રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી મળીને કુલ 2482 હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે

ગુજરાત સરકાર હંમેશા સામાન્ય પરિવારના પડખે ઉભા રહીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવા તત્પર રહી છે. સામાન્ય પરિવારોને આરોગ્ય સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ અપાવવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મા વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનાને એક છત્ર હેઠળ આવરીને ‘પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના’ (PMJAY-MA) અમલી બનાવવામાં આવી છે.

આ યોજના હેઠળ લાભાર્થીને કેન્સર, હૃદય રોગ, કિડનીને લગતા ગંભીર રોગો, બાળ રોગો, આકસ્મિક સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ન્યુરોસર્જરી, ડાયાલિસીસ સહિતની તકલીફોની સારવાર સાથે જ પ્રસુતિ તેમજ ગંભીર અને અતિગંભીર બિમારીઓની કુલ 2681 જેટલી નિયત કરેલ પ્રોસિજર્સ/ઓપરેશન જેવી આરોગ્ય વિષયક સેવાઓ પ્રાપ્ત થશે. આ યોજનાનો લાભ રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી મળીને કુલ 2482 હોસ્પિટલોમાંથી મેળવી શકાય છે

સામાન્યત: ગરીબી રેખા હેઠળ (બીપીએલ) કાર્ડધારકો, વાર્ષિક રૂ.4 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો, શહેરી અને ગ્રામીણ આશાઓ (માન્યતાપ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા), માન્ય પત્રકારો, યુ-વિન કાર્ડધારકો, રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4 ફિક્સ પગાર કર્મચારીઓ,  વિધવા,અનાથાશ્રમના બાળકો, કોરોના યોદ્ધાઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. 

અરજીકર્તા રાજ્ય સરકારની www.pmjay.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. તદ્દઉપરાંત જિલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સંલગ્ન ખાનગી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, નિયત કરેલા શહેરી આરોગ્ય કેન્દ્રો, ઈ-ગ્રામ પર જઈને નિયત પૂરાવા રજૂ કરી અરજી કરવાથી ‘PMJAY-MA’ કાર્ડ બનાવી આપવામાં આવે છે.

Leave a Reply

Translate »