સુરત શહેર કોરોનાના જવાળામુખી પર જીવી રહ્યું છે. કોરોના પોઝિટિવ લોકો માટે હોસ્પિટલોમાં બેડ નથી, દાખલ દર્દીઓ માટે ઈન્જેકશન નથી, ઓકિસજન પૂરતો નથી અને વેન્ટિલેટર તેમજ બાયપેપ પણ ખૂટી પડયાં છે. સ્મશાનમાં ભઠ્ઠીઓ ઓછી પડતી હોવાથી રાજકોટથી મગાવવામાં આવી છે. હોમ કવોરન્ટીન રહેલા દર્દીએ માટે ફેબિબલુ દવાનો જથ્થો ખૂટી પડયો છે. હોસ્પિટલોમાં સ્ટાફ રહ્યો નથી., જે સ્ટાફ સેવા કરી રહ્યો છે તેમાંના પણ ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. સ્વજનોને બચાવવા ઈન્જેકશનની લાઈનોમાં ઊભા રહેલાં સગાંમાં પણ ચેપ હોવાની આશંકા છે. આ સ્થિતિમાં હવે ડોકટરો પણ લાચાર બન્યા છે. હિંમતથી સારવાર આપી રહ્યા છે, પણ તેઓ હવે કહી રહ્યા છે કે સુરતને હવે ભગવાન જ બચાવી શકે. સ્થિતિ એ હદે ભીષણ થઈ ગઈ છે કે સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે હવે કેરોસિનનો ઉપયોગ કરવો પડે છે. પ્રત્યેક મોટા ડોક્ટરોને બેડની વ્યવસ્થા કરવા અને ઈન્જેક્શનો માટે 100થી વધુ ફોન રોજ આવે છે. ઘરે પણ ઓક્સિજનના બોટલની જરૂરિયાત ઊભી થઈ છે. ઓક્સિજન માટે પણ સો-દોઢસો ફોન આવી રહ્યાં છે. હવે ખાસ કરીને બાળકો અને યુવાઓ પણ સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. નામી ડોક્ટરો કહી રહ્યાં છે કે, અગર શહેરીજનો પોતે પણ તકેદારી ન રાખે તો આવનારા દિવસો બહુ મુશ્કેલ ભર્યા બની શકે છે. હેલ્થ સિસ્ટમ કોલાસ્પ થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બે અઠવાડિયા સુધી લોકો સ્વંય પોતાની જાતને ઘરમાં બંધ રાખે અને પુરતી તકેદારી રાખે તે જરૂરી થઈ પડ્યું છે. ડોક્ટરો પણ બે સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉનના હિતમાં પોતાની વાત કહીં રહ્યાં છે. ડોક્ટરો કોરોના વેક્સિનેશન પર પણ ભાર મુકી રહ્યાં છે. કમસે કમ તેનાથી મોતનો આંંકડો ઘટાડી શકાશે એવું ડોક્ટરોનું માનવું છે.
કારણો
- રોજના 50થી 250 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે.
- ખાનગી હોસ્પિટલોમાં એકપણ બેડ ખાલી નથી, સરકારીમાં ગણ્યાંગાઠ્યાં ખાલી.
- દરેક હોસ્પિટલોમાં દાખલ થવા માટે 10થી 150 દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
- રોજના સરેરાશ 100થી 200 લોકોના કોવિડ અને નોન-કોવિડમાં મૃત્યુ થાય છે.
- શહેરનાં ત્રણેય સ્મશાનમાં અંતિમવિધિ માટે 12થી 14 કલાકનું વેઈટિંગ, નવાં સ્મશાન શરૂ કરાયાં.