ફરિયાદી સંજય ઇઝાવાએ રાજ્યના પોલીસ વડાને મેલ કરી રજૂઆત કરી કે ટોઇંગ ક્રેનના નાણાકીય ગેરનીતિની હાલની તપાસથી હું સંતુષ્ટ નથી, તપાસ અધિકારીને બદલો.
બીજી તરફ અગ્રવાલ એજન્સીએ પણ સંજય ઈઝાવાને લીગલ નોટિસ પાઠવી મીડીયામાં ભ્રમ ફેલાવવા બદલ માફી માંગવા કહ્યું અલ્ટીમેટમ આપ્યું છે
સુરત શહેરમાં લોકડાઉન દરમિયાનના બિલ બનાવીને 93 લાખથી વધુ રકમ ક્રેન કોન્ટ્રાક્ટર અગ્રવાલ એજન્સીને ચુકવી દેવાના મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશ બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ટ્રાફિક અને ક્રાઈમના અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલને તપાસ તો સોંપાય છે પરંતુ તે તપાસ અંગે ફરિયાદી એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને તપાસનીસ અધિકારી તેમને આરોપી તરીકે ટ્રીટ કરી ગુસ્સો કરતા હોવાનું અને તેઓએ લખાવેલા નિવેદનો પણ બદલી નાંખી શકે તેવી ભીતી વ્યક્ત કરી છે. સાથોસાથ આ અધિકારી બદલીને બીજા સક્ષમ-તટસ્થ અધિકારી પાસે તપાસ કરાવવા માંગ કરતી રજૂઆત રાજ્યના પોલીસ વડાને મેલ થકી પત્ર પહોંચાડી કરી છે. બીજી તરફ અગ્રવાલ એજન્સીએ પણ સંજય ઈઝાવાને લીગલ નોટિસ પાઠવી મીડીયામાં ભ્રમ ફેલાવવા બદલ માફી માંગવા કહ્યું અલ્ટીમેટમ આપ્યું છે
સંજય ઈઝાવાએ પોલીસ અધિકારી સામે શું કર્યા આક્ષેપ
સંજય ઈઝાવાએ પત્રમાં લખ્યું છે કે અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલના કાર્યાલય દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2020ના રોજ સાંજે 5 વાગે તેઓને રૂબરૂ બોલાવીને રાતના 10.30 વાગ્યા સુધી પુછપરછ અને નિવેદન લેવામાં આવ્યું હતું. જે દરમ્યાન તપાસ અધિકારી અને અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલને અરજદાર દ્વારા વારંવાર કહેવાની ફરજ પડી કે “હું આરોપી નથી ફરિયાદી છું”. કારણકે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પુરાવા સાથેની મારી અરજી વિષે ચર્ચા કરવાની જગ્યાએ લોકડાઉનમાં કોઈ માણસ રસ્તા પર નીકળેલ હતા કે નહી ? પોલીસે પોતાની ફરજ નિભાવી છે કે નહી ? તમારી પાસે કેટલા મોબાઈલ છે ?, તમારી પાસે કેટલા વાહનો છે ? તમારો શું ધંધો છે ? કઈ જગ્યાએ તમે ધંધો કરો છો ? તમારી વાહન કોઈ દિવસ ટોઇંગ કરેલ છે કે નહી ? તમને પોલીસ દ્વારા મેમો આપેલ છે કે નહી ? ટોઇંગ ક્રેન નો મતલબ અને કામ શું હોય છે ? આવા બધા સવાલો પૂછી તપાસ અધિકારી દ્વારા પોતાની મનમાની મુજબ જવાબ લખાવવાનો પ્રયત્ન કરતા હતા.
જે અંગે મારા દ્વારા વિરોધ નોંધાવતા તપાસ અધિકારી રોષે ભરાયને મને કહેવામાં આવેલ હતું કે “મારી તપાસમાં તમને સંતોષ ના હોય તો પોલીસ કમિશનર સાહેબને વાત કરી તપાસ અધિકારી બદલવાની તમે રજૂઆત કરી શકો છો”, પુછપરછ અને ડ્રાફ્ટ નિવેદન લખ્યા પછી કોમ્પુટર ઓપરેટર સાથે બેસીને મારું નિવેદન લખવામાં આવેલ હતું. તારીખ 26 ઓક્ટોબર 2020 ના રોજ લખાવેલ નિવેદનમાં તારીખ 27 ઓક્ટોબર ના રોજ સહી કરવા તપાસ અધિકારીની ઓફીસ સાંજે 4.30 વાગ્યાની આજુબાજુ હું પોતે હાજર થયો હતો. ફાઈનલ કરેલ નિવેદન વાંચતા માલૂમ પડ્યુ કે આગળના દિવસે લખેલ નિવેદનમાં ઘણો ફેરફાર કરીને આરોપીઓને બચાવવા માટેના અમુક શબ્દો તેમાં ઉમેરીને નિવેદન બદલવામાં આવ્યું હતું.
જે જાણીને નિવેદનમાં જરૂરી સુધારા કરવાની વાત કરતા તપાસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે તાત્કાલિક આ નિવેદન પૂર્ણ કરી તપાસ આગળ વધારવાનું હોવાથી તમે જલ્દીથી સાઈન કરીને આપો. તપાસ અધિકારીની વાત સાથે સંમત નહી થતા, મેં સમજ્યા વિના સહી નહી કરવાનું જણાવતા તપાસ અધિકારી દ્વારા ગુસ્સામાં બોલવાનું શરુ કરવામાં આવેલ હતું. બીજા દિવસે પણ નિવેદન લખાવતા લખાવતા વારંવાર તપાસ અધિકારીના કેબીનમાં જવાનો વારો આવેલ હતો. અને વારંવાર તપાસ અધિકારી દ્વારા ગુસ્સામાં વાત કરવામાં આવી હતી. રાતના 8.30 વાગે નિવેદન ફરી સુધારીને, સવાલ જવાબનો ઉલ્લેખ નિવેદનમાં કર્યા પછી અરજદાર દ્વારા નિવેદનમાં સહી કરી આપવામાં આવી હતી, પણ આગળ તપાસ અધિકારી જોડે થયેલી વાત મુજબ અરજદાર અને તપાસ અધિકારીની સહી કરીને નિવેદનની કોપી આપવાની હતી. પણ જેવી અરજદારની સહી થઈ એટલે તપાસ અધિકારીએ નકલ અરજદારને આપવાનો કાયદો હોવા છતાં તે કોપી આપવાની ના પાડી દેવામાં આવી હતી.
સંજય ઈઝાવાનું કહેવુ છે કે, તપાસ અધિકારી આરોપીઓના પક્ષમાં વાત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ક્રેન એજન્સીને લાખો રૂપિયા ચુકવી ગેરવહીવટ અંગે પુરાવા આપ્યા હોવા છતા અરજદારને હેરાન કરવની વૃતિ જણાય છે અને જેની સંભત: સંડોવણી છે તેઓની પેરવી કરાતી હોવાનું લાગી રહ્યું છે. જેથી, આ મામલે DGP ને પત્ર લખી કરાયેલી રજૂઆતમાં રાજ્યના પોલીસ વડાની નિગરાની હેઠળ સ્પેશિયલ ટીમનું ગઠન થાય અને નિષ્પક્ષ અધિકારીઓની નિમણુંક કરી તપાસ આગળ વધારવામાં આવે તેવી રજૂઆત કરાય છે.
અગ્રવાલ એજન્સીએ કર્યો ખુલાસો, ઈઝાવાને આપી નોટિસ
બીજી તરફ ક્રેન એજન્સી અગ્રવાલ એજન્સીના માલિક સુનિલ હરિચદ્ર ગુપ્તાએ એડવોકેટ ઝમીર શેખ મારફત ફરિયાદી સંજય ઈઝાવાને લીગલ નોટિસ મોકલીને માફી માંગવા જણાવ્યું છે. ટ્રાફિક વિભાગે તેઓએ લોકડાઉનમાં ટીઆરબી, હોમગાર્ડસ અને સ્ટાફને ભોજન પહોંચાડવા, જમા લીધેલા વાહનો એક સ્થળથી બીજા સ્થળે પહોંચડાવા સહિતના કામો ક્રેન મારફત કરાવ્યા હોવાથી અને તેઓને પેટ્રોલનો પણ 14 લાખ જેટલો ખર્ચ થયો હોય તેમજ આ કામગીરીમાં જોતરાયેલા સ્ટાફને પગાર પણ ચુકવાયો છે. જેથી લોગબુક મુજબ જ રૂપિયા ચુકવાયા હોવાનો તેઓએ ખુલાસો કર્યાે છે અને મીડીયામાં આરટીઆઈના માધ્યમથી મીડીયામાં ભ્રમ ફેલાવવા બદલ સંજય ઈઝાવાને માફી માંગવા નોટિસ આપી છે. અગર જાહેર માફી ન માંગે તો કાયદેસરની કાર્યવાહી કરવા નોટિસ આપી છે.