સુરતના દરેક ચારરસ્તા પર બાળકો સાથેના ભીખારીઓનો ત્રાસ, પોલીસ એક્શન જરૂરી!!

સુરત : ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અને ચોથા સૌથી ફાસ્ટેટ ગ્રોઈંગ સિટીમાં જેનું નામ છે તે સુરત શહેર દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુંબઈ બાદ સુરતની સમૃદ્ધિથી અંજાયને અનેક લોકો પરપ્રાંતથી આવીને અહીં રોટલો રળવા લાગ્યા છે. તે તો સુરત માટે ક્રેડિટ લેવા જેવી વાત છે પરંતુ તે બધા વચ્ચે ઉડીને આંખે વળગે અને આશ્ચર્યપમાડે તેવી વાત એ છે કે અહીં ભીખારીઓના ટોળેટોળા ઉમટી પડ્યાં છે!! એમાં પણ મહિલા-વૃદ્ધ ભીખારીઓ સૌથી વધુ છે. સૌથી શંકા ઉપજાવનારી બાબત એ છે કે દરેક મહિલાના ખોળામાં નાના બાળકો હોય છે, ઉપરાંત બે-ચાર ચારથી પાંચ વર્ષના બાળકો કારોની વચ્ચે ભીખ માંગતા ફરતા હોય છે. સુરતીઓ તેને ચોક્કસ ભીખ મંગાવનારી ગેંગ આ શહેરમાં સક્રિય થઈ હોવાની શંકા સેવી રહ્યાં છે. દરેક ચાર રસ્તે સવારથી સાંજ તેઓ પોલીસની હાજરીમાં જ કારની કતારોની વચ્ચે ઘુસી જઈ ભીખ માંગતા જોવા મળે છે!! જે અકસ્માતને પણ નોતરું આપી રહ્યાં છે.

  • ખોળામાંના બાળકો આખો દિવસ સુઈ જ રહે છે, એ કેવી રીતે? લોકોના મનમાં અનેક શંકાઓ : દરેક ચાર રસ્તાઓ પર ખોળામાં બાળકો સાથેની મહિલા જોવા મળે છે. તમે કોઈ પણ સમયે ચાર રસ્તા પરથી પસાર થાવ એટલે એક જ સ્ટાઈલમાં ફરતી મહિલાઓ જોવા મળે છે. તેના ખોળામાં બાળક સુતેલું જોવા મળે છે. તમે કોઈપણ સમયે જુઓ તો આ બાળકો સુતેલા જ હોય છે. તેમના હાથમાં એક અડધા દુધથી ભરેલી બોટલ હોય છે અને આવીને તે બોટલ તેઓ ફોરવ્હીલ વાહનચાલકના કાર પર જોર જોરતી અથડાવે છે અને ભીખ માંગે છે. અગર તમે ન આપો તો તે તમને ગાળો બોલવા સુધી ખચકાતી નથી. ઘણી મહિલાઓ પાણીની બોટલ માંગે છે. શંકા ઉપજાવનારી બાબત એ છે કે આ નાના બાળકો ખોળામાં છે તે આખો દિવસ ઉંઘી કેવી રીતે રહે છે?શું તેઓને કોઈ ઘેની પદાર્થ ખવડાવી સુવડાવી રખાય છે? શું આ બાળકો ખરેખર આ મહિલાઓના છે? આટલી માેટી સંખ્યામાં બાળકો સાથે મહિલાઓ ક્યાંથી ઉતરી આવી? વૃદ્ધો પણ ક્યાંથી આવી ચઢ્યાં? આ સવાલોના જવાબ શહેરીજનો જાણવા માંગે છે અને તે પોલીસ સમક્ષ આશા વ્યક્ત કરી રહ્યાં છે કે અનેક મોટા ગુનાઓ શોધવામાં પાવરધી બની ગયેલી સુરત પોલીસ આ દિશામાં પણ શંકાની નજરે જુએ અને ચોક્કસ કાર્યવાહી કરે તો કદાચ બાળકચોર ટોળકી અથવા ભીખ મંગાવતી પ્રોફેશનલ ગેંગ સુધી પહોંચી શકે એમ છે.
  • સુરતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે: સામાન્ય રીતે લોકોના મનમાં એક દયાભાવના હોય છે અને તે દયાને આધિન તેઓ એવું માને છે કે મજબુરીવશ આ લોકો ભીખ માંગતા હશે પરંતુ એક જ પદ્ધતિ, રીત અને પરેશાન કરવાની ટેવ એ ચોક્કસ ગેંગ તરફ ઈશારો કરે છે. પોલીસ પોતાના સીસીટીવી કેમેરામાં આખી ભીખ માંગવાની પદ્ધતિ અને તેમની હલનચલનનું એનાલિસીસ કરે તો ઘણું બધુ ખુલ્લુ પાડી શકે એમ છે. ચાર રસ્તા પર તમે વાહન લઈ જાવ એટલે તમારી ગાડી પર નાના છોકરાઓ ટકોરા મારવા લાગે છે. મહિલાઓ કાચ પર થોકાથોક કરે છે, બાળકો ગાડીના બોનટ પર થોકે છે. ગાડી સારી હોય તો તે ઉપર પણ ચઢી જાય છે અને તમને ભીખ આપવા મજબૂર કરી મુકે છે. અગર તમે તેમને ધુત્કારો અથવા દૂર ખસવા કહો તો તેઓ સાંભળતા નથી અને એજ પ્રવૃત્તિ ચાલું રાખે છે. છતાં તમે ન ગાંઠો તો તમને હેલફેલ બોલતા પણ અચકાતા નથી. રોજ બરોજના ત્રાસથી સુરતીઓ ત્રાસી ગયા છે પરંતુ કોણ મોંઢે લાગે તેવું માનીને આગળ ધપે છે પરંતુ હવે આ હરકત એક ત્રાસદીમાં પરિણમી છે. પોલીસ સમાજ સુરક્ષા અને ભિક્ષુક ગૃહ વિભાગ સાથે મળીને આ માથાનો દુખાવો બની ગયેલી બાબતનો નિકાલ લાવે તે જરૂરી બન્યું છે.
  • એક સુરતીએ ભીખારી મહિલાનો વીડીયો લીધો અને…એક ત્રાસેલા જાગૃત નાગરિક મનોજ અને ઉપેનએ કારગિલ ચોક પાસે ભીખ માંગતા સમયે કાર પર જોરજોરથી ટકોરા મારતી ટોળકીનો વીડીયો બનાવવાની કોશિશ કરી તો ભીખ માંગતી મહિલાએ દાદાગીરી સાથે એલફેલ બોલવાનું શરૂ કર્યું. એટલું ઓછું હોય તેમ તેણે જોરથી કાચ પર મુક્કો માર્યો અને કહ્યું કે, ક્યા હૈ તેરો, પૈસા તો દેતો નહીં અને વીડીયો બનાવે છે, નીકળ.
  • અન્ય એક વાહનચાલકે કહ્યું કે, હું રોજ રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી પસાર થાઉં છું. મારી એસયુવી કાર થોડી મોડીફાઈ કરાયેલી છે એટલે રોજ જોઈને નાના છોકરાઓ અને મહિલાઓ રીતસર આવીને તેના ફુટરેજ પર ચઢી જઈ જોરજોરથી કાચ પર ટકોરા મારે છે. ઘણીવાર તેમને સમજાય ચુક્યો છું પણ સમજતા જ નથી, ઉપરથી દાદાગીરી કરે છે અને પૈસા આપવા ફરજ પાડે છે. કારને નુકસાન ન થાય તે માટે પાંચ-દસ રૂપિયા મારે ફરજિયાત આપવા પડે છે. આ તો અહીં બે જ કિસ્સા ટાંક્યા છે પરંતુ આવા હજારો કારચાલકો રોજ દરેક ચાર રસ્તે પરેશાન થઈ રહ્યાં છે. સુરતીલાલાઓનું કહેવું છે કે, સુરતની ‘સિંઘમ’ પોલીસ આ ભીખારીઓના નેક્સસને પણ ઉઘાડું પાડીને ત્રાસમાંથી મુક્તિ અપાવે તે જરૂરી છે.!
  • (વાચકવર્ગ પાસે આ બધા વીડીયો પણ અમને મળ્યાં છે)

Leave a Reply

Translate »