- રાજા શેખ (9898034910)
સુરત આરટીઓમાં થતા ‘પાપ’ આમ તો સમયાંતરે છાપરે ચઢીને બોલતા રહે છે. નવા અધિકારી માટેનું ‘પાપ’ આ વખતે લાંબુ ટક્યું હોય તેવું લાગતું નથી અને તે ખૂબ જ ટૂંકા ગાળામાં છાપરે ચઢ્યું છે! અને તેની પાછળનું કારણ ‘લાલો’ ઉર્ફે ‘કમો’ છે. (કમો નામ સુરતમાં મળ્યું છે) નવા અધિકારી આવ્યા અને તેની સાથે પોતાના જૂના પંટર ‘લાલા’ને છેક ભૂજથી તેડાવ્યો! ભૂજનો આ પંટર સાહેબની પાછળ પાછળ જ જાય છે અને બધો ‘જી’ સહિતના ગોરખધંધાનો ‘વહીવટ’ પોતાના હાથમાં લે છે અને તેના હાથમાંથી ‘સાહેબ’ના હાથમાં થઈ ગજવે જાય છે! અને સુરત આરટીઓના નવા મહાશય ગજ્જર સાહેબની આ ફરિયાદ વડી કચેરી સુધી પહોંચી ગઈ અને વિનીતા યાદવ સહિતના 3 જણાંની ટીમ અચાનક આ ‘લાલા’ને રંગેહાથ ઝડપી પાડવા બે દિવસ પહેલા સુરત આરટીઓના દાદરે ચઢી એવુ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે, પહેલાંથી જ વાત થોડી લીક થઈ જતા ‘લાલો’ તેના વહીવટના સ્થળ ચાર નંબરના ગેટ પાસેની ગાડીમાંથી નવ દો ગ્યારાહ થઈ ગયો. છેલ્લાં ત્રણ દિવસથી લાલો ગાયબ છે અને સાથોસાથ સાહેબની એક પણ ફોર્મ સ્વીકારવાની હિંમત થતી ન હોવાનું આરટીઓના સૂત્રો કહી રહ્યાં છે. સૂત્રો કહે છે કે, હેડ ઓફિસમાં કેટલાક પુરાવાઓ સાથેની ‘લાલા’ અને તેના માથે હાથ ફેરવનારા ગજ્જર ‘સાહેબ’ની લેખિત ફરિયાદ પહોંચી ગઈ. કહેવાય છે કે, આમ પણ સાહેબે તમામ વહીવટ પોતાના હસ્તગત લઈ લીધો અને થ્રી સ્ટાર ઈન્સ્પેક્ટરોને પણ ‘લાલા’ને હવાલે કરી દીધા હતા. કયા ઈન્સ્પેક્ટરને ક્યા ડ્યુટી આપવી એ પણ લાલો જ નક્કી કરતો હતો. જેથી, ફરજિયાત ઈન્સ્પેક્ટરોએ તેની પાછળ ફરવું પડતું હતું. રખે લાલો નારાજ તો સાહેબ નારાજ અને કડક ભાષામાં ઠપકા સાથે આડીતેડી નોકરી કરવાનો હુકમ. હવે લાલો તો વડી કચેરીથી છાપો પડતા ફરાર થઈ ગયો છે પણ સાહેબ પરેશાન છે. ફોર્મ દીઠ ‘જી’નો વહીવટ પણ બંધ છે અને ઉપરથી વડી કચેરીએ જવાબ આપવો ભારે પડી રહ્યો છે. મોટા આશિર્વાદ પ્રાપ્ત કરી સુરતમાં આવેલા સાહેબ માટે ચૂંટણી બાદનો સમય વધુ અઘરો થાય તેવા વર્તારા હાલ ચાલી રહેલી ઈન્ક્વાયરી પરથી લાગી રહ્યાં છે. આગળ શું થાય છે તે માટે રાહ જોવી રહી.
(ભૂજ અને અમદાવાદમાં કયા કયા કૌભાંડોમાં સામેલગીરી તે જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે)