કેલિફોર્નિયાના કાર્લ્સબાડમાં ફૂલોનું ખેતર ‘ધ ફ્લાવર ફિલ્ડ’ આવેલું છે. જ્યાં એક સુંદર ફૂલ જેવી કન્યા મિત્ર સમક્ષ ફોટો પડાવી રહી છે. આ ફૂલોનું ખેતર 50 એકરમાં પથરાયેલું છે અને રંગબેરંગી ફૂલોથી અહીં મનોરમ દૃશ્ય સર્જાય છે.
મકાને બદલ્યું પોતાનું સરનામું
સ્વિડનના 130 વર્ષ જૂના કિરુના ટાઉન માટે વરદાન જ અભિશાપ બની ગયું છે. તેના માટે અહીંનાં 300 મકાનોને ત્રણ કિ.મી. દૂર શિફ્ટ કરવા પડી રહ્યાં છે. ખરેખર કિરુના ટાઉન દુનિયામાં માઈનિંગ સિટી નામે પ્રસિદ્ધ છે. તેની નીચે લોખંડનો ભંડાર છે. તેનો અંદાજ તેનાથી જ લગાવી શકાય છે કે અહીં આવેલી ખાણમાંથી એક દિવસમાં 6 એફિલ ટાવરની કિંમત જેટલું લોખંડ કાઢી શકાય છે. પ્રકૃતિના આ વરદાનને કારણે જ માઈનિંગ કંપનીઓએ અહીં ધામા નાખ્યા છે. ગત 100 વર્ષોમાં અહીં એટલું ખનન કરાયું છે કે 20 હજારની વસતી ધરાવતું આ ટાઉન પૃથ્વીમાં સમાતું જઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને જ સ્વિડનની સરકાર હવે અહીંનાં મકાનોને શિફ્ટ કરી રહી છે જેથી ખાણને બચાવી શકાય. જે ઈમારતો શિફ્ટ થઇ શકતી નથી તેને સરકાર ધ્વસ્ત કરી તેના જેવી જ ઈમારત નવા ટાઉનમાં બનાવી રહી છે. સ્વિડન સરકારે 2013માં ઘરોને શિફ્ટ કરવાની યોજના બનાવી હતી. તેને 2017માં લાગુ કરવામાં આવી. ગત 4 વર્ષમાં આશરે 20 ટકા મકાનો શિફ્ટ કરી દેવાયાં છે. સ્વિડન સરકાર દાવો કરે છે કે આગામી 10થી 15 વર્ષમાં નવું કિરુના ટાઉન બનીને તૈયાર થઈ જશે.
દુનિયાભરના હેલ્થવર્ક્સને સલામ, રસી પહોંચાડવા જબરી જહેમત ઉઠાવે છે
કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર વરસાવ્યો છે અને છેલ્લા એક વર્ષમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. હવે જ્યારે કોરોનાવિરોધી રસી આવી છે ત્યારે સૌથી કપરું કામ એ રસી દુનિયાભરમાં કોઈપણ ભૌગોલિક સ્થિતિમાં રહેતા લોકો સુધી પહોંચાડવાનું છે. વિશ્વભરમાં અનેક સ્થળે બરફના થર જામ્યા હોય છે તો ક્યાંક સમુદ્ર માર્ગે જ જઈ શકાય છે તો વળી ક્યાંક રણપ્રદેશ ચીરીને જવાનું હોય છે. દુનિયાભરના હેલ્થવર્કર્સને સલામ કરવી પડે કેમકે તેઓ બોટમાં તો ક્યાંક ઊંટ પર બેસીને તો ક્યાંક સ્નોમોબાઈલ વાહનો દ્વારા પણ લોકો સુધી પહોંચીને રસીકરણનું કાર્ય કરી રહ્યા છે.