- સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)
સુરત મહાનગર પાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી લિંક બસ સેવા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે મળીને મની કાર્ડ લોંન્ચ કર્યો હતો. જે કાર્ડ મેળવ્યા બાદ શહેરીજનો બસ મુસાફરીની સાથોસાથ સુરત મનપાના દરેક હરવા ફરવાના સ્થળો કે જ્યાં ટિકિટ નક્કી કરવામાં આવી હોય, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટમાં ઉપયોગ કરી શકે છે. ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને પાણી વેરો પણ ભરી શકવાની ફેસેલિટી તેમાં આપવામાં આવી છે. ખાસ કરીને શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને તે કાર્ડના માધ્યમથી બસ મુસાફરીમાં 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઉપરાંત સિનિયર સિટિઝન અને મહિલાઓને 25 ટકા જ્યારે અંધજન તેમજ ફ્રીડમ ફાઈટર્સને 100 ટકા ડિસ્કાઉન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. બસની ફ્રિકવન્સી અને સુવિધાઓને જોતા 48 હજાર સુરતીઓએ આ કાર્ડ કઢાવ્યા હતા. રોજ બરોજ ટિકિટ કઢાવવા અને છુટ્ટા રૂપિયાની મુક્તિ આ કાર્ડથી મળે છે અને આસાનીથી કાર્ડ રિડરથી ટિકિટના દર કન્ડક્ટર દ્વારા કાપી લેવામાં આવે છે. જોકે, વિતેલા બે વર્ષમાં કોરોનાને કારણે ડિસ્કાઉન્ટ હેઠળના 75 ટકા કાર્ડ રિન્યુ થયા નથી. જેનાથી સુરત મહાનગર પાલિકાને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.
ડિસ્કાઉન્ટ હેઠળના આટલા કાર્ડ રિન્યુ જ નથી થયા
લોકડાઉન અને કોરોનાના વધતા કેસો વચ્ચે બસ સેવા સદંતર બંધ હતી. ઉપરથી શાળાઓ પણ બંધ રહી. હાલ ધો. 6 પછીની શાળાઓ અને કોલેજો શરૂ થઈ છે પરંતુ ડિસ્કાઉન્ટ હેઠળના કુલ 19443 કાર્ડ પૈકી 13,205 કાર્ડ રિન્યુ વિદ્યાર્થીઓ- મહિલાઓ, સિનિયર સિટિઝન ઈત્યાદીએ રિન્યુ જ નથી કરાવ્યા. સંભવત: આ લોકોએ મનપાની બસોમાં મુસાફરી કરવાનું બંધ કર્યું છે અથવા તો રેગ્યુલર દરે મુસાફરી કરી રહ્યાં છે. એટલે કહી શકાય કે કુલ 48 હજાર મની કાર્ડ પૈકી હાલ માત્ર 28,530 કાર્ડ જ એક્ટિવ છે. સુરત મનપાના બીઆરટીએસનો હવાલો સંભાળવા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે કહ્યું કે, મનપાને બીઆરટીએસના માધ્યમથી સામાન્ય દિવસોમાં 75થી 80 કરોડની આવક થાય છે પરંતુ કોરોના કાળના દિવસો બાદ કરતા આ આવક હાલ ખૂબ જ અડધી જેટલી થઈ ગઈ છે. રિન્યુ નહીં થયેલા કાર્ડ ધારકોને હાલ કોલ કરવામાં આવી રહ્યાં છે. જેથી, તેઓને ફરીથી જોડી શકાય.
સમસ્યા: ઘણાં કંક્ડટરોને કાર્ડ સ્વાઈપ કરતા જ નથી આવડતા
મની કાર્ડનું ચલણ ધીરેધીરે વધ્યું હતું. ડિસ્કાઉન્ટ હેઠળના કાર્ડનો વપરાશ પણ ઉપરોક્ત આંકડા જોતા ખૂબ જ વધુ હતો પરંતુ ઘણી બસના કંડ્કટરોને આ કાર્ડ મશીન પર પ્રોપર સ્વાઈપ કરતા આવડતું ન હોવાની બૂમ ઉઠી છે. પરિણામે ઘણાં યાત્રીઓને પેનલ્ટીનો સામનો કરવાનો વારો આવે છે. કાર્ડ સ્વાઈપ કર્યા વિના બસમાંથી ઉતરી જવાના કિસ્સાને કારણે આમ થઈ રહ્યું છે. ઘણીવાર સ્વાઈપ મશીનમાં કાર્ડ રિડિંગ નહીં થવાના કિસ્સા પણ થાય છે. જોકે, કમલેશ નાયક કહે છે કે, અમે કંડ્કટર તેમજ ટિકિટ બારીના સ્ટાફને કાર્ડ સ્વાઈપ કરવાની ટ્રેનિંગ અવારનવાર ગોઠવીએ છીએ. અત્યારસુધી સાત વખત આવી ટ્રેનિગ અપાય છે. જેથી, યાત્રીઓને અગવડ ન પડે.
વગર ટીકીટે અત્યારસુધી આટલા લાખનો દંડ વસૂલાયો
સુરત મહાનગર પાલિકાના અધિકૃત આંકડા જોકે, બસ સેવા શરૂ થઈ ત્યારથી જાન્યુઆરી ૨૦૨૧થી સુધીમાં બીઆરટીએસ અને સિટી બસમાં ટિકિટ વગર મુસાફરી કરતા યાત્રીઓને પકડીને રૂ. 25 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. સાથોસાથ વગર ટિકિટ યાત્રા કરાવવા બદલ સંબંધિત એજન્સીને પણ દંડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષોમાં કોસાડ, કતારગામ, વરાછા સહિતની બસોમાં યાત્રીઓને ટિકિટ નહીં આપીને રૂપિયા ખિસ્સે કરનારી ઘણી એજન્સીના કંડક્ટરોને વિરોધ પક્ષના નગર સેવકો પકડતા હતા. આવી એજન્સી પર નજર રાખીને મનપાના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.