- જીવતો વીજતાર તૂટી પડી મહિલાના ગળામાં વીંટળાઈ જતા કરંટથી સળગીને મોત
- ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કઢવાની ફરજ પડી
સુરત શહેરમાં અડાજણના ભાઠા ગામમાં જીઈબીનો જીવતો વીજતાર તૂટીને મહિલાના ગળામાં વીંટળાઈ જતા શ્રમજીવી મહિલા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરના વાડામાં કામ કરતી ભાવના નામની મહિલા ઉપર પડેલા જીવંત વીજતાર પડતા પતિ સહિતના લોકો જીવતી સળગતી હાલતમાં જોતા રહ્યા અને મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી હતી. જોકે, ચાલુ વીજલાઈનના કારણે કોઈ બચાવી શક્યું ન હતું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં 20-25 વર્ષ જૂનો વીજતાર 3-4 વાર તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વીજતાર ગળાના ભાગે લપેટાઈ જતા મહિલા જીવતી સળગી ગઈ
કનુભાઈ રાઠોડ (મૃતક મહિલાના પતિ) એ જણાવ્યું હતું કે, મજૂરી કામ કરી ત્રણ ત્રણ દીકરીઓ સાથે પેટીયું ભરતા હતા. ભાવના આજે સવારે રોજિંદા કામકાજ માટે વાડા માં ગઈ હતી. અચાનક જીઈબીનોનો લટકતો જીવંત વીજતાર ભાવના ઉપર તૂટી પડ્યો હતો. ગળાના ભાગે લપેટાઈ જતા જમીન પર જ જીવતી સળગી ગઈ હતી. અમે જોતા રહ્યા અને ભાવના બચાવો બચાવોની બુમો પાડતી રહી, આખું ફળિયું ભેગું થઈ ગઈ પણ કોઈ ભાવનાને બચાવી ન શક્યું.
ત્રણ દીકરીઓએ માતા ગુમાવી.
30 મિનિટ બાદ જીઈબી અને પોલીસ આવી
કનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 30 મિનિટ બાદ જીઈબી અને પોલીસ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજ લાઇન બંધ કરાતા ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યારબાદ પોલીસે ઇન્કવેસ્ટ ભર્યું અને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
વીજ લાઈન ચાલુ હોવાથી મહિલાને કોઈ બચાવી ન શક્યું.
બેજવાબદાર સામે ગુનો નોંધવા માગ
વધુમાં ઉમેર્યું હતું કે ત્રણ વર્ષમાં લગભગ આ વીજ લાઈન પરથી 3-4 વાર જીવીત વીજ લાઇનના તાર તૂટી ગયા બાદ લટકતા રહ્યા હોવાની ઘટના જોઈ છે. ચોથીવાર બનેલી ઘટનામાં ભાવનાને જીઈબીની લાઈન ભરખી ગઈ સાહેબ, અમે ગરીબ છીએ અમારું સાંભળશે કોણ. ત્રણ દીકરીઓએ માતા અને મે મારી પત્ની ગુમાવી છે. બસ બેજવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી સજા થાય એ જ અમારી માગણી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં 20-25 વર્ષ જૂનો વીજતાર 3-4 વાર તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.