• Sun. Jun 26th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 15

prayshchit-episode-15

દ્વારકાધીશનાં દર્શન કરીને લગભગ સાડા દસ વાગે કેતન લોકો જામનગર જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચતા પહોંચતા બપોરનો એક વાગી ગયો.

” મનસુખભાઈ અત્યારે તમે ગાડી લઈ જાઓ અને જમી કરીને થોડો આરામ કરો. પછી સાંજે આવી જજો.” કેતને ગાડીમાંથી ઉતરતાં  કહ્યું.

”  આજે  ક્યાંય જવાનો પ્રોગ્રામ છે ? તો હું એ પ્રમાણે આવી જાઉં ” મનસુખે પૂછ્યું.

” હા આજે આપણે સાંજે પાંચ વાગ્યે કલેકટર સાતા સાહેબને મળી લઈએ. હોસ્પિટલ માટે જે જમીન લેવાની છે એના માટે થોડી ચર્ચા કરી લઉં.  તમે પોણા પાંચ વાગે આવી જજો” કેતને સૂચના આપી અને બન્ને જણાએ ઘરમાં પ્રવેશ કર્યો.

” સાહેબ સૌથી પહેલાં તમે લોકો જમવા બેસી જાઓ. આજે મોડું થઈ ગયું છે.  એક વાગી ગયો.  ” દક્ષાબેને બંનેની થાળી પીરસતા કહ્યું.

” હા માસી બસ પીરસી દો ” કહીને કેતને વોશબેસિન પાસે જઈ હાથ માં ધોઈ નાખ્યા.

આજે દક્ષાબેને ઘઉંની સેવ ઓસાઈ હતી. ખાંડ અને ઘી મિક્સ કરીને બંનેની થાળીમાં પીરસી. સાથે ગવાર બટાકા નું લસણથી વઘારેલું શાક અને કઢી ભાત હતા. બંનેને જમવાની ખરેખર મજા આવી.

” તમને બેન… કંઈ ખાસ જમવાની ઇચ્છા હોય તો પણ કહેજો. બનાવી દઈશ. ” દક્ષાબેને જાનકીને પૂછ્યું.

” ના માસી.. તમે દરેક આઈટમ એટલી સરસ બનાવો છો કે અમારે કંઈ કહેવા જેવું રહેતું જ નથી. ” જાનકી બોલી.

” સાંજે શુ બનાવુ ? ” દક્ષાબેને બંનેની સામે જોઇને પૂછ્યું.

” તમને જે યોગ્ય લાગે તે માસી. મને તો બધું જ ભાવે છે. “

” મારી ઈચ્છા આજે સાંજે હાંડવો બનાવવાની છે. ચા સાથે હાંડવો ફાવશે તમને લોકોને ? “

” હા.. હા.. માસી. બિલકુલ ફાવશે. “

જમીને કેતન અને જાનકી ડ્રોઈંગરૂમ માં આવીને બેઠા.

” કેતન હું હવે આજે રાતની ટ્રેનમાં મુંબઈ જવા નીકળી જાઉં છું.  ટિકિટ તો મળી જશે ને ? ” જાનકીએ કેતનને પૂછ્યું.

” તારે ટ્રેનમાં જવાની ક્યાં જરૂર છે ? કાલે બપોરે ૧:૩૦ વાગે મુંબઈનું ફ્લાઇટ ઉપડે છે. ઓનલાઇન ટિકિટ બુક કરાવી દઉં છું. કલાક-દોઢ કલાકમાં મુંબઈ. ” કેતન બોલ્યો.

” હા એ સારું રહેશે. ટ્રેઈનનો રન બહુ જ લાંબો છે. ” જાનકી બોલી.

” આજે હું હોસ્પિટલની જમીન માટે સાંજે કલેકટરને મળવા જવાનો છું. મને આવતાં કલાક-દોઢ કલાક જેવું તો થઈ જ જશે. તું ઘરે જ આરામ કરજે. “

” યા યા સ્યોર !! મારી ચિંતા ના કરતા. “

પોણા પાંચ વાગે મનસુખ માલવિયા હાજર થઈ ગયો. જામનગર ખાસ એટલું મોટું નથી. ૧૫ મિનિટમાં તો એ લોકો કલેકટર ઓફિસ પહોંચી ગયા. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલે સાતા સાહેબને વાત કરી દીધી હતી એટલે કલેક્ટરે કેતનનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

” મને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નો ફોન ગઈકાલે જ આવ્યો હતો. તમારા વિશે એમણે ઘણી વાતો કરી. આ ઉંમરે તમે આટલી મોટી હોસ્પિટલનો પ્લાન કરી રહ્યા છો એ જાણી ખરેખર ખૂબ જ ખુશી થઈ. ” સાતાસાહેબ બોલ્યા.

” જી સર.. બસ તમારી મદદની જરૂર છે. લગભગ વીસેક એકર જમીન મારે હોસ્પિટલ માટે ખરીદવી છે.  ભલે જામનગર સિટીમાં ના મળે પણ શહેરથી ૧૫ ૨૦  કિલોમીટર દૂર હશે તો પણ ચાલશે. વિશાળ જગ્યા હોય તો એક સારી હોસ્પિટલ બની શકે. કોઈ સરકારી રિઝર્વ પ્લોટ હોય તો મને અપાવો. ” કેતને કહ્યું.

” ચોક્કસ. મને તમે બે ત્રણ દિવસનો સમય આપો. હું  ફાઈલ જોવડાવી દઉ. મને ત્રણ દિવસ પછી ફોન કરી દેજો. મારાથી બનતો બધો જ પ્રયત્ન કરીશ. ” કહીને સાતાસાહેબે કેતન ને પોતાનું કાર્ડ આપ્યું.

” હવે બોલો તમને ચા ફાવશે કે ઠંડુ ? તમને એમનેમ તો ના જવા દેવાય. ” કલેકટર બોલ્યા.

” ઠીક છે સાહેબ ઠંડુ જ કંઈ મંગાવી દો “

અને કલેક્ટરે બેલ મારીને પ્યુનને  બે કોકાકોલા લાવવાનું કહ્યું. કોલ્ડ્રિંક્સ પીને કેતન કલેકટર ઓફીસમાંથી બહાર નીકળ્યો. 

જમીન ખરીદવા માટે સૌથી પહેલા ટ્રસ્ટ બનાવી લેવાની જરૂર હતી. ગાડીમાં બેસતાં જ કેતને જયેશભાઇને ફોન જોડ્યો. 

” જયેશભાઈ કેતન બોલું. અર્જન્ટ આપણે ટ્રસ્ટ અંગેનું કામકાજ જાણનારા કોઈ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મીટીંગ કરવી પડશે. તમે જો ઓળખતા હો તો કાલે સવારે મારા ઘરે એમને લાવી શકશો ? ” કેતને પૂછ્યું.

” હા સાહેબ ટ્રસ્ટનું જ કામ કરનારા એક મોટા સી.એ. સાથે મારે વાત ઓલરેડી થઈ  ગઈ છે. તમે કહો એ ટાઇમે કાલે સવારે લઈ આવું. ” જયેશ બોલ્યો.

” તો પછી સવારે દસ વાગે જ રાખો. વાત  કરી લઈએ એટલે કામ આગળ ચાલે. ” કેતન બોલ્યો.

ઘરે જતાં પહેલાં રસ્તામાં એક કોમ્પ્યુટર અને ઝેરોક્ષનું કામ કરતા એક સેન્ટર પાસે કેતને ગાડી ઉભી રખાવી અને ઓનલાઇન બુક કરેલી ફ્લાઇટની  ટિકિટની  પ્રિન્ટ આઉટ કઢાવી લીધી.

બીજા દિવસે સવારે  સવા દસ વાગે જયેશભાઈ સી.એ. ને લઈને કેતનના ઘરે આવી ગયા.

” કેતન શેઠ આ છે કિરીટભાઈ નાણાવટી. અહીંના ખૂબ જાણીતા સી.એ. છે અને એમનું મોટાભાગનું કામ ટ્રસ્ટ ને લગતું જ હોય છે. તમારો અને તમારા પ્રોજેક્ટનો પરિચય તો એમને આપી જ દીધો છે. “

કિરીટભાઈ ૫૩ વર્ષની ઉંમરના હતા અને પચીસેક વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા.

” તમને મળીને આનંદ થયો નાણાવટી  સાહેબ. બેસો. ” કેતને એમને સોફામાં બેસવાનું કહ્યું.

” હવે મુદ્દાની વાત ઉપર જ આવું છું.   જામનગરમાં મારે એક બે મોટા પ્રોજેક્ટ કરવા છે અને કામ એટલું મોટું છે કે હું ટ્રસ્ટ બનાવું તો જ એ શક્ય બને. અને મને થોડા સરકારી લાભ પણ મળે. એટલા માટે જ મેં તમને અહીં બોલાવ્યા છે. મારે કેવી રીતે આગળ વધવું ? ” કેતને સીધી વાત શરૂ કરી.

” જુઓ કેતનભાઇ તમે જામનગરમાં એકદમ નવા છો. અત્યારે હાલ તમારી માલિકીનું અહીં કોઈ મકાન નથી. જામનગરમાં ચેરિટી કમિશનરની ઓફિસે  ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે અહીંના વતની હોવા જોઈએ. તમારું વતન કયું ? જ્યાં તમારી કે તમારા માતા-પિતાની પ્રોપર્ટી હોય  અને તમારો બિઝનેસ ચાલતો હોય !! ” કિરીટભાઈ એ માહિતી આપી અને પૂછ્યું.

” જી વતન તો મારું સુરત છે અને બિઝનેસ પણ સુરતમાં જ છે. ” કેતને કહ્યું.

” બસ તો પછી સુરત ચેરિટી કમિશનરની ઓફિસ માં તમારા ટ્રસ્ટની નોંધણી થશે. કારણકે તમારું એડ્રેસ પ્રુફ જે હશે અથવા તમારું આધાર કાર્ડ જે એડ્રેસ ઉપર હશે તે જ શહેરમાં રજિસ્ટ્રેશન થઈ શકે. “

” બીજા પણ કોઈ એક ફેમીલી મેમ્બર નું નામ તમારે ટ્રસ્ટી તરીકે લખાવવું પડશે. કારણકે ટ્રસ્ટમાં ઓછામાં ઓછા બે ટ્રસ્ટી હોવા જોઈએ.  એકવાર નોંધણી થઈ જાય અને રજીસ્ટ્રેશન નંબર આવી જાય પછી ટ્રસ્ટ નો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો છો. “

” તમે એક કામ કરો. હું તમને બે ફોર્મ આપું છું. એક ફોર્મમાં તમે તમારી વિગતો ભરીને સહી કરી દો.  બીજું ફોર્મ જે બીજા  ટ્રસ્ટી બનાવવાના  હોય એમને ભરવાનું કહો. તમારું ફોર્મ ભરીને તમે સુરત મોકલાવી દો. બીજું ફોર્મ તમારા બીજા ટ્રસ્ટી ભરી દેશે. એમને કહી દો કે  સુરતના કોઈ સી.એ. ને મળી લે અને બંને ફોર્મ આપી દે.  ટ્રસ્ટનું નામ પણ તમારે નક્કી કરવું પડશે. એ તમને ત્યાંના સી.એ.  સમજાવી દેશે.  “

” તમારે જે જે પ્રોજેક્ટો કરવાના હોય એ તમામ પ્રોજેક્ટો નું એક ટ્રસ્ટ ડીડ પણ બનાવવું પડશે. જે હું તમને આજે બનાવી આપીશ. તમારું મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નું એક સંમતિ પત્ર પણ હું ટાઈપ કરી આપું છું. ટ્રસ્ટ ડીડ અને સંમતિ પત્ર બંને તમે ફોર્મની સાથે સુરત મોકલજો. ” કિરીટભાઈ એ ટ્રસ્ટની ફોર્માલિટી વિગતવાર સમજાવી દીધી.

” ચાલો ઠીક છે. તમે મને બંને ફોર્મ આપી દો. સંમતિપત્ર અને ટ્રસ્ટ ડીડ બને એટલું વહેલું આ જયેશભાઈ ને આપી દેજો  કારણકે આજે મારી ફ્રેન્ડ જાનકી બપોરે દોઢ ના ફ્લાઇટ માં મુંબઈ જાય છે તેની સાથે બધું મોકલાવી દઉં. એ સુરત આપી આવશે. ” કેતન બોલ્યો.

”  અને હા …. મારા અહીંના તમામ પ્રોજેક્ટ માટે મારે કાયમી સી.એ.  ની જરૂર તો પડશે જ. કારણકે પ્રોજેક્ટો બહુ મોટા છે. ” કેતને હસીને કહ્યું.

” હા.. હા.. એના માટે મારી ક્યાં ના છે ? મારી આખી ફર્મ તમારી સેવામાં છે. મારી ઓફિસ નો એક કાયમી એકાઉન્ટન્ટ પણ હું તમને આપી દઈશ.” કહીને કિરીટભાઈ એ બેગમાંથી બે  ફોર્મ કાઢીને કેતનને આપ્યાં.

” એક ફોર્મ ભરીને સહી કરી દેજો. બીજું ફોર્મ બીજા ટ્રસ્ટી માટે કોરું રાખજો. ”  કહીને  કિરીટભાઈ ઊભા થયા.

” ચાલો હું જાઉં. કારણ કે તમારા બે ડોક્યુમેન્ટ પણ મારે તાત્કાલિક તૈયાર કરવા પડશે.” કિરીટભાઈ બોલ્યા.

એ લોકો ગયા પછી  કેતને  એક ફોર્મ ભરી દીધું. અને જાનકીને બૂમ પાડી.

આ બધી વાતચીત ચાલતી હતી ત્યાં સુધી જાનકી બેડરૂમમાં જ હતી. બધા ગયા પછી કેતને એને બહાર બોલાવી.

” જાનકી તારે એક કામ કરવાનું છે. આજે સી.એ. સાથે ટ્રસ્ટ અંગેની બધી વાતચીત  થઈ ગઈ છે. હમણાં દોઢ બે કલાકમાં બે ડોક્યુમેન્ટ મને મોકલાવશે. એક ફોર્મ મારે ભરીને આપવાનું છે. આ ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ તું કાલે સુરત જઈને મોટાભાઈને આપી આવજે. બાકી ચર્ચા હું ફોન ઉપર કરી લઈશ “

” હા.. હા.. ચોક્કસ. કાલે જ હું સુરત જઈશ. ” જાનકીએ જવાબ આપ્યો.

કિરીટભાઈ નું કામ બહુ જ પાકું હતું. દોઢેક કલાકમાં જ ટાઈપ થયેલા બન્ને ડોક્યુમેન્ટ જયેશભાઈ આપી ગયા.

એરપોર્ટ ઉપર એક વાગ્યા પહેલા પહોંચી જવાનું હતું એટલે બંને જણા બાર વાગે જમવા માટે બેસી ગયા. કેતને ફોન કરીને મનસુખને બોલાવી લીધો.

સાડા બાર વાગે કેતન જાનકીને લઈને એરપોર્ટ જવા નીકળી ગયો. ફલાઈટ જામનગરથી જ ઉપડતી હતી એટલે  સમયસર હતી.

” ચાલો કેતન.. આવી તો હતી તમને લેવા માટે  પરંતુ હવે કોઈ આગ્રહ કરતી નથી. તમારી સાથે ગાળેલી મીઠી યાદો ને લઈને જઈ રહી છું. વહેલી તકે તમારો નિર્ણય મને જણાવજો. જઈ તો રહી છું પણ દિલ તો જામનગરમાં જ રહેશે. !! ” એરપોર્ટ ઉપર ઉતરીને જાનકી બોલી.  બોલતાં બોલતાં જાનકીનું હૃદય ભરાઈ આવ્યું.

” ટેન્શન નહીં કર જાનકી. મારો નવો મોબાઈલ નંબર તો હવે તારી પાસે છે જ. આપણે ફોન ઉપર વાતચીત કરતા રહીશું. ડોન્ટ બી ઈમોશનલ !!  ” કેતન બોલ્યો.

” ટેન્શન તો રહેવાનું જ કેતન. હજુ છ મહિના સુધી મારે ઇંતેજાર કરવાનો છે. બહુ લાંબો ગાળો છે મારા માટે. મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે છતાં મનમાં ડર તો રહ્યા જ કરે છે. હું તમને ગુમાવવા નથી માગતી. “

” જાનકી.. જાનકી… રિલેક્સ. કેમ આટલી બધી ઢીલી થઈ ગઈ છે ? મેં ના તો નથી પાડીને ? “

” હા પણ ક્યાં પાડી છે કેતન ? હજુ પણ તમે અસમંજસમાં છો. ભલે લગ્ન છ-બાર મહિના પછી થાય. નિર્ણય તો માણસ લઈ શકે ને ? અહીં જામનગર અને દ્વારકામાં આપણે બંને એકલાં જ હતાં. આટલા વર્ષોનો આપણી વચ્ચે પ્યાર પણ છે. છતાં હું એક મહેમાન હોઉં એમ તમે મારાથી કેટલું અંતર રાખીને રહેતા હતા ?”

” હે ભગવાન.. જાનકી તને કેમ કરીને સમજાવું ? તું તો પહેલેથી જ મને ઓળખે છે. મારી પ્રકૃતિ જ થોડી શરમાળ છે. સ્ત્રીઓથી હંમેશા હું આજ સુધી દૂર જ રહ્યો છું. તું મને ખરેખર ગમે છે પણ હું આગળ વધીને કોઈ છૂટછાટ લઉં તો તું મારા માટે શું વિચારે ? એટલે હું મારી જાતને સંયમમાં રાખતો હતો. ” કેતન બોલ્યો.

” વાહ સાહેબ વાહ… કયા જમાનામાં આપનો જન્મ થયો છે મારા મર્યાદા પુરુષોત્તમ !! ધન્ય થઈ ગઈ છું તમને પામીને !!” જાનકી બોલી. જો કે એને કેતનની વાતો થી થોડો સંતોષ થયો.

સિક્યુરિટી ચેકિંગ શરૂ થઈ ગયું હતું. હજુ બોર્ડીંગ પાસ લેવાનો બાકી હતો. વાતો તો ક્યારેય પણ ખૂટવાની ન હતી. એટલે જાનકીએ કેતનની વિદાય લીધી.

” ચલો સાહેબ.. બાય !! “

અને ભારે હૈયે જાનકી સડસડાટ બોર્ડિંગ પાસ લેવા માટે આગળ વધી ગઈ. કેતનથી દૂર થવાનું એને જરા પણ ગમતું ન હતું.

ક્રમશઃ

લેખક : અશ્વિન રાવલ

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published.

Translate »