દક્ષિણ ગુજરાતના વીજગ્રાહકો અને ખેડૂતોને વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહેશે
સુરત/ વીજળીની અછત અંગેની અફવાઓને રદિયો આપતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વિજયન (IAS) એ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો અને ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકોની હાલ 3650 મેગાવોટ દૈનિક વીજમાંગની સામે દૈનિક વીજ પુરવઠો સાતત્યપૂર્ણ અને સમયસર રીતે મળી રહ્યો છે. હાલમાં વીજળીની કોઈ અછત નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વીજગ્રાહકોને 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વધુમાં વધુ 50 થી 100 મેગાવોટ જેટલો વીજકાપ (લોડ શેડિંગ) 96 સ્લોટમાં 15-15 મીનીટમાં કાળજીપૂર્વક રીતે વિભાજીત કરવામાં આવે છે. હાલમાં નવા ચાર વીજ ઉત્પાદન યુનિટ શરૂ થઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારના ખેતીવિષયક ફીડર પર ચોમાસાની ઋતુ દરમ્યાન 12 મેગાવોટની માંગ હતી જે હાલ વધીને 165 મેગાવોટ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે વીજ કંપની દ્વારા ખેડૂતોને સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહયું છે. જો અડધો કલાક પણ વીજકાપ થયેલ હોય તો તેની પણ પૂર્તતા કરવામાં આવે છે.
પત્રકાર પરિષદમાં વીજ કંપનીના મુખ્ય ઇજનેર રીટાબેન પરેરા અને અધિક મુખ્ય ઇજનેર એચ. આર. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.