- રૂપિયા માંગતા મારી નાખવાની ધમકી આપી
રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી ઉધારમાં 11.42 લાખ રૂપિયાનું કાપડ લીધા બાદ નાણા નહીં ચૂકવીને ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર રાજસ્થાનના વેપારી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
સલાબતપુરા પોલીસથી મળેલી માહિતી મુજબ ભટાર ખાતે આવેલા આશિર્વાદ પેલેસમાં રહેતા 33 વર્ષીય શ્રેયસ દ્વારકાદાસ મારૂ રિંગરોડ પર આવેલી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં શ્રી મારૂ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે સાડીનો ધંધો કરે છે. 2018માં શ્રેયસ મારૂનો સંપર્ક રાજસ્થાનના જયપુર ખાતે રહેતા પ્રદીપ જૈન સાથે થયો હતો.પ્રદીપ જૈને પોતે જયપુર એમ.આઇ. રોડ નવજીવન પ્લાઝામાં રાજકુમાર ફેબ્રિકસના નામે ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું અને તેણે ધંધા સંબંધિત મોટી મોટી લોભામણી વાતો કરીને શ્રેયશ મારૂ પાસેથી તા. 24 ફેબ્રુઆરી 2018 થી 18 ઓક્ટોબર 2018 દરમિયાન કુલ રૂપિયા 11,42,530નો માલ ઉધારમાં લીધો હતો.
નકકી કરેલી સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા શ્રેયસના કાકા વેંકટેશ મારૂએ ઉઘરાણી કરતા પ્રદીપ જૈન ઉશ્કેરાયો હતો. અને ગાળાગાળી કરી પેમેન્ટ મળશે નહી થાય તે કરી લો હવે પછી અહી પેમેન્ટની ઉઘરાણી માટે આવવુ નહી કે ફોન કરવો નહીં. ફોન કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી શ્રેયશ મારૂએ ઠગ વેપારી પ્રદીપ જૈન વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.