સુરતમાં કોરોનાના કેસ 15થી 20 દિવસમાં જ અચાનક વધવા અને વધુ મોત માટે કયા કારણો જવાબદાર છે? કોરોનાનો કયો સ્ટ્રેઈન વધારે લોકોને અસર પહોંચાડી રહ્યો છે તે જાણવા માટે સુરત મહાનગર પાલિકાએ એક વિશેષ સેલની રચના કરવા જઈ રહ્યું છે અને તે કોરાના વાઈરસના બદલાતા સ્વરૂપ પર રિસર્ચ કરીને તેના તારણો કાઢશે અને તે મુજબ આયોજન કરશે.
સુરતમાં યુકે વેરિયન્ટ, સાઉથ આફ્રિકન વેરિયન્ટ અને ઈન્ડિયન ડબલ મ્યુટેન્ટ વાયરસ મળી આવ્યા છે
સુરતમાંથી પણ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી સેમ્પલો પુનાની એનઆઇવી લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે, જેમાં અમુક સેમ્પલના રિપોર્ટમાં ઇન્ડિયન ડબલ મ્યુટેન્ટ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ સુરતની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનામાં 75 અને સ્મીમેર હોસ્પિટલમાંથી 125 સેમ્પલો મોકલવામાં આવ્યા હતા. જેમાં યુકે વેરિયન્ટ, સાઉથ આફ્રિકન વેરિયન્ટ અને ઇન્ડિયન ડબલ મ્યુટેન્ટના વાયરસ મળી આવ્યા છે.
વેરિયન્ટ બદલાશે અને ત્રીજી લહેર બાળકોને નિશાન બનાવી શકે
કોરોના વાયરસ તેના જેવો જ બીજો વેરિયન્ટ બનાવે છે. એટલે કે તે બીજું રૂપ ધારણ કરી લે છે. કોઈક વેરિયન્ટ વધારે ચેપ લગાવી શકે છે, કોઈક વેરિયન્ટની ગંભીર અસર પણ થઈ શકે છે. બીજી વેવ જે ઝડપથી ઘાતક બની તેની પાછળ યુકે વેરિયન્ટ અને સાઉથ આફ્રિકન વેરિયન્ટ હોવાનું જવાબદાર મનાય છે. હાલ 18 વર્ષથી ઉપરની વય ધરાવતા તમામ માટે વેકસિનનો વિકલ્પ છે પણ હજી વેરિયન્ટ બદલવાની સંભાવનાને જોતા ત્રીજી વેવ જો આવે તો તેમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થવાની શકયતા છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મીડીયાને જણાવ્યું કે પાલિકા નવા સ્ટ્રેનને શોધવા માટે એક ખાસ સેલની રચના કરશે. જેમાં સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, ખાનગી લેબોરેટરી અને યુનિવર્સીટીના માઇક્રોબાયોલોજીસ્ટની નિમણુંક કરાશે અને કોરોના સ્ટ્રેઇન સંદર્ભે ચર્ચા કરશે.