વેક્સિન અંગેના મારા અનુભવો…

રાજા શેખ, સુરત (98980 34910)

મેં પત્રકાર તરીકે કોરોનાકાળને ખૂબ જ નજીકથી જોયો. લોકડાઉન, લોકોની સમસ્યા, અરાજકતા, અવ્યવસ્થા, કકળાટ, કાકલૂદિ, દોડધામ, લાશોના ઢગલાં, લાચારી અને બીજુ બધુ જ. બરાબર એક વર્ષ બાદ ફરી ગુજરાત સહિત આખા દેશમાંથી એવા જ સમાચારો આવી રહ્યાં છે. ફરી આંશિક લોકડાઉન આવી રહ્યાં છે. આ બધા વચ્ચે કેટલાક લોકો કોરોના નામની કોઈ બિમારી જ નથી તેવું માની હજી પણ બિન્દાસ્ત જણાય રહ્યાં છે. બેશક રોજી-મોત-ઈજ્જત અને જીલ્લત આપનારી જાત અલ્લાહ-ઈશ્વર સિવાય કોઈ નથી. પણ તકેદારી રાખવી એ તો મનુષ્યના જ હાથમાં છે ને? ખેર, આ બધા વચ્ચે દુનિયામાં એક આશાવાદનું કિરણ કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન છે. આપણા દેશમાં 1166.06 લાખથી વધુ લોકો અત્યારસુધી વેક્સિન લઈ ચુક્યા છે. જેમાં 1023.73 લાખ પહેલો ડોઝ જ્યારે 142.34 લાખ લોકો બીજો ડોઝ લઈ ચુક્યા છે. જેમાંથી પહેલો ડોઝ લેનારો હું પણ છું. મેં પાછલા રવિવાર તા. 11 એપ્રિલ 2021ના રોજ સંપ્રતિ વેક્સિન સેન્ટર, સિનિયર સિટિઝન સેન્ટર અડાજણ રોજ ખાતે કે જેનું સંચાલન પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહની ટીમ કરે છે ત્યાં પ્રથમ વેક્સિનનો ડોઝ લીધો.

મનમાં અનેક મડાગાંઠો હતી એટલે મેં વેક્સિન લેનારાઓના ઓપિનિયન લીધા

વેક્સિન લેતા પહેલા મનમાં અનેક મડાગાંઠો હતી. વેક્સિન ન લેવા અંગેના કેટલાક ઓડિયો વાઈરલ થઈ રહ્યાં હતા. તે સાંભળ્યા હતા. વિશ્વના દેશોમાંથી વેક્સિન લીધાની આડઅસર સહિતના સમાચારો પર નજર હતી. ગુજરાત-ભારતમાં પણ છુટક-મુટક આવી જ વાતો થતી રહેતી હતી. કેટલાકની દ્ઢ માન્યતા હતી કે ફરી કેસ વધવા પાછળનું કારણ સરકાર વેક્સિનેશન માટે ફરજ પાડવા માંગે છે. સરકારે પહેલા 65 વર્ષથી ઉપરની વય અને કો-મોર્બિડ દર્દીઓ માટે વેક્સિનેશન ચલાવ્યું. બાદમાં 45ની ઉપરની આયુ માટે વેક્સિનેશન ખોલ્યું. અનેક સવાલો વચ્ચે વડાપ્રધાન સહિતનાએ પણ વેક્સિન લીધી. અનેક અધિકારીઓ, વૃદ્ધોએ વેક્સિન લીધી. કોરોના વોરિયરમાં સ્થાન હોવાથી મારા ઘણાં સાથી પત્રકાર મિત્રોએ પણ વેક્સિન લઈ લીધી. સોસાયટીમાં રહેતા વડીલોએ, મિત્રોએ પણ ટીકા મુકાવી લીધા. મહાપાલિકાએ પણ અભિયાન ચલાવ્યું. સાથોસાથ કોરોના કેસ વધતા ફરજિયાતપણું પણ આવ્યું કે વેક્સિન લીધી હોય અથવા આરટીપીસીઆર હોય તો જ કામકાજના સ્થળોએ પ્રવેશ મળશે. મનપાએ દંડ પણ કરવા માંડ્યો.

આ બધા વચ્ચે મેં એક દિવસ નક્કી કર્યું કે વેક્સિન લઈ લેવી છે. ત્રણ-ચાર દિવસ મેં લોકોના અનુભવો જાણ્યા કે વેક્સિન લીધા બાદ તમારા શરીરમાં કેવા પરિવર્તન આવ્યા? કોઈ તકલીફ પડી? કંઈક સારું થયું? કોઈએ કહ્યું કે, શરીરમાં કળતર આવે, કોઈ કહે કે તાવ અને દુખાવો થાય. કોઈને સામાન્ય વીકનેસ લાગી. કોઈને ઠંડી લાગી તાવ આવ્યો તો એવા પણ હતા કે તેને કંઈ ન થયું. થોડા દિવસ બાદ ઘણાંના શરીરમાં ગજબની સ્ફ્રુતિ આવી ગઈ.

બચપનમાં માતા-પિતાએ રસી અપાવી જ હતી અને મેં પણ મારા બાળકોને અપાવી છે

માતા-પિતા તરફથી આપણને બચપનમાં ઘણી રસી મુકાવી હતી. જેવી કે પોલિયો, બીસીજી સહિતની. મેં પણ મારા પુત્ર-પુત્રીને અનેક રસી મુકાવી. ત્યારે બાળકોને તાવ આવતો અને રડ્યા કરતા. મેં વિચાર્યું અલ્લાહ-ઈશ્વર જે કરશે તે સારું જ કરશે. બચપનમાં આપણે કંઈક સમજતા ન હતા ત્યારે મા-બાપે તો અપાવી જ હતી અને તેમાંથી એકનું નિશાન તો હાથ પર લઈને આજીવન ફરવાનું જ છે. ચાલો, ફરી લઈ લઈએ. મેં મોરાભાગળથી નજીકના સેન્ટર પર રસી મુકાવવા માટે નક્કી કર્યું. રાંદેર અંજુમનમાં મિત્રને મોકલી તપાસ કરાવી તો માલૂમ પડ્યુ કે રસીનો સ્ટોક આજે ખુટી પડ્યો છે. કાલે મેળ પડશે. મારે હવે કાલની રાહ જોવી ન હતી. જેથી, મેં પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહને કોલ કર્યો. તેઓ વેક્સિનેશન સેન્ટર મારા જુના ઘર અડાજણ દરગાહ પાસેના સિનિયર સિટિઝન સેન્ટર ખાતે ચલાવી રહ્યાં છે. તેઓ કોઈ સામાજિક કામમાં હોવાથી કોલ રિસીવ ન કરી શક્યા એટલે મેં તેમના પીએ શશીને કોલ કર્યો. તેણે કહ્યું કે, ભાઈ તમે પહોંચી જાવ. કોઈ લાઈન નથી. સીધી રસી લાગી જશે. મેં મારું બુલેટ કાઢ્યું અને પહોંચી ગયો. મારા દિકરા અયમાનને અનુભવ મળે તે માટે તેને પણ લઈ ગયો. ટોકન લીધું અને 10 મિનિટમાં રસી મુકાવી દીધી. કોઈ આડઅસર થાય છે કે નહીં તે માટે મને બીજા એક રૂમમાં ડોક્ટરોની હાજરીમાં બેસાડયો. અડધો કલાક બેઠો. સામાન્ય માથુ દુખ્યું અને હળવી અન-ઈઝીનેસ લાગી. ડોક્ટરે ત્રણ પેરોસીટામોલ આપી ને કહ્યું કે જાવ વાંધો નહીં. રાત્રે એક ગોળી લઈ લેજો. બીજા દિવસે તાવ કે શરીર દુખે તો બાકીની ગોળી પીજો.

દિવસે વાંધો ન આવ્યો પણ રાત્રે શરીર તુટવા લાગ્યું ને તાવ ચઢ્યો

રસી મુકાવી હું ફરી ઘરે જ પહોંચી ગયો. સાંજે ચારેક વાગ્યે દુધ અને નાસ્તો કરી થોડીવાર સુઈ ગયો. રાત સુધી ધરે રહ્યો. જમીને ટેલિવિઝન જોયું. મને આપવામાં આવેલી દવા પીધી અને સુઈ ગયો. મધરાત્રે શરીર તૂટવા લાગ્યું. પીઠ, પગ, હાથ બધામાં જ જાણે ખેંચાખેચ હોય તેવું થવા લાગ્યું. હળવી ઠંડીને તાવ આવ્યો. ઉંઘ મુશ્કેલ બની. દુખાવો ફરતો હતો જોકે, પીઠ, થાપા અને પગમાં વધુ હતો. કંઈક અંદરથી ખેંચાતું હોય તેવું લાગ્યું. બીજા દિવસે સોમવાર એ જ રીતે પસાર થયો. મેં ત્રણેય દવાના ડોઝ તેના સમયે પી લીધા અને પછી અલ્લાહ-ઈશ્વરની કૃપાથી મંગળવારે ફ્રેસ થઈ ગયો. હવે માત્ર જ્યા રસી મુકી હતી તેટલો ભાગ દુખી રહ્યો છે. બાકી ઉપરવાળાની કૃપા છે. હવે ઈશ્વરે ચાહ્યું તો નક્કી સમયે બીજો ડોઝ પણ લઈ લઈશ.

હાલ કોરોના કેસ વધ્યા: ડોક્ટરોનો અભિપ્રાય છે કે, તકેદારી ન રાખશો તો વેક્સિન બાદ પણ કોરોના અડશે પણ નડશે નહીં

કોરોનાના હાલ ચાલી રહેલો બીજો વેવ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે. બિન્દાસ્તપણું લોકોને નડી રહ્યો છે. રોજ સવાર પડેને કોઈને કોઈ સ્વજનના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે. હોસ્પિટલોમાં બેડ નથી, વેલ્ટિનેટર નથી, ઓક્સિજન નથી, જીવનરક્ષક રેમડેશિવિર ઈન્જેક્શન નથી. સ્મશાનોમાં વેઈટિંગ છે વગેરે હેડલાઈન હચમચાવી રહી છે, કાળજું કંપાવી રહી છે. ત્યારે ઘણાં વેક્શિન લેનારા ડોક્ટરો કે ફ્રન્ટ વોરિયર્સને કોવિડ થઈ રહ્યો છે જોકે, ડોક્ટરોનું કહેવું છે કે, વેક્સિન લીધા બાદ લક્ષણો સામાન્ય હોય છે અને ઓક્સિજન ઘટવા સહિત કે ફેફસાને ખત્મ કરી દેતા લક્ષણો જણાતાં નથી. તમે બે-ચાર દિવસની દવા લઈ ઘરે જ સાજા થઈ શકો છો.

જેથી, હું કહું છે કે બેશક દુનિયામાં આવ્યા એટલે અનંતની વાટે તો દરેકે જવાનું જ છે તે સનાતન સત્ય છે પરંતુ ઈશ્વરે આપણને ‘અક્કલ’ નામનું શસ્ત્ર આપ્યું છે તેનો પણ ઉપયોગ આપણે કરીએ અને હાલ એક બચાવરૂપી શસ્ત્ર ‘વેક્સિન’ લઈએ. માસ્ક પહેરીએ, સામાજિક અંતર જાળવીએ અને કોવિડ માટેની ગાઈડલાઈનનું પાલન કરીએ. સાથોસાથ આપણે પહેલા વેવમાં જેટલા સચેત હતા અને દરેક ઘરેલુ ઉપચારોથી પોતાની જાતને સેઈફ રાખવાનો પ્રયાસ કરતા હતા તે બધુ જ હાલ પણ કરીએ તો જ આપણે પોતે અને આપણી આસપાસના લોકોને સેઈફ કરી શકીશું.

16 એપ્રિલ 2021

Leave a Reply

Translate »