રીક્ષાવાળાએ કેતનના બંગલા પાસે જઈને રિક્ષા ઊભી રાખી ત્યારે સાંજના સાડા સાત વાગ્યા હતા. જાનકીએ રીક્ષા ભાડું ચૂકવી દીધું અને મકાનમાં પ્રવેશ કર્યો. મકાન ખુલ્લું હતું અને એક મોટી ઉંમરના બહેન રસોડામાં રસોઈ કરી રહ્યા હતા. જાનકીને કંઈ સમજાયું નહીં કે કેતન ના ઘરમાં બીજા કોઈ બેન કઈ રીતે હોઈ શકે ? એડ્રેસ તો બરાબર જ હતું !!
” માસી કેતન અહીં જ રહે છે ને ? ” જાનકી રસોડામાં ગઈ અને દક્ષાબેનને પૂછ્યું.
” હા.. હા.. આવો ને !! સાહેબ તો અડધી કલાકથી બહાર ગયા છે. ક્યાંથી આવો છો બેન ? ” દક્ષાબેને પૂછ્યું.
” હું મુંબઈથી આવું છું. તમારી ઓળખાણ ના પડી ” જાનકી બોલી.
” મારું નામ દક્ષાબેન. સાહેબના ત્યાં બે ટાઈમ રસોઈ કરું છું. ” કહીને દક્ષાબેને જાનકીને પાણી આપ્યું.
” ઓકે માસી… મારી પણ રસોઈ કરજો. હું એમની ગેસ્ટ છું. ” કહીને જાનકી ડ્રોઇંગરૂમમાં આવી અને કેતનની રાહ જોતી બેસી રહી.
બરાબર એક કલાક પછી સાડા આઠ વાગ્યે કેતન ઘરે પહોંચ્યો. પ્રતાપભાઈ ના ઘરેથી નીકળ્યો ત્યારથી એ વેદિકાના વિચારોમાં ખોવાયેલો હતો. વાનમાંથી ઉતરીને કેતને મનસુખને રજા આપી દીધી કારણ કે રાત્રે એને કોઈ કામ નહોતું.
” તમે કાલે સવારે અગિયાર વાગ્યે સીધા મારુતિના શોરૂમમાં જજો. ચેક તો મેં તમને આપેલો જ છે. વિપુલભાઈ કહે એ પ્રમાણે પેમેન્ટ આપીને બધી ફોર્માલિટી પૂરી કરજો. સિયાઝ ગાડીની ડિલિવરી લેવા માટે મને લેવા આવજો. ”
” ભલે સાહેબ ” અને માલવિયા રવાના થયો.
કેતન ઘરમાં પ્રવેશ કરતાં જ સામે જાનકીને સોફામાં બેઠેલી જોઇને ચમકી ગયો.
” અરે. જાનકી તું ..!! વોટ આ સરપ્રાઈઝ ! આઈ જસ્ટ કાન્ટ બિલિવ ધીસ !! “
” ચૂંટલી ખણો સાહેબ !! આ કોઈ સપનું નથી …. હું જાનકી જ છું. ” જાનકી હસીને બોલી. કેતન ખૂબ જ હેન્ડસમ લાગતો હતો અને અમેરિકા રહીને એનો વાન પણ ગોરો બન્યો હતો.
” મારી પાછળને પાછળ ત્રણ જ દિવસમાં તું જામનગર આવે એ માની શકાતું જ નથી. આ કેવી રીતે શક્ય બને ? ” કેતન હજુ આશ્ચર્યમાં જ હતો.
” છતાં એ હકીકત છે સાહેબ. પડછાયો પાછળ ને પાછળ જ હોય છે. તમે બે મહિનાથી સુરત આવ્યા છો. તમને મારી યાદ પણ આવી ? અંગત મિત્રતા આવી હોય ? મને હજુ ગઈ કાલે ખબર પડી અને આજે તમારી સામે હાજર છું !! ” જાનકી બોલી.
” ઘણા બધા કારણો છે પણ એ બધી ચર્ચા આપણે પછી કરીશું. દક્ષામાસીને ઘરે જવાનું મોડું થશે. આપણે પહેલાં જમી લઈએ. તારી રસોઈ તો એમણે નહીં બનાવી હોય પણ મમ્મી એ બનાવેલો નાસ્તો હજુ છે એટલે વાંધો નહીં આવે. “
“મારી રસોઈ પણ બની ગઈ છે સાહેબ. હું તો એક કલાકથી આવેલી છું. મેં આવીને તરત જ માસીને કહી દીધું કે હું જમવાની છું.” જાનકીએ કહ્યું.
દક્ષાબેને બે થાળીઓ પીરસી. ભાખરી, રીંગણ બટેટાનું રસાવાળું શાક, ખીચડી અને છાશ. બાજુમાં એક વાડકીમાં અથાણું અને એક વાડકીમાં સમારેલો ગોળ. જેને ઈચ્છા હોય તે લે. અસલ કાઠીયાવાડી જમણ !!
ખરેખર રસોઈ બહુ જ સરસ હતી. જાનકી ને પણ મજા આવી.
દક્ષાબેનના ગયા પછી થોડીવારમાં જ વાસણ ધોવા માટે ચંપાબેન પણ આવી ગયાં.
” આટલું સારું મકાન.. રસોઇ અને ઘરકામની પૂરી વ્યવસ્થા અને એ પણ ત્રણ જ દિવસમાં !! તમે તો જમાવટ કરી દીધી છે કેતન ! હું તો હવે આ ઘર છોડીને ક્યાંય જવાની જ નથી !” જાનકીએ કેતનની સામે બેઠક લેતા કહ્યું.
” હા તો રહી જા ને ? મેં ક્યાં ના પાડી છે ? મિત્રો માટે કેતનના દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે. પણ હવે માંડીને બધી વાત કર. છેક જામનગર સુધી આવવાનું રહસ્ય મને સમજાતું નથી. “
” તમે તો સંસારી સાધુ થવા નીકળી ગયા પણ જે સંસારમાં છે એમનું શું ? તમારે એમનો વિચાર નહીં કરવાનો ? શિવાનીએ મને રાત્રે ફોન કરેલો. તમારી એકની એક લાડકી નાની બહેન છે. પોતાના મનની વાત કોઈને કહી શકતી નથી. મારી આગળ એણે દિલ ખોલ્યું. મને કેટલી કાકલૂદી કરી કે મારા ભાઈને ગમે તેમ કરીને પાછા લઈ આવો અને હું દોડતી આવી. “
” તમે અમેરિકાથી આવો એની બે વર્ષથી હું રાહ જોતી હતી. કોલેજમાં જ મેં તમને પ્રપોઝ કરેલું પણ ત્યારે તમે અમેરિકા જઈને આવું પછી વાત એમ કહીને વાત ટાળી દીધી. મારી પણ ઉંમર થઈ ગઈ છે. અમારી અનાવિલ જ્ઞાતિમાંથી સારાં સારાં માગાં આવે છે પરંતુ છોકરીઓની જિંદગીમાં તો મનનો માણીગર એક જ હોય છે સાહેબ. પહેલા પ્યારને અમે ભૂલી શકતાં નથી. ‘ જાનકી બોલતી ગઈ.
” તમે બે મહિનાથી સુરત આવી ગયા છો પરંતુ એકવાર પણ મારી યાદ આવી કે જાનકી શું કરતી હશે ? તમારા પુરૂષોની આ જ તો મોટી તકલીફ હોય છે !! શિવાનીએ મને ફોન ના કર્યો હોત તો મને તો ખબર પણ નહીં પડતી. રીયલી આઈ એમ અપસેટ !! ” વાત કરતાં કરતાં જાનકીની આંખો ભીની થઈ ગઈ.
” તું માને છે એવું નથી જાનકી. મેં કોઈ સંન્યાસ લીધો નથી. મેં માત્ર ઘર અને પરિવાર છોડ્યાં છે. સંસાર છોડ્યો નથી. અહીં પણ હું મારો પોતાનો બંગલો ખરીદવાનો છું. કાલે સિયાઝ ગાડી પણ છોડાવું છું. બસ મારે મારી રીતે જીવવું છે અને જામનગરમાં સેટલ થવું છે. અને હું કુંવારો રહેવાનો નથી. બસ થોડોક સેટ થઈ જાઉ પછી લગ્નનો વિચાર કરું !! ” કેતને જાનકીને હૈયાધારણ આપી.
” તમારો આખો પરિવાર સુરતમાં છે. તમારે અલગ રહેવું હોય તો સુરતમાં ને સુરતમાં પણ તમે અલગ રહી શકો છો. તમને ડાયમંડના બિઝનેસમાં રસ ના હોય તો તમે તમારો પોતાનો કોઈપણ બિઝનેસ કરી શકો છો. ઈશ્વરની કૃપાથી કરોડો રૂપિયા છે તો પછી છેક આટલે દૂર આવવાની શું જરૂર ? કમ સે કમ માતા-પિતાની નજર સામે તો રહી શકો !! ” જાનકીએ કેતનને પોતાની રીતે સમજાવવાનું શરૂ કર્યું.
” જાનકી છેલ્લા બે મહિનામાં આ પ્રકારની તમામ ચર્ચાઓ મમ્મી-પપ્પા સાથે અને ભાઈ ભાભી સાથે પણ થઈ ચૂકી છે. ઘર છોડવા પાછળનાં મારાં કેટલાંક અંગત કારણો છે. મારા પોતાના પરિવારના હિત માટે અને સુરક્ષા માટે જ મેં ઘર છોડી દીધું છે. બસ આનાથી વધારે હું કંઈ જ કહી શકું તેમ નથી. એટલે આ બાબતમાં હવે આપણે કોઈ ચર્ચા નહીં કરીએ. તું મારી અંગત મિત્ર છે એટલે આટલી વાત પણ મેં કરી. પ્લીઝ કીપ ઇટ સિક્રેટ !! ” કેતન બોલ્યો.
જાનકી સમજી ગઈ કે હવે કેતન સાથે આ ચર્ચા નો કોઈ મતલબ નથી અને કેતન સુરત પાછો આવવાનો જ નથી.
” ચાલો માની લીધી તમારી વાત. પણ હવે આગળનું શું વિચાર્યું છે કેતન ? આઈ મીન લગ્ન માટે !! તમારા દિલમાં મારા માટે આજે પણ એ જ લાગણી છે કે પછી બીજી કોઈ કન્યાએ પ્રવેશ કરેલો છે ? બી ફ્રેન્ક !! મને જરા પણ દુઃખ નહીં થાય. ” જાનકીએ ધડકતા હૃદયે પૂછ્યું.
” હું આજે પણ શુદ્ધ બ્રહ્મચારી છું. મારા જીવનમાં ઓનેસ્ટલી કોઈ સ્ત્રી પાત્ર નથી. જેવો કોલેજમાં હતો એવો જ આજે પણ છું. લગ્ન તો ચોક્કસ કરીશ પરંતુ દિલના તાર હજુ ઝણઝણ્યા નથી. સ્ત્રીના સહવાસની ઝંખના હજુ દિલમાં પેદા થઈ નથી. ” કેતન બોલ્યો.
” તો હવે પેદા કરો ને સાહેબ… સમય પાકી ગયો છે અને લગ્નની પણ એક ચોક્કસ ઉંમર હોય છે !! આમ શુષ્ક જીવન ક્યાં સુધી જીવશો ? લવ અને રોમાંસનું પણ જીવનમાં એક આગવું મહત્વ હોય છે. અનુભવો તો ખબર પડે ને ? લગ્ન પછી જીવન ભર્યું ભર્યું લાગશે. ” જાનકીએ શિખામણો આપી.
” તારી વાત હું માનું છું જાનકી. મને પોતાને પણ હવે થોડું થોડું ફીલ થાય છે. સહવાસના થોડા થોડા ઓરતા મારામાં પણ સળવળ્યા છે. કદાચ છ આઠ મહિનામાં હું આ બાબતમાં ચોક્કસ નિર્ણય લઈશ. “
” ચાલો સારી વાત છે. મને ગમ્યું. હવે મને એ કહો કે મારા માટે તમે શું વિચારો છો ? મારા માટે કેવી લાગણી છે ? હું તમારી રાહ જોઈ શકું ? ” જાનકીએ સીધો સવાલ પૂછ્યો.
કેતન આ સવાલથી થોડોક મૂંઝાયો. એની પોતાની પાસે પણ સ્પષ્ટ જવાબ નહોતો. જાનકી એને ચોક્કસ ગમતી હતી. એના સ્વભાવથી પણ એ વર્ષોથી પરિચિત હતો. ખૂબ જ રૂપાળી હતી. સંસ્કારી હતી અને ઘરમાં પણ બધાંને પસંદ હતી.
તો સામે હજુ આજે જ જેની સાથે તાજી મુલાકાત થઇ હતી એ વેદિકા પણ એટલી જ સુંદર હતી. એને જોઈને પણ એના મનમાં આકર્ષણ તો થયેલું જ. વેદિકા પણ પોતાના માટે જ આજે આટલી તૈયાર થઈ હતી ! એના મનમાં પણ મારી સાથે પરણવાના કોડ હતા !!
બંને પાત્રો કેતનને પોતાની તરફ ખેંચી રહ્યા હતા. કેતન અત્યારે તો કોઈ નિર્ણય લઈ શકે તેમ ન હતો પરંતુ જાણે-અજાણે માયાનાં વમળોમાં એ હવે ખેંચાઈ રહ્યો હતો !!
” જો જાનકી તું મને પહેલેથી જ પસંદ છે અને મારૂ ફેમીલી પણ તને પસંદ કરે છે એટલે ના પાડવાનો તો કોઈ સવાલ છે જ નહીં. પરંતુ થોડીક રાહ જો. મને છ એક મહિનાનો સમય આપ. કોઈ ચોક્કસ નિર્ણય પર આવતા પહેલા મારે ઘણું બધું વિચારવાનું છે. ” કેતને કહ્યું.
” ઠીક છે. છ મહિના માટે મને કોઇ જ વાંધો નથી. હું પોતે પણ સમજુ છું કે લગ્નનો નિર્ણય આમ રાતોરાત ન લઈ શકાય. પરંતુ જ્યારે પણ નિર્ણય લો ત્યારે એટલું જરૂર વિચારજો કે જાનકી વર્ષોથી તમારા જવાબની રાહ જોઈ રહી છે. !!” કહેતાં કહેતાં જાનકી નું દિલ ભરાઈ આવ્યું અને આંખમાં પાણી આવી ગયાં.
” રિલેક્સ… ડોન્ટ બી ઈમોશનલ !! પતિ અને પત્ની ની જોડી ઉપરથી જ નિર્માણ થયેલી હોય છે. જો મારા નસીબમાં તારું નામ લખેલું હશે તો તને જ પરણવાનો છું !! તને ખબર છે કે હું ડેસ્ટીની માં બહુ જ માનું છું. ” કેતને હસીને કહ્યું.
” હવે એ બધી વાતો છોડ. એક કામ કર. તું આવી જ છો તો હમણાં બે દિવસ રોકાઈ જા. કાલે નવી સિયાઝ ગાડી છોડાવું છું તો આપણે દ્વારકા દર્શન કરી આવીએ. તું જામનગર સુધી આવી છું તો તારે દ્વારકાધિશનાં દર્શન કરવાં જ જોઈએ. મેં પણ દ્વારકા જોયું નથી.” કેતને વિષય બદલ્યો.
” અરે વાહ… આ વાત મને બહુ ગમી. મને દ્વારકા આવવું ચોક્કસ ગમશે. આમ પણ શ્રીકૃષ્ણને તો હું બહુ જ માનું છું. જામનગર નો પ્રવાસ એક યાત્રા બની જશે. ” જાનકી એકદમ ખુશ થઈને બોલી.
જાનકી એ રીતે પણ ખુશ હતી કે કેતનનો સંગાથ બીજા બે દિવસ મળશે અને એ રીતે થોડા નજીક પણ અવાશે.
” ચાલો હવે દસ વાગી ગયા. આપણે સૂવાનું કેવી રીતે ગોઠવીશું ? તારે જો બેડરૂમમાં એ.સી. માં સૂઈ જવું હોય તો હું અહીંયા ડ્રોઈંગ રૂમમાં જ સોફા ઉપર સૂઈ જાઉં ! મને તો પંખો પણ ચાલશે. ” કેતન બોલ્યો.
” અરે હોતું હશે ? તમે આરામથી બેડરૂમમાં સૂઈ જાઓ સાહેબ. હું સોફા ઉપર સૂવાનું પસંદ કરીશ. આમ પણ મને એ.સી.ની બહુ ફાવટ નથી. ” જાનકીએ વિનમ્રતાથી જવાબ આપ્યો. જો કે એ પોતે રોજ એ.સી. માં જ સૂતી હતી !!
ક્રમશઃ
લેખક : અશ્વિન રાવલ