શાબીર શેખનો ‘વ્યાજત્રાસ’ અને દેવાથી થાકી ‘બોબી’એ ઝેર ગટગટાવ્યું!

સુરતમાં પોલીસના વ્યાજખોરો સામેની સચોટ મુવમેન્ટ વચ્ચે પણ વ્યાજખોરો છાનાપગિયા કરી રહ્યાં છે. વ્યાજખોરના ત્રાસ અને દેવાથી થાકી ગયેલા બેગમપુરાના એક યુવકે 12 નવેમ્બર 2024ની સવારે પોતાના એપાર્ટમેન્ટની નીચે ઝેર ગટગટાવી લીધુ હતું. પાસાપોર્ટ એજન્ટ તરીકે નાનુ-મોટુ કામ કરતો આ યુવક હાલ બુરહાની હોસ્પિટલના આઈસીયુમાં ભરતી છે અને પરિવારે જણાવેલી હકિકતના આધારે મહિધપુરા પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર ચૌહાણની ટીમે જાણવા જોગ લઈ તપાસ શરૂ કરી છે.

પોલીસની જાણવા જોગ હકિકત મુજબ બેગમપુરા રહેમાન મંઝિલ ખાતે રહેતા ગુલામ ખ્વાજા ઉર્ફે ગુલ્લુ ઉર્ફે બોબીએ મોટી ટોકીઝના માથાભારે વ્યાજઆતંકી શાબીર મુસ્તુફા શેખની (રહે. કાલુસાઈનો મહોલ્લો, મોતી ટોકિઝ, બેગમપુરા) વ્યાજ ઉઘરાણીથી અને ધાકધમકીથી ત્રાસીને ઝેર ગટગટાવી લીધું હતું. બોબીની પત્ની અને તેના નાના ભાઈ આસીફે પોલીસને લખાવેલી હકિકત મુજબ એક અન્ય લેણદાર ઈબ્રાહીમ ચાચાએ પણ બોબીને ચાર-પાંચ દિવસ પહેલા દિલ્હી ગેટ સ્ટેશન પાસે અલ-ખલીલ સામે બ્રિજ નીચે બોલાવી મારમાર્યો હતો. આ બેઠક શાબીર શેખની છે અને અહીંથી જ તે તેનું વ્યાજનું સામ્રાજ્ય ચલાવતો હોવાથી કેફિયત છે. આત્મહત્યાની કોશિશ કરનાર ગુલામ-બોબીના ભાઈ આસિફે પોલીસને લખાવ્યું છે કે, શાબીરના ધાકધમકીના અતિરેક અને વ્યાજ માટેની ઉઘરાણીના ચલતે તા. 22 ઓક્ટોબર 2024ના રોજ મેં અને મારા ભાઈએ રૂ. 35000 આપ્યા હતા. તે વખતે તેણે કહ્યું હતું કે,આપણો હિસાબ પુરો થઈ ગયો છે. પરંતુ થોડા દિવસ બાદ ફરી વાત સામે આવી કે તે તો વ્યાજની રકમ છે અને 40 હજાર ચઢી ગયેલા વ્યાજ અને 6થી 7 હજાર રૂપિયા પેનલ્ટીના ચુકવવા ખૂબ જ દબાણ હતું. ચાર-પાંચ દિવસ પહેલા તેની જ બેઠક પર ઈબ્રાહીમ ચાચાએ તેમના પોતાના લેણાંની રકમ માટે મારમારતા અને આજે મારા ભાઈને અગર રૂપિયા નહીં ચુકવે તો ફરી લોહીલુહાણ કરવાની ધમકી અપાય હોવાનું મારી ભાભીએ મને જણાવ્યું હતું. જેથી, તેણે ઝેર પી લીધું છે.

ગુલામ ઉર્ફે બોબીના નાના ભાઈ આસીફ શેખ શું કહે છે તે નીચે મુકાયેલા વીડીયોમાં સાંભળો….

આસીફે કહ્યું કે, શાબીરને મેં 22 ઓક્ટોબરે રૂ. 35 હજાર આપ્યા પણ…..

40 હજાર વ્યાજ અને 6 હજાર પેનલ્ટીના માંગ્યા અને ભાઈએ ઝેર પીધું

ઈબ્રાહીમ ચાચાએ ભાઈને મારમાર્યો

પત્ની સમીરાએ પોલીસને લખાવ્યું છે, , કોરોના કાળ દરમિયાન બેકારી અને બાદમાં ઘર ચલાવવા માટે મારા પતિએ શાબીર શેખ પાસે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા ત્યારથી અત્યારસુધી મોટાભાગની રકમ ચુકવી દીધી હતી તેમ છતાં શાબીર વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપતો હતો અને ઈકબાલ ચાચાએ થોડા દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં તકરાર કરી માર માર્યો હતો.

પરિવારિક સૂત્રોનું કહેવું છેકે, ગુલામ ઉર્ફે બોબી દર મહિને તે 30થી 35 હજાર વ્યાજ ચુકવતો હતો. ઉપરથી ઘણાં પાસપોર્ટ માટે લીધેલા કામની રકમ પણ કામ પુરું થાય તે પહેલા આ વ્યાજમાં જ જતી રહેતી હતી. જેથી તે ભારે આર્થિક તંગી અનુભવતો હતો. તેના નાનાભાઈએ નાના-મોટા કર્જા ચુકવવા માટે મદદ પણ કરી હતી પરંતુ વ્યાજનું મીટર ઘટતું ન હતું. પાસપોર્ટનું કામ આપનારાઓનું દબાણ, વ્યાજની ઉઘરાણી, ગાલ-ગળોચ વગેરેથી તે હારી થાકી ગયો હતો. મિત્રો પણ મદદ કરવા તૈયાર હતા પરંતુ તે અંદરોઅંદર મુંજાયા કરતો હતો અને પોતે જ બધું સહન કર્યા કરતો હતો. આખરે શાબીર શેખ તરફથી ઘરે આવીને લોહીલુહાણ કરવાની અને પરિવારને નુકશાન પહોંચાડવાની વાત કરતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. .

શાબીર નામચીન ફેમીલીનો સભ્ય:

શાબીર શેખ અને તેના પંટરો વ્યાજનો ધંધો અને ગાડી સિઝિંગનું કામ કાજ ચલાવે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, તે એક સમયના સટ્ટા કિંગ મુસ્તુ દાદાનો પુત્ર છે! અને તેની સુરતના અનેક ભાઈલોગ સાથે ઉઠક-બેઠક હોવાનું કહેવાય છે. એક હપ્તો બાકી હોય તો પણ ફાયનાન્સ કંપની સુપ્રીમ કોર્ટના આદેશનું ધરાર ઉલ્લઘંન કરીને તેને વાહનમાલિકોની ગાડી ખેંચવાની સોપારી આપે છે અને તે વાહનમાલિકોને રસ્તામાં ઘેરી લઈ ગાડી જપ્ત કરી લે છે. બાદમાં અગર વાહનમાલિક રૂપિયા ભરવા તૈયાર હોય તો પણ ગાડી બારોબાર વેચી નાંખતો હોવાનું સૂત્રો કહી રહ્યાં છે!!?

પોલીસને અન્ય કારણો પણ લાગે છે, શાબીરના પીઠ્ઠુઓનું પરિવાર પર સમાધાન માટે દબાણ !!?

હાલ તો ગુલામના પરિવારની જાણવા જોગના આધારે મહિધરપુરા પોલીસે શાબીર અને ઈબ્રાહીમ ચાચાને શોધવાની કવાયત હાથ ધરી છે. જોકે, પોલીસને ગુલામની આત્મહત્યાની કોશિશ પાછળ શાબીરના વ્યાજત્રાસ ઉપરાંત પણ કારણો લાગી રહ્યાં છે અને તે દિશામાં પણ તે તપાસ કરી રહી છે. ગુલામ ઉર્ફે બોબી ભાનમાં આવશે ત્યારે તેનું એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં નિવેદન નોંધી તેના આધારે પોલીસ ફાઈનલ ગુનો દાખલ કરશે. મહિધરપુરા પોલીસે ઝેર પીનારા ગુલામના પરિવારને આશ્વાસન આપ્યું છે અને સકારાત્મકતા સાથે કહ્યું છે કે, અમે વ્યાજખોરને છોડીશું નહીં. યોગ્ય અને કડક પગલાં લઈ સજારૂપ થાય તેવી કાર્યવાહી કરીશું.

બીજી તરફ, શાબીર અને ઈબ્રાહીમ ચાચાએ પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને ગુલામના પરિવારને સમજાવી લેવા, સમાધાન કરાવી લેવા અને ફરિયાદ ન નોંધાવવા દબાણનો દૌર પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પરિવાર અને શાબીરના ત્રાસનો ભોગ બનેલા લોકોની માંગણી છે કે, તેની સામે કડક કાર્યવાહી થાય જેથી બીજાને ઝેર પીવાનો વારો ન આવે.

Leave a Reply

Translate »