- ડ્રગ ઇન્સ્પેક્ટરોને ઇન્જેક્શનનાં કાળાં બજાર અટકાવવા કેન્દ્રનો આદેશ
- કંપનીઓને કહ્યું- પોતાની વેબસાઇટ પર સ્ટોક-ડિસ્ટ્રિબ્યુટરનાં નામ ડિસ્પ્લે કરો
કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન અને રેમડેસિવિર એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ)ની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ઈન્જેક્શનની અછત અને વધતી માગ વચ્ચે આ નિર્ણય લેવાયો છે.
સ્ટોકની તપાસ કરવાનો નિર્દેશ
આરોગ્ય મંત્રાલયે રવિવારે આ નિવેદન જારી કરીને કહ્યું કે, કોરોનાની સ્થિતિ સુધારવા માટે નિકાસ પર રોક લગાવાઈ છે. રેમડેસિવિરના તમામ સ્થાનિક ઉત્પાદકોને કહેવાયું છે કે તેઓ પોતાની વેબસાઈટ પર દવાના સ્ટોકિસ્ટ અને વિતરકોની માહિતી પણ મૂકે. ડ્રગ્સ ઈન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓને પણ નિર્દેશ અપાયો છે કે તેઓ સ્ટોકની તપાસ કરતા રહે. આ ઉપરાંત સંગ્રહખોરો અને કાળાં બજાર રોકવા માટે જરૂરી પગલાં લે. રાજ્યોના આરોગ્ય સચિવ ડ્રગ ઈન્સ્પેક્ટરો સાથે સ્થિતિની સમીક્ષા પણ કરે. રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા માટે ફાર્માસ્યુટિકલ વિભાગ સ્થાનિક ઉત્પાદકોના સંપર્કમાં છે. હકીકતમાં દેશના અનેક વિસ્તારોમાં એવા દૃશ્યો જોવા મળ્યા હતા, જેમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે મેડિકલ સ્ટોર પર લાંબી લાંબી કતારો લાગી હોય!
સંકટ સર્જાતાં નિર્ણય લેવાયો
દેશની સાત કંપની રેમડેસિવિર ઈન્જેક્શનની સ્થાનિક માંગ સંતોષવાની સાથે નિકાસ પણ કરી રહી છે. તેની દર મહિને 38.80 લાખ ઈન્જેક્શન તૈયાર કરવાની ક્ષમતા છે. આ સિવાય કેટલીક વધુ કંપનીઓ તેનું ઉત્પાદન ફક્ત નિકાસ માટે કરી રહી છે. દેશમાં કોરોનાની પહેલી લહેર પછી કેટલીક કંપનીઓએ તેનું ઉત્પાદન ઘટાડી દીધું હતું, જેનાથી સંકટ સર્જાયું. આ દરમિયાન ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશને રેમડેસિવિરની અછતને જોતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને પત્ર લખીને નિકાસ માટે રાખેલા સ્ટોકની માંગ કરી હતી. આ મુદ્દે સરકારે નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો.