સવારના પહોરમાં કોઇ ખૂબસૂરત યુવતી ને કેતનના કમ્પાઉન્ડમાં જોઈને ત્રીજા મકાનમાં રહેતી નીતા મિસ્ત્રી ખૂબ જ અપસેટ થઈ ગઈ.
તે દિવસની જલ્પા ની ઘટના પછી કેતને પોતાના પરિવાર માટે જે પણ કર્યું અને પપ્પાને બે લાખ રૂપિયા જેવી રકમ જીજાજી પાસેથી પાછી અપાવી એનાથી નીતા કેતનથી ખુબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. કોઈ સ્પોર્ટ્સમેનને પણ શરમાવે એવી કેતન ની પર્સનાલિટી હતી !! નીતા મુગ્ધ થઈ ગઈ હતી કેતન ઉપર !!
શું કેતન પરણેલા હશે ? કોઈ બહાનું કાઢીને સાચી વાત તો જાણવી જ પડશે. એણે થોડું વિચારી લીધું અને કેતનના મકાનમાં પ્રવેશ કર્યો.
” અંદર આવું સાહેબ ? “
” હા આવને નીતા !! “
” સાહેબ નવા મહેમાન આવ્યા છે તો પપ્પાએ ચા પાણીનું કીધું છે. પપ્પા કહે કે સાહેબને ચા પીવા બોલાવી લાવ.” નીતાએ કહ્યું.
” થેંક યુ નીતા.. પણ આજે નહીં.. ફરી કોઈ વાર. અને આ મારીફ્રેન્ડ જાનકી છે જે મુંબઈથી બે દિવસ માટે આવી છે. ” નીતા કોઈ ગેરસમજ ના કરે એટલા માટે કેતને ખુલાસો કર્યો.
” નમસ્તે જાનકીબેન ” નીતાએ બે હાથ જોડ્યા.
” નમસ્તે ” જાનકીએ વળતો જવાબ આપ્યો.
” સાહેબ કોઈ પોલીસવાળો ગઈકાલે સાંજે પપ્પાને બે લાખ રૂપિયા આપી ગયો છે. પપ્પાએ એના માટે આપનો આભાર માનવા પણ કહ્યું છે. ” નીતા બોલી.
” પપ્પાને કહેજો કે એમાં આભાર માનવાની જરૂર નથી. મેં મારી ફરજ બજાવી છે. ” કેતને જવાબ આપ્યો અને નીતા હળવી ફૂલ થઈને બહાર નીકળી ગઈ. ” હાઈશ” મનમાં બોલી પણ ખરી.
એના ગયા પછી કેતને જલ્પા સાથે જે પણ બન્યું હતું એ બધી ઘટનાની વિગતે વાત કરી.
” વાહ મારા પરાક્રમી સાહેબ… કામ તો તમે સારું કર્યું છે પણ આ રૂપાળી છોકરીથી થોડા સાવધાન રહેજો મારા ભોળાનાથ. મને એની આંખોમાં થોડું તોફાન દેખાય છે. અમે સ્ત્રીઓ કોઈની નજરને તરત પારખી લઈએ છીએ. ” જાનકી બોલી.
” રિલેક્સ..! તું તો મને ઓળખે જ છે. ” કેતને હસીને જવાબ આપ્યો. ” ચાલો હવે હું નાહી લઉં. ” કહીને કેતન બાથરૂમમાં ગયો.
કેતન સાહેબના ઘરે મુંબઈથી મહેમાન આવેલા હતા એટલે દક્ષાબેને આજે પુરણપોળી બનાવી હતી. સાથે કઢી, ભાત, ભરેલા ભીંડાનું શાક અને છુટ્ટી દાળ બનાવ્યાં હતાં. અદભુત રસોઈ બનાવતાં હતાં દક્ષાબેન.
” માસી આજે અમે લોકો દ્વારકા જવાનાં છીએ અને રાત્રે પણ ત્યાં જ રોકાઈશું એટલે સાંજની રસોઈ આજે કરવાની નથી. કાલે બપોર સુધીમાં અમે આવી જઈશું. એક્સ્ટ્રા ચાવી તમારી પાસે છે જ એટલે સવારે આવી જજો. “
” જી સાહેબ ” દક્ષાબેન બોલ્યાં.
ચંપાબેન સાથે પણ કેતને એ જ પ્રમાણે વાત કરી લીધી.
લગભગ સવા બાર વાગે મનસુખ માલવિયા મારૂતિવાન લઇને આવી ગયો. ઘરે કોઈ યુવતીને જોઈને એને આશ્ચર્ય થયું પણ એ કંઈ બોલ્યો નહીં. કેતન શેઠની અંગત બાબતમાં વધુ પંચાત કરવી નહીં એવું એણે નક્કી કરેલું.
” મનસુખભાઈ આજે આપણે દ્વારકા નો પ્રોગ્રામ બનાવ્યો છે. આ મારી ફ્રેન્ડ જાનકી મુંબઈથી આવી છે. તો એ બહાને દર્શન કરી આવીએ. મેં પણ દ્વારકા જોયું નથી. નવી ગાડી લઇ રહ્યો છું તો ગાડી લઈને સૌથી પહેલાં દ્વારકાધીશનાં દર્શન કરી લઈએ. તમે તમારા ઘરે પણ કહી દેજો. આજે રાત ત્યાં રોકાવાનું થશે. “
” જી શેઠ. ” મનસુખ બોલ્યો.
” જાનકી આ મનસુખભાઈ છે મારા નવા ડ્રાઇવર. બહુ મજાના માણસ છે ” કેતને ઓળખાણ કરાવી અને બંનેએ એકબીજાને નમસ્તે કર્યા.
કેતન જાનકીને સાથે લઈને મનસુખની વાનમાં બેઠો. અને શો રૂમ માં જઈ ને સફેદ રંગની નવી સિયાઝ છોડાવી દીધી. ટેમ્પરરી નંબર પણ લગાવી દીધો.
ખરા બપોરે મુસાફરી કરવાની મજા નહીં આવે. બે કલાકનો જ રસ્તો છે તો ત્રણ વાગે જ નીકળીએ – કેતને વિચાર્યું.
” મનસુખભાઈ તમે એક કામ કરો. તમે વાનને હવે જયેશભાઈની ઓફિસે મૂકી આવો. રીક્ષા કરીને ત્રણ વાગ્યે મારા ઘરે આવી જાઓ. મેં હવે રસ્તો જોયેલો છે એટલે ગાડી લઈને હું સીધો ઘરે જાઉં છું.”
” ભલે શેઠ ” કહીને મનસુખ વાન લઈને રવાના થયો અને કેતને ગાડી ઘર તરફ લીધી.
ઘરે પહોંચીને કેતન અને જાનકીએ બે કલાક આરામ કરી લીધો. બરાબર ત્રણ વાગ્યે મનસુખ માલવિયા આવી ગયો.
કેતન અને જાનકી તૈયાર જ હતાં. મનસુખે નવી ગાડીની ડ્રાઇવિંગ સીટ સંભાળી લીધી. કેતન મનસુખ ની બાજુમાં બેઠો અને જાનકી પાછળ બેઠી.
જામનગર થી દ્વારકા આમ તો દોઢ બે કલાકનો જ રસ્તો છે પરંતુ હાઈવે ઉપર કામ ચાલતું હોવાથી દ્વારકા પહોંચતાં અઢી કલાક લાગ્યા. જેમ જેમ દ્વારકા નજીક આવતું ગયું તેમ તેમ દરિયા કિનારાના કારણે વાતાવરણમાં ઠંડક વધતી ગઇ. ઉનાળાના દિવસો ચાલતા હતા એટલે આ શીતળતા મનને પ્રસન્ન કરતી હતી.
મનસુખ માલવિયા દ્વારકા ઘણીવાર આવેલો હોઈ એ આ વિસ્તારનો જાણીતો હતો. દ્વારકાથી સાતેક કિલોમીટર દૂર ગોવર્ધન ગ્રીન રિસોર્ટ હતું. તેણે ગાડી સીધી રિસોર્ટમાં લીધી.
કેતન અને જાનકી બંનેને રિસોર્ટ ગમી ગયું. વાતાવરણ પણ આહલાદક હતું. કેતને રુમ લઇ લીધો પણ અત્યારે આરામ કરવાને બદલે સૌથી પહેલાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવાની ઈચ્છા હતી.
મનસુખે ગાડી દ્વારકા તરફ લીધી અને પંદર મિનિટમાં જ શહેરમાં પ્રવેશ કર્યો. મનસુખ જાણીતો હતો એટલે મંદિરના પાછળના ચોકમાં એણે ગાડી પાર્ક કરી. ચાલતા ચાલતા બધા મંદિરે આવ્યા.
મંદિર ભવ્ય હતું અને અહીં વ્યવસ્થા પણ બહુ જ સરસ હતી. સાંજના સમયે અહીં એવી કોઈ ભીડ પણ ન હતી એટલે શાંતિથી ભગવાનનાં દર્શન થયાં.
મંદિરમાં ગૂગળી બ્રાહ્મણોને પૂજાનો અધિકાર હતો એટલે મંદિરમાં ફરતા અને ગાઈડ તરીકેનું કામ કરતા એક જાણીતા પૂજારીને મનસુખે શોધી કાઢ્યો. કેતન શેઠની ઓળખાણ કરાવી. છેક ગર્ભગૃહમાં જવાની તો મનાઈ છે છતાં જેટલું બની શકે એટલું નજીકથી એ પુજારીએ ફરીથી દર્શન કરાવ્યાં અને દ્વારકાધીશની પૂજાનો સંકલ્પ પણ કરાવ્યો.
ત્યાંથી પૂજારી સાથે બધા નીચે ગોમતીઘાટ ગયા અને ઘાટ ઉપર ઊભા રહી સંધ્યાકાળનું સુંદર પ્રકૃતિ દર્શન કર્યું. એક પંડિત મૃત વ્યક્તિ માટે તર્પણ કરાવતો હતો. કેતનની નજર એના ઉપર પડી. એણે પેલા સાથે આવેલા પૂજારીને વાત કરી. એ તો આ બધી વિધી જાણતો જ હતો.
કેતને પોતાના જ પૂર્વ જન્મ સ્વરૂપ જમનાદાસ દાદાને માટે ખાસ તર્પણ કર્યું અને પિંડદાન પણ કર્યું. એનાથી એને પોતાને ખૂબ જ શાંતિનો અનુભવ થયો. એણે પૂજારીને પાંચ હજાર દક્ષિણા આપી. પુજારી ખૂબ જ ખુશ થઈ ગયો. એણે મનસુખનો પણ આભાર માન્યો.
ત્યાંથી એ લોકો પ્રસાદનું બજાર જોતાં જોતાં ગાડી તરફ આગળ વધ્યા. રસ્તામાંથી જાનકીએ પોતાના ઘરે લઈ જવા માટે પ્રસાદ પેક કરાવ્યો. ગાડી પાસે પહોંચીને કેતને મનસુખને પૂછ્યું.
” અહીં દ્વારકામાં આ સિવાય બીજું કંઈ જોવા જેવું છે મનસુખભાઈ ? કારણ કે અહીં આપણે બીજું કંઈ કામ નથી. “
” હા સાહેબ… સનસેટ પોઇન્ટ પાસે ચોપાટી જેવું છે. દરિયાકિનારે ખૂબ મજા આવશે. ” કહીને મનસુખે ગાડી ને સનસેટ પોઇન્ટ તરફ લીધી.
સંધ્યાકાળ હતો અને જગ્યા પણ ખુબ જ સરસ હતી. દ્વારકા આવેલા ઘણા બધા સહેલાણીઓ ત્યાં ફરવા આવ્યા હતા.
” અત્યારે તો ઘણું મોડું થઈ ગયું છે સાહેબ નહીં તો આપણે બેટ દ્વારકા સુધી જઈ આવતા. ઓખા પોર્ટ ઉપરથી હોડીમાં બેસીને સામે કિનારે આવેલા બેટ દ્વારકા પહોંચાય છે. લગભગ અડધો કલાક બોટની સફર કરવાની મજા આવે છે. ” મનસુખ બોલ્યો.
” ચાલો ફરી વાર ક્યારેક આવીશું. હવે તો જામનગરમાં જ છીએ. ” કેતને હસીને કહ્યું.
સનસેટ પોઇન્ટ પાસે મનસુખે ગાડી ઉભી રાખી અને બન્ને જણાં નીચે ઉતરી દરિયાકિનારે ગયાં. રૂમાલ પાથરીને બંને જણાં રેતી માં બેઠાં.
” દ્વારકાધીશની મૂર્તિ સામે તો ખૂબ ધ્યાનથી ઉભા હતા તમે. તો શું માગ્યું ભગવાન પાસે ? “
” તને તો ખબર જ છે જાનકી. ઈશ્વરે મને ઘણું બધું આપ્યું છે. બસ સાચા દિલથી તેમનો આભાર માન્યો. હવે આ જીવનમાં સારા કર્મો કરવાની મને તક મળે એની જ પ્રાર્થના કરી. જાણે-અજાણે પાપ કર્મો થઈ ગયા હોય તો એની માફી માગી. ” કેતન બોલ્યો.
” વાહ.. તમે તો ઘણા બધા બદલાઈ ગયેલા લાગો છો. અમેરિકામાં કોઈ સંત મહાત્મા મળી ગયા હતા કે શું ? ” જાનકી એ હસતાં હસતાં કહ્યું.
” હા સંત મહાત્મા જ મળી ગયા હતા ” કેતનને કહેવાનું તો મન થયું પરંતુ એ ચૂપ રહ્યો.
” તેં તો જરૂર કંઈક માગ્યું જ હશે. શું શું ઈચ્છાઓ પ્રગટ કરી ભગવાન સામે ? ” કેતને પૂછ્યું.
” અમારું બધું ખાનગી હોય. અમે સ્ત્રીઓ બધાંને કહેતાં ના ફરીએ. સમજ્યા સાહેબ ? ” જાનકી બોલી.
” નો પ્રોબ્લેમ. એઝ યુ વિશ !! “
” ખોટું ના લગાડતા ! તમે તો જાણો જ છો કેતન કે પાંચ પાંચ વર્ષથી હું તમારા પ્રેમમાં છું. તમે કોલેજમાં હતા ત્યારે પ્રપોઝ પણ કરી ચૂકી છું. મમ્મી પપ્પા હવે ઉતાવળ કરી રહ્યા છે. પપ્પા તો તમારા ઘરે જઈને અંકલને પણ મળી આવ્યા છે. બધો નિર્ણય તમારા ઉપર છે. તમે હજુ કંઇ સ્પષ્ટ કહેતા નથી એટલે પ્રાર્થના તો કરવી જ પડે ને ? એટલે મે કનૈયાને કીધું કે વારંવાર દ્વારકાનાં દર્શન કરી શકું એવું સાસરુ આપજો ” જાનકી એ કેતન સામે જોઈને જવાબ આપ્યો.
” ટેન્શન નહીં કર. મેં કઈં ના નથી પાડી. મેં કાલે જ કહેલું કે છ મહિનાનો સમય મને આપ. એકવાર હું અહીં સેટ થઈ જાઉં પછી લગ્ન બાબતે વિચારીશ. ” કેતને જવાબ આપ્યો.
એ પછી થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. બંને જણા દરિયાના મોજાં નો આનંદ માણતા રહ્યા.
” આઠ વાગવા આવ્યા છે. જમી લઈશું હવે ? ” કેતને પૂછ્યું.
” હા ચાલો જઈએ. સહેલાણીઓ પણ હવે ઓછા થઈ ગયા છે. ” જાનકી બોલી.
” મનસુખભાઈ જમવા માટે ક્યાં જઈશું હવે ? તમે તો દ્વારકાના જાણીતા છો. “
” સાહેબ તીન બત્તી ચોક પાસે શ્રીનાથ ડાઇનિંગ હોલ જમવા માટે ઘણો સારો છે. આપણે ત્યાં જ જમી લઈએ. ” મનસુખ બોલ્યો.
” ઠીક છે. ગાડી ત્યાં જ લઈ લો. ” કહીને કેતન અને જાનકી ગાડીમાં ગોઠવાઈ ગયાં.
દસ મિનિટમાં તીન બત્તી ચોક ગાડી પહોંચી ગઈ. મનસુખે ગાડીને સાઈડમાં પાર્ક કરી.
ડાઇનિંગ હોલ ખરેખર ખૂબ સરસ હતો. ભીડ હોવાના કારણે થોડીક રાહ જોવી પડી પરંતુ જમવાનું ખૂબ સારું હતું.
જમીને ગાડી ગોવર્ધન ગ્રીન રિસોર્ટ તરફ લીધી.
” મનસુખભાઈ મારો રૂમ તો બુક થઈ ગયો છે. હવે તમે સૂવાનું કેવી રીતે કરશો ? ” કેતને પૂછ્યું.
” શેઠ મારી કોઈ પણ ચિંતા નહીં કરતા. હું તો પહેલાં પણ બે વાર આ રિસોર્ટમાં આવી ગયો છું. મારી વ્યવસ્થા હું કરી દઈશ. કાઠિયાવાડની તમામ હોટલુમાં ડ્રાઇવરનું ધ્યાન રાખવામાં આવે જ છે. એ જ તો અમારા કાઠિયાવાડની મજા છે. ” મનસુખે કહ્યું.
કેતને રિસોર્ટ માં એક ચક્કર માર્યું. ખૂબ જ સુંદર રિસોર્ટ હતો. સુંદર રેસ્ટોરન્ટ હતું. સ્વિમિંગ પુલ હતો. વિશાળ લોન હતી.
કેતને રિસેપ્શન ઉપરથી ચાવી લઇ લીધી અને પોતાના રૂમમાં ગયો. વિશાળ એ.સી. રૂમ હતો. ડબલ બેડ હતો. સોફા હતો. અંદર ફાઈવ સ્ટાર હોટેલ જેવી સગવડ હતી.
” સહેલાણીઓના અને યાત્રાળુઓ ના કારણે દ્વારકા નો વિકાસ ખરેખર ખૂબ જ સુંદર થયેલો છે. આ રિસોર્ટ પણ કેટલો બધો જ સરસ છે !! આપણે ઉતાવળ કરી. જમવાનો સરસ ડાઇનિંગ હોલ તો અહીંયા પણ છે. ” કેતન બોલ્યો.
” અફસોસ નહીં કરવાનો. આપણે જમ્યા એ પણ ડાઇનિંગ હોલ સારો જ હતો. “
” જાનકી અહીં ડબલ બેડ ઘણો વિશાળ છે. તારે બેડ ઉપર સૂઈ જવું હોય તો પણ મને કોઈ વાંધો નથી. ” કેતને વિવેકથી કહ્યું.
” ના…ના…. મારા માટે તો સોફા જ બેસ્ટ છે. ” જાનકીએ જવાબ આપ્યો.
એ.સી.ના ઠંડા વાતાવરણમાં ઊંઘ ખુબ સરસ આવી ગઈ. સૌથી પહેલાં જાનકી ની આંખ ખુલી. સવારના આઠ વાગી ગયા હતા.
” કેતન… ગુડ મોર્નિંગ. જાગો સવાર ના આઠ વાગી ગયા. ” જાનકીએ મોટેથી બોલીને કેતનને જગાડ્યો.
” અરે !!! સવાર પડી ગઈ ? આજે તો ખ્યાલ જ ના આવ્યો. ” કહીને કેતન તરત જ ઊભો થઈ ગયો. બેલ મારીને રૂમ એટેન્ડન્ટ ને બોલાવ્યો અને બે ચાનો ઓર્ડર આપ્યો.
” સાહેબ નાસ્તામાં કંઈ લાવું ? “
” નાસ્તામાં અત્યારે શું મળશે ?”
” ઉપમા, ઈડલી સંભાર, મેથીના ગોટા, કટલેસ અને ફાફડા ચટણી !! “
” જાનકી તારી શું ઈચ્છા છે ?” કેતને પૂછ્યું.
” તમારે જે મંગાવવું હોય તે. મને તો કંઈ પણ ચાલશે.”
” ઠીક છે. એક કામ કર. મેથીના ગરમ ગોટા જ લઇ આવ. પણ ગોટા એક જ ડિશ લાવજે. અત્યારે વધારે ભૂખ નથી. “
વેઇટર ગયો એટલે બન્ને જણાએ ફટાફટ બ્રશ કરી લીધું.
ચા નાસ્તો કરીને બંને જણાએ ફ્રેશ થઈને નાહવાનું પણ પતાવી દીધું. ત્યાં સુધીમાં સાડા નવ વાગી ગયા હતા.
” આપણે ફરી એકવાર અત્યારે સવારે દ્વારકાધીશનાં દર્શન કરી લઈએ અને પછી જામનગર જઈએ. ” કેતને જાનકી ને કહ્યું અને બંને રૂમ લોક કરીને રિસેપ્શન ઉપર આવ્યાં.
મનસુખ માલવિયા રિસેપ્શન કાઉન્ટર પાસે જ સોફામાં બેઠેલો હતો.
” મનસુખભાઈ તમે ચા પાણી પીધાં કે નહીં ? ” કેતને પૂછ્યું.
” હું તો સાહેબ આઠ વાગ્યા નો તૈયાર થઈને બેઠો છું. ” મનસુખ બોલ્યો.
” આજે મારે મોડું થઈ ગયું… ઠીક છે. સહુથી પહેલાં આપણે ફરી દ્વારકાધીશનાં દર્શન કરી લઈએ. ” કેતન બોલ્યો અને ચાવી આપીને પેમેન્ટ કરી દીધું.
ક્રમશઃ
લેખક : અશ્વિન રાવલ