પાર્કમાં બેઠેલા લોકો પર આડેધડ ફાયરિંગ, એકનું મોત, 6 ઘાયલ; પોલીસે આરોપીને ઝડપ્યો

  • અમેરિકામાં હુમલાખોરે એક પાર્કમાં ફાયરિંગ કર્યું

અમેરિકાના ટેક્સાસના બ્રાયન શહેરમાં આવેલા એક પાર્કમાં હુમલાખોરે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પાર્કમાં બેઠેલી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 6 અન્ય લોકો ઘાયલ થયા છે. આ ફાયરિંગ ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવ્યા હતા. પોલીસે આ કેસમાં આરોપીને કસ્ટડીમાં લીધો છે. આ ઘટના પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગની ઘટના બ્રાયન શહેરના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બની હતી. ઘટના ગુરુવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:30 કલાકે બની છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર કેંટ મૂર કેબિનેટ્સનો કર્મચારી છે. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું, આ એક મહામારી જેવું છે
રાષ્ટ્રપતિ જો બાઈડન પણ અમેરિકામાં વારંવાર ફાયરિંગની ઘટનાઓ અંગે ચિંતિત છે. તેઓ તેમાં લગામ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાઈડને કહ્યું હતું કે દેશમાં બંદૂક દ્વારા કરવામાં આવતી હિંસા એક મહામારી જેવું છે. આને રોકવા માટે દરેક શક્ય પગલાં લેવામાં આવશે.

જેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઇડન બંદૂક નિયંત્રણ પગલાં હેઠળ પૂર્વ ફેડરલ એજન્ટ અને બંદૂક નિયંત્રણ જૂથ ગિફર્ડ્સમાં સલાહકાર ડેવિડ ચિપમેન વિસ્ફોટક બ્યુરોના ડિરેક્ટર તરીકે જાહેર કરવાના છે. તેના દ્વારા શસ્ત્રોની ખરીદી અને જાળવણી માટે પણ નવા કાયદા ઘડવામાં આવી શકે છે.

એક સપ્તાહ પહેલાં પણ થયું હતું ફાયરિંગ
ગયા અઠવાડિયે એટલે કે 3 એપ્રિલે ફાયરિંગને કારણે વોશિંગ્ટન ડીસીમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન કેપિટોલ હિલ વિસ્તારમાં બે પોલીસ અધિકારીઓને એક વાહને ટક્કર પણ મારી હતી, જેમાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હતું. કારની ટક્કર બાદ પોલીસે કેપિટલ સંકુલના બેરિકેડ્સ પર પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક શંકાસ્પદ પણ માર્યો ગયો હતો. અમેરિકન સરકારના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યારસુધીમાં ફાયરિંગમાં 455 લોકો માર્યા ગયા છે.

Leave a Reply

Translate »