- બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો, રોજના 100 પેશન્ટ તપાસું છું-ડોક્ટર
રાજકોટની વોકહાર્ડ્સ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિનના વડા ડો.ચિરાગ માત્રાવાડિયા વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.જો મેં આ બે ડોઝ લીધા ન હોત તો મારા ભુક્કા બોલી ગયા હોત, મને કોઈ જાતનાં મેજર લક્ષણો નથી. હું દવા વગર જ સાજો થઈ જઈશ. વેક્સિન લીધા બાદ પણ કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેને સામાન્ય લક્ષણો જ જોવા મળે છે, આથી લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ.
ડો. ચિરાગ માત્રાવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે બે ડોઝ લીધા બાદ મને કોરોના પોઝિટિવ આવ્યો છે પણ લક્ષણો એટલાં સામાન્ય છે કે હું દવા નહિ લઉં તોપણ સાજો થઈ જઈશ. નથી તાવ આવ્યો કે નથી કોઈ મેજર લક્ષણો. માત્ર બોલવામાં થોડું ગળું ઘસાય રહ્યું છે. બે ડોઝ પછી કોરોના આવ્યો છે, પરંતુ વેક્સિન પૂરેપૂરી અસરકારક રહી છે, નહીં તો મારા ભુક્કા બોલી ગયા હોત. હું કોરોનાના રોજના ઢગલા મોઢે પેશન્ટની ટ્રીટમેન્ટ કરી રહ્યો છું.
ડો.ચિરાગ માત્રાવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે મેં મારા ક્લિનિક પર 30 પેશન્ટ જોયા હતા. સવારે ઓપીડીમાં 50 જેટલા પેશન્ટોને જોઈને આવ્યો છું. અમે તો સતત કોવિડ વચ્ચે જ રહીએ છીએ. જો બે ડોઝ ન લીધા હોત તો શરીરને ઘણી નુકસાની પહોંચી ગઇ હોત. વેક્સિનને કારણે એકદમ સુરક્ષિત છું, નહીં તો લોકોને તાવ આવે, અશક્તિ આવે જેવાં અનેક લક્ષણો શરીરમાં લાગુ પડી જતાં હોય છે. સવારથી હું સતત કામ કરી રહ્યો છું. હવે ઘરે આઇસોલેટ થયો છું. લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ તેવી મારી અપીલ છે. વેક્સિન લીધી હશે તો કોરોના દર્દીને ગંભીર અને મોટું નુકસાન નહીં પહોંચાડે.
બે દિવસ પહેલાં 68 પોલીસકર્મી સંક્રમિત થયા હતા
રાજકોટમાં કોરોનાના અજગર ભરડામાં હવે સુરક્ષાકર્મીઓ પણ સપડાય રહ્યા છે. બે દિવસ પહેલાં રાજકોટ શહેર પોલીસમાં DCP ઝોન 2 તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ 68 અધિકારી-કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત કલેક્ટરના PA જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થતાં કલેક્ટર કચેરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. પોઝિટિવ તમામ પોલીસકર્મચારીઓએ વેક્સિન લીધી હોવાથી સામાન્ય લક્ષણો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે વેક્સિનથી પોલીસ સુરક્ષિત છે.