આજ તા.૧૧મીથી ‘હુનર હાટ’ શરૂ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે તા.૧૨મીએ ઔપચારિક ઉદ્દઘાટન
સુરત: કેન્દ્રીય લઘુમતિ મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.11 થી 20 ડિસેમ્બર સુધી આયોજિત ૧૦ દિવસીય 34મા ‘હુનર હાટ’ સંદર્ભે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ‘હુનર હાટ’ દેશવિદેશના કારીગરો અને શિલ્પકારોના ‘સન્માન સાથે સશક્તિકરણ’ તેમજ ભારતીય કલા અને કારીગરીની ‘શક્તિ અને પ્રગતિ’ નો નિર્ધાર છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘હુનર હાટ’ના માધ્યમથી કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના કલાના ઉસ્તાદો, શિલ્પકારો અને કારીગરોને મોકો અને માર્કેટ આપવાનો સરકારનો સફળ અને સાર્થક પ્રયાસ છે. ભગવાન વિશ્વકર્માની વિરાસત અને પરંપરાગત ધરોહરની જાળવણી અને સાચવણીનો મુખ્ય ઉદ્દેશ હોવાનું જણાવી નકવીએ આવનારા બે વર્ષમાં 17 લાખ કારીગરોને રોજગારીની સુવર્ણ તકો પ્રદાન કરવાનું લક્ષ્ય હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું.
તેમણે કહ્યું કે, દેશના ખૂણે-ખૂણેથી સ્વદેશી હાથ બનાવટના ઉત્પાદનો, પરંપરાગત વાનગીઓ સહિત જાણીતા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રેમ્બો સર્કસ, ‘હુનર હાટ’ના આગવા આકર્ષણ છે. ઉપરાંત, ‘વિશ્વકર્મા વાટિકા’માં કલાકારોની ઉત્પાદન કાર્યપદ્ધતિને નિહાળવાનો પણ અનેરો અવસર મળશે. આજે વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સહયોગથી આપણા પૂર્વજોની કલાકારીગરીના વારસાને જીવંત રાખવા તેમજ તેમને પ્રોત્સાહિત કરવા માટે મોટા પાયે કામ કરી રહી છે. જેથી નવી પેઢીના પ્રતિભાવાન કારીગરોને પ્રોત્સાહન મળે અને તેમના પૂર્વજોના કૌશલ્યો સાથે તેઓ જોડાયેલા રહી કલાકારીગરી દ્વારા આર્થિક પ્રગતિ અને સ્વરોજગારની તકો પણ ઝડપી શકે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ‘હુનર હાટ’ દ્વારા છેલ્લા સાડા પાંચ વર્ષમાં આશરે 7 લાખથી વધુ કારીગરો, શિલ્પકારો અને તેમની સાથે સંકળાયેલા લોકોને સ્વરોજગારની તકો પૂરી પાડવામાં આવી છે. ‘હુનર હાટ’ નો ઇ પ્લેટફોર્મ http://hunarhaat.org તેમજ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ GeM પોર્ટલ આવવાથી સુવ્યવસ્થિત બજાર લિન્કેજ, નવી ડિઝાઈન, સારૂ પેકેજિંગ, ટ્રેનિંગ તેમજ ક્રેડિટ લિન્કેજથી મોટા પાયે કારીગરો અને શિલ્પકારો માટે આર્થિક વૃદ્ધિની તકો ઉપલબ્ધ થઈ છે.
30થી વધુ રાજ્યોના 300થી વધુ કારીગરો લઈ રહ્યાં છે ભાગ
કારીગરોને સ્વદેશી વારસાને પ્રોટેકશન, પ્રિઝર્વેશન અને પ્રમોશનના મંત્ર સાથે આયોજિત હુનર હાટ ચીજવસ્તુઓના વેચાણનું વૈશ્વિક પ્લેટફોર્મ છે એમ જણાવતાં શ્રી નકવીએ ઉમેર્યું કે, સુરતમાં આયોજિત ‘હુનર હાટ’માં આસામ, બિહાર, આંધ્રપ્રદેશ, ગુજરાત, લદ્દાખ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, નાગાલેન્ડ, મેઘાલય, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મણિપુર, ગોવા, પોંડીચેરી, છત્તીસગઢ, તેલંગાણા, ચંદીગઢ, હરિયાણા સહિત 30 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 300 થી વધુ કારીગરો ભાગ લઈ રહ્યાં છે. આ ઉસ્તાદ કલાકારો પોતાની સાથે હાથ બનાવટના અદ્દભુત અને દુર્લભ સ્વદેશી ઉત્પાદનો લાવ્યા છે. આ સાથે સુરતીઓ દેશના વિવિધ પ્રદેશોની પરંપરાગત વાનગીઓનો આસ્વાદ પણ ‘હુનર હાટ’ ના રસોઈખાનામાં ઉપલબ્ધ છે.
આ જાણીતા કલાકારો પુરુ પાડશે મનોરંજન
આવનાર દિવસોમાં ‘હુનર હાટ’ ના આંગણે પંકજ ઉધાસ, સુરેશ વાડેકર, સુદેશ ભોસલે, પુનિત ઇસ્સાર અને ગુફી પેન્ટલ, અન્નુ કપૂર, અલ્તાફ રાજા, અમિત કુમાર, ભૂપિંદર સિંહ ભુપ્પી, ભૂમિ ત્રિવેદી, વિપીન અનેજા, પ્રિયા મલ્લિક સહિત દેશના અન્ય ખ્યાતનામ કલાકારો સંગીતકારો વિવિધ સાંસ્કૃતિક-કલાત્મક-સંગીત-ગીતના કાર્યક્રમો, અભિનય કાર્યક્રમોમાં કલા પીરસશે.
સુરત બાદ દિલ્હીમાં આયોજન
સુરત બાદ આગામી ‘હુનર હાટ’નું આયોજન તા.૨૨/૧૨/૨૦૨૧ થી તા.૦૨/૦૧/૨૦૨૨ દરમિયાન જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં મૈસૂર, ગુવાહાટી, પુણે, અમદાવાદ, ભોપાલ, પટના, પોંડીચેરી, મુંબઈ, જમ્મુ, ચેન્નાઈ, ચંદીગઢ, આગ્રા, પ્રયાગરાજ, ગોવા, જયપુર, બેંગ્લોર, કોટા, સિક્કિમ, શ્રીનગર, લેહ, શિલોંગ, રાંચી, અગરતલા તેમજ અન્ય સ્થળોમાં પણ ‘હનર હાટ’ નું આયોજન હોવાનું તેમણે કહ્યું હતું. આ વેળાએ મંત્રીએ ‘હુનર હાટ’ના આ વેળાએ મંત્રીશ્રીએ ‘હુનર હાટ’ના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતાં.