કોરોનાના કપરાકાળમાં વિશ્વમાં મોટાભાગના દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે રસીકરણ અભિયાન તમામ દેશમાં આગળ વઘ્યું છે ત્યારે કેટલાક દેશોએ મુસાફરી પ્રતિબંધમાં રાહત આપવાની જાહેરાત કરી છે. વધુ માત્રામાં રસીકરણ થયું હોય તેવા દેશો માટે તેમના દેશના દરવાજા ખોલવાની જાહેરાત કરી છે. પરંતુ વિદેશ જવાના દરવાજા હજી પણ તેમના માટે બંધ રહેશે જેમણે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના બંને ડોઝ લીધા હોય. ભારત બાયોટેક વેક્સીન કોવેક્સિનનાં બંને ડોઝ લીધા હોય, પરંતુ શરૂઆતી મહિનાઓમાં તમને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છૂટ નહીં મળે એવા મીડીયા અહેવાલો સામે આવી રહ્યાં છે. ખાનગી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય મુસાફરીને છૂટ આપવા માટે દેશો કાં તો તેમની પોતાની નિયમનકારી સત્તા દ્વારા માન્ય રસી લીધી હોય તેને માન્યતા આપી રહ્યા છે અથવા વિશ્વ આરોગ્ય સંગઠનની (WHO) ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ દ્વારા માન્યતા અપાયેલી રસી લેનારાઓને માન્ય ગણવામાં આવે છે. આ યાદીમાં કોવિશિલ્ડ, મોડર્ના, એસ્ટ્રાઝેનેકા, ફાઈઝર, જાનસેન (યુએસ અને નેધરલેન્ડ્સમાં) અને સિનોફર્મ / BBIP નો સમાવેશ થાય છે. આ લીસ્ટથી કોવેક્સિનનું (Covaxin) નામ બહાર છે.
ભારત બાયોટેકે EUL માં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની (WHO) નવી ગાઈડલાઈન પ્રમાણે ભારત બાયોટેક દ્વારા ઇમરજન્સી યુઝ લિસ્ટિંગમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ સંસ્થા પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે મે-જૂનમાં પ્રિ-સબમીશન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ કંપની વતી ડોઝિયર સબમિટ કરવામાં આવશે. જેની સમીક્ષા કરવામાં કરીને નિર્ણય લેવામાં આવશે. આ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે. ત્યાં સુધી આ રસીના ભલે બે ડોઝ લેવામાં આવ્યા હોય પરંતુ વિદેશ પ્રવાસ માટે તેઓએ રાહ જોવી પડી શકે એમ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ કોવેક્સિન ઉપરાંત કોવીશિલ્ડ અનુ સ્પુટનિકની રસી આપવામાં આવી રહી છે અને જાગૃત્તિ અભિયાન તેજ ચલાવાય રહ્યું છે.
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group