પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે. વ્યકિતના શરીરમાં IgG પ્રકાર નાં એન્ટીબોડી બન્યા હોય તેઓ જ પ્લાઝમા આપી શકે છે.
ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજીએ તો કોઈ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત બને ત્યારે જો તેમની રોગપ્રતિકારક શક્તિ બરાબર હોય તો લોહીમાં રહેલા રોગપ્રતિકારક કોષો કોરોના વાયરસ ની વિરુદ્ધ લડી શકે તેવા એન્ટીબોડી બનાવવા લાગે છે આ વ્યક્તિ શરીરની રોગપ્રતિકારક શક્તિના કારણે રિકવર થઈ જાય છે. રીકવરી બાદ આપણુ શરીર IgG પ્રકાર નાં એન્ટીબોડી બનાવવા લાગે છે. જો આવા વ્યક્તિનો IgG એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે તો તેના શરીરમાંથી IgG એન્ટીબોડીઝ ની હાજરી જાણી શકાય છે. જેથી IgG એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યાં બાદ જે તે વ્યકિત પ્લાઝમા આપી શકે છે.
સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમાં બ્લડ બેંકના હેડ ડો. અંકિતા શાહ જણાવે છે કે, બ્લડ સેમ્પલના કોવિડ IgG એન્ટીબોડી ટેસ્ટથી શરીરમાં એન્ટીબોડીઝની માત્રા અને હાજરીની જાણ થાય છે, જે દર્શાવે છે કે તમે વાયરસનો ભોગ બન્યા હતાં કે નહીં. એન્ટીબોડીઝ હકીકતમાં એક એવું પ્રોટીન છે જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. IgG એન્ટિ-બોડીઝથી સમૃદ્ધ થયેલા પ્લાઝમાને કોરોના સામે ઝઝૂમી રહેલા દર્દીઓને ચડાવીને નવજીવન આપી શકાય છે. પ્લાઝમા આપવાનું ખુબ સરળ છે. તમારું શરીર તમે પ્લાઝમાનું દાન કરો તેની સાથે નવેસરથી એન્ટિબોડીઝ બનાવવા લાગે છે. પુનઃ સ્વસ્થતા પછી એક વ્યક્તિના પ્લાઝમા દાન કરવાથી બે જિંદગીઓ બચાવી શકાય છે એમ તેમણે જણાવ્યું હતું.
સ્મીમેર બ્લડ બેંક ખાતે ગાઈડલાઈન મુજબ કોવિડ એન્ટીબોડી ની હાજરી અને માત્રા જાણવા માટે અદ્યતન CLIA (Chemiluminescence) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.