સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની એક પછી એક કૌભાંડો પરથી પરદો ઊંચકાઈ રહ્યો છે. કામદારોનું આર્થિક શોષણ, તેમના હકો મારવા, ટેન્ડરના નિયમોનું પાલન ન કરવા સહિતની અનેક બાબતો અમે કામદારોના માધ્યમથી ઉજાગર કરી છે. લડત ચલાવનારા કેટલાક કામદારોએ તો સોગંદનામા કરીને નાયબ શ્રમ આયોગમાં ફરિયાદ પણ કરી છે અને હવે તેઓ ફોજદારી કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે ત્યારે વધુ કેટલાક કામદારોના વીડીયો સામે આવ્યા છે તેમાં તેઓ સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને લિંબાયત ઝોનના ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટરના કર્તાહર્તા રાજુ અને વીક્કી નામના શખ્સના કારસ્તાનો પરથી પરદો ઉઠાવતા જોવા મળી રહ્યાં છે. આ વીડીયોમાં ડ્રાઈવરો અને કામદારો સ્પષ્ટ કહી રહ્યાં છે કે, રાજુ અને વીક્કી તેઓ જે ભંગાર ભેગો કરે છે તે ડોર ટુ ડોરના ટ્રાન્સફર સેન્ટરમાં જ આપવા ફરજ પાડી રહ્યાં છે. જ્યાં બજારમાં વેચાતા ભંગાર કરતા પણ અડધી કિંમતે ભંગાર લેવાય છે અને કામદારોની મહેનતમાં વધુ એક ભાગબટાઈ કરે છે. કામદારો કહેવા જતા તેઓને નોકરીમાંથી કાઢી મુકે છે અને ધમકીઓ પણ આપતા હોવાનું વીડીયોમાં સંભળાઈ રહ્યું છે. બીજુ કે, તેમના ઈએસઆઈ, પીએફ અંગે પણ ફોડ પાડતા નથી.
ઉલ્લેખનીય છે કે, કેટલાક કામદારો દ્વારા શ્રમ આયોગમાં કરેલા સોગંદનામામાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે, ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટરો અમારું શોષણ કરે છે. અમારો ચોપડે પગાર રૂ. 21000 આસપાસ બોલે છે પરંતુ અમને માત્ર રૂ. 7000 જ આપવામાં આવે છે. ઉપરાંત કામદારોને પ્લાસ્ટિક વેસ્ટ પણ અલગ પાડવા ફરજ પાડવામાં આવે છે . તેઓને 100-200 આપવાની લાલચ આપી આ કામ કરાવાય છે. ભંગારમાંથી બાકીનો પગાર મેળવી લેવા માટે કહેવામાં આવે છે અને તેમાં પણ ભંગાર ડોર ટુ ડોરના ટ્રાન્સફર સેન્ટરમાં ખોલી નાંખવામાં આવેલા ભંગારના ગોડાઉનમાં જ આપવા ફરજ પાડવામાં આવે છે.
પોલીસ ફરિયાદની તજબીજ અને બાદમાં આખો મામલો ઈન્કમટેક્સમાં જઈ શકે છે
સુરત મહાનગર પાલિકાના આઠેય ઝોનના ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો સુરત મહાનગર પાલિકામાં પ્રત્યેક કામદાર દીઠ રૂ. 21 હજાર વસૂલી તેઓને 7 હજાર જ પગાર આપે છે અને દર મહિને લાખો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યાં છે. ઉપરાંત તેઓ ચોપડા પણ નિભાવતા ન હોવાનું કહેવાય છે. કામદારોના ઓળખ દસ્તાવેજો લઈને વારંવાર અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવીને તેમની પાસેથી ચેકબુક, પાસબુક અને એટીએમ કાર્ડ કોન્ટ્રાક્ટરો પોતાની પાસે રાખીને અને કામદારોનો પગાર પોતે ઉપાડી લઈ તેઓને માત્ર 7000 જ ચુકવતા હોવાના મામલે હવે કામદારોએ પોલીસ ફરિયાદ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરો ઈન્કમટેક્સ ચોરી પણ કરતા હોવાની વિગતો ભેગી કરીને ત્યાં પણ પુરાવા સાથે ફરિયાદ કરવાનું મન બનાવ્યું હોવાનું પણ કામદારોના એક ગ્રુપે જણાવ્યું છે. બીજી તરફ, સુરત મહાનગર પાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ પણ નોટીસ નોટીસ રમીને ફરી એકવાર બધુ સમુસુતરુ પાર પાડવાની પેરવીમાં હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે શોષણ અને ભ્રષ્ટાચાર પરથી આ ફરિયાદો બાદ મોટો ખુલાસો થાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.