-બે વ્યક્તિ બોબડી થાય છે.

અહીં ચંદ કિસ્સા જ રજૂ કર્યા છે પણ હઝરત સૈયદ શાહ સૈફુલ્લાહ રિફાઈ (રહ.)ની કરામતો અનેકવાર જોવા મળી છે.  તેમની દુનિયામાંથી રુખ્સત ઈસ.1695 (હિજરી 1106)માં થઈ હતી. આજે તેમની પેઢીના ડો. સૈયદ ઉંમર ફારુક સૈયદ ઈબ્રાહિમ રિફાઈ ઉર્ફે ફારુક બાબા એમબીબીએસ તરીકે સેવા આપી રહ્યાં છે અને શહેર કાઝી, સજ્જાદાનશીન તરીકે પદ શોભાવે છે. ખુબ જ નરમ-નેકદિલ છે અને સાદગીમાં તેઓ માને છે. તેમના નેજા હેઠળ હઝરત સૈયદ શાહ સૈફુલ્લાહ રિફાઈ (રહ.)નો સંદલ ઉર્ષ દર વર્ષે યોજાય છે અને દેશભરમાંથી તેઓને માનનારા અનેક લોકો તેમજ હસ્તીઓ અહીં પધારે છે. જોકે, આ વખતે કોરોનાની ગાઈડલાઈનને જોતા સાદગીથી સંદલ ઉર્ષની ઉજવણી થશે.

(ઈનપુટ: રાજા શેખની રાંદેરના પનોતા પુત્ર શાયર ઈકબાલ ‘વસીમ’ મલિક સાથેની વાતચીતના આધારે)

 

 

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »