કેતને સ્વામીજીને મળવા જવા માટે સાંજે ચાર વાગે કાર સ્ટાર્ટ કરી. પાંચ વાગ્યાની સ્વામીજીની એપોઇન્ટમેંટ હતી. રમણભાઈ મિલવોકી એરિયામાં રહેતા હતા. ૪૦ મિનિટમાં તો એ પહોંચી ગયો. સમય કરતાં દસ પંદર મિનિટ વહેલા પહોંચી જવું સારું.
રમણભાઈ પટેલ કેતનને સારી રીતે ઓળખતા હતા એટલે એમણે હસીને એનું સ્વાગત કર્યું અને ડ્રોઈંગરૂમ માં વેઇટ કરવાનું કહ્યું. સ્વામીજીને એક અલગ રૂમ આપેલો હતો અને અત્યારે એ રૂમમાં એમની સાથે કોઈની વાતચીત ચાલુ હતી.
ડ્રોઇંગરૂમમાં બીજી પણ એક વ્યક્તિ વેઇટિંગમાં હતી. એ સમય કરતાં થોડા વહેલા આવી ગયા હતા. રમણભાઈ એની સાથે સ્વામીજીની વાતો કરતા હતા.
” આમ તો છેલ્લા ત્રણ વર્ષથી હું સ્વામીજી ને ઓળખું છું. ઇન્ડિયા ગયો ત્યારે ઋષિકેશમાં મારી એમની સાથે મુલાકાત થયેલી. પહેલી જ મુલાકાતમાં મને લાગ્યું કે આ એક અદ્ભૂત વ્યક્તિ છે. સ્વામીજી મૂળ તો ઉત્તર પ્રદેશના છે પરંતુ ઘણી બધી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. ગુજરાતી પણ સારી રીતે બોલી શકે છે. ” રમણભાઈએ પેલા ભાઈને કહ્યું.
” મજાની વાત તો એ છે કે એ આધ્યાત્મિક ગુરુ તો છે જ પણ સાથે સાથે તમારો પૂર્વજન્મ પણ જોઈ શકે છે. આવા સંતો બહુ વિરલા હોય છે. તમારી ઓરા જોઈ શકે છે. ધ્યાનમાં બેસીને એ સમાધિ અવસ્થા સુધી જઈ શકે છે. ઋષિકેશમાં તો મને એવા અનુભવો એમણે કરાવ્યા કે એમની શક્તિઓને માની ગયો. તમને એ એવું સચોટ માર્ગદર્શન આપશે કે ના પૂછો વાત !! “
” તમને એમણે શું અનુભવ કરાવ્યો ? ” પેલા ભાઈએ રમણભાઈ ને પૂછ્યું.
” આ બધી અંગત વાતો છે. હું ત્યારે ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયેલો એટલે જ ઇન્ડિયા ગયેલો. સ્વામીજીએ મારા જીવનની કેટલીક ગુપ્ત વાતો પણ કહી અને મને હનુમાન ચાલીસાની માત્ર એક ચોપાઈનું ૪૧ દિવસનું અનુષ્ઠાન કરવાનું કહ્યું. બસ મારી જિંદગી બદલાઈ ગઈ સાહેબ. ” વાત કરતાં કરતાં રમણભાઈ રોમાંચિત થઈ ગયા.
કેતનને પણ રમણભાઈની વાતમાં રસ પડ્યો પરંતુ ત્યાં જ સ્વામીજી વાળા રૂમનો દરવાજો ખૂલ્યો અને એક દંપતિ બહાર આવ્યું. એમણે રમણભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો.
હવે કેતનનો જ નંબર હતો એટલે એણે સ્વામીજીના રુમમાં પ્રવેશ કર્યોં. અદભુત સુગંધ એ રુમમાં પ્રસરી હતી. લાંબી કાળી દાઢીવાળા સ્વામીજી નાનકડા સોફા ઉપર બિરાજમાન હતા. ભગવાં વસ્ત્ર ધારણ કરેલાં હતાં. અદભુત તેજ હતું એમની આંખોમાં !! સ્વામીજીની સામે જ એક ગાલીચો બિછાવેલો હતો. કેતને સ્વામીજી ના ચરણસ્પર્શ કરી પ્રણામ કર્યા અને એમની સામે ગાલીચા ઉપર બેસી ગયો.
” સ્વામીજી માત્ર આપના દર્શન કરવાની ઈચ્છા હતી એટલે આવ્યો છું. કોઈ જ પ્રશ્નો પૂછવા નથી. તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે એટલે દર્શનની ઇચ્છા રોકી શક્યો નથી. ” કેતને નિખાલસપણે વાત કરી.
” જગતમાં બનતી તમામ ઘટનાઓ સુનિશ્ચિત હોય છે. સમયનો પરિપાક થતાં ઘટનાઓ આકાર લે છે. તમારી અને મારી મુલાકાત પાછળ પણ ઈશ્વરનો કોઈને કોઈ સંકેત કે પ્રેરણા હશે જ. “
” જી સ્વામીજી” કેતન બોલ્યો.
” તમારા દાદાનું નામ જમનાદાસ ? “
” જી સ્વામીજી. આપની વાત બિલકુલ સાચી છે. જમનાદાસ ખરેખર મારા દાદા થાય !! ” કેતન તો સાંભળીને અવાક થઈ ગયો !!
” તમે એ જ જમનાદાસ તમારા પોતાના જ ઘરમાં જન્મ લઈને પાછા આવ્યા છો !! તમે તમારા એ પાછલા જનમમાં કેવાં કેવાં કર્મો કર્યા હતા એ તમને આજે યાદ નથી. તમે સૂક્ષ્મ જગતમાં હતા ત્યારે ખૂબ જ પરેશાન હતા. તમારા પાપકર્મોના કારણે તમને શાંતિ નહોતી. પૈસા માટે થઈને તમે કોઈનું ખૂન કરાવેલું. ખોટા માર્ગે કરોડો રૂપિયા પેદા કર્યા. “
” સૂક્ષ્મ જગતમાં પ્રેતાત્મા તરીકે તમે હતા ત્યારે ફરી આ જ ઘરમાં નવો જન્મ લઈને પ્રાયશ્ચિત કરવાનું દિવ્ય શક્તિને તમે વચન આપેલું છે એટલે ગયા જન્મનાં પાપ કર્મો ધોઈ નાખવા માટે તમારો આ જન્મ છે. પણ અત્યારે એ બધું તમે ભૂલી ગયા છો. નિયતી તમને અહીં સુધી ખેંચી લાવી છે એની પાછળ પણ ઈશ્વરનો કદાચ એ જ સંકેત હોઈ શકે કે તમે તમારું કમિટમેન્ટ યાદ કરો !! “
” સ્વામીજી આપની વાત સાચી હશે પરંતુ મને તો આવું કંઈ જ યાદ નથી. મારે હવે શું કરવું જોઈએ જેથી એ પાપનું પ્રાયશ્ચિત થાય ? આપ મને આદેશ આપો. મારા દાદાનું નામ પણ તમે કહી દીધું એટલે મને પૂરો વિશ્વાસ છે કે આપની તમામ વાતો સત્ય જ હશે “
” હું કહું એમ તમે કરશો ? જો સાચું પ્રાયશ્ચિત કરવું હોય તો હું કહું તેમ કરો. નહીં તો જે અભિશાપ તમારા પરિવાર ઉપર છે એના કારણે જેમ જમનાદાસનો એક દીકરો અચાનક અકસ્માતમાં ગુજરી ગયો એમ તમારા પરિવારને પણ એ અભિશાપ નડશે “
સ્વામીજીની વાત એકદમ સાચી હતી. પપ્પાના મોટાભાઈ મહેશ અંકલ અકસ્માતમાં અચાનક જ ગુજરી ગયા હતા !! — કેતનને સ્વામીજીની વાતો અદભુત લાગી.
” મારા પરિવારને બચાવી લો સ્વામીજી. મારા થકી જે પણ પાપકર્મો થયાં હોય તેનું મારે પ્રાયશ્ચિત કરવું જ છે હવે. “
” પરિવારને છોડી દો. ઘર છોડી દો. કરોડો રૂપિયા જે તમે ખોટા માર્ગે ભેગા કર્યા છે તે લોક કલ્યાણ માટે વાપરો. આર્થિક રીતે દુઃખી અને પીડિત લોકો માટે કંઈક કરો. લોકોને મદદ કરો. લોકોના આશીર્વાદ મળશે તો તમારાં પાપોનું પ્રાયશ્ચિત થશે ! “
” તમારા પરિવારને તમારી જરૂર હોય ત્યારે તમે ચોક્કસ તેમની સાથે ઉભા રહો પરંતુ પરિવારથી તમે અલગ થઈ જાઓ અને બને એટલા દૂર જાઓ. તમે કાયમ માટે ઘર છોડી દેશો એટલે કુટુંબ ઉપરથી અભિશાપનો ભાર ઓછો થઈ જશે. કારણકે તમારા એ પાપનો પડછાયો તમારી સાથે છે. ” સ્વામીજી આંખ બંધ કરીને બોલે જતા હતા.
” અને બીજી એક વાત. તમારા પૂર્વજન્મની આ ચર્ચા તમારા ઘરમાં ભુલથી પણ તમારે કોઈને કહેવાની નથી. મેં તમને જે પણ કહ્યું તે માત્ર તમારા પૂરતું જ રાખજો. ઈશ્વર તમારું કલ્યાણ કરો બેટા. ” હવે સ્વામીજીએ આંખો ખોલી દીધી.
” અને તમે જ્યારે પણ મુસીબતમાં હો અને મારા માર્ગદર્શનની જરૂર પડે ત્યારે વહેલી પરોઢે ઊંડા ધ્યાનમાં બેસીને મને સતત યાદ કરજો. અને ધીમે ધીમે ધ્યાનની પ્રેક્ટિસ પણ શરૂ કરી દેજો. મારે કંઈક કહેવું હશે તો ધ્યાનમાં સંકેતો આપતો રહીશ. “
” જી ગુરુજી ” કેતન બોલ્યો અને એણે ઉભા થઇને સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બહાર નીકળી ગયો.
********************************
કેતનના દાદા જમનાદાસભાઈની સુરતમાં આંગડીયા પેઢી હતી. મૂળ એ સૌરાષ્ટ્રના ભાયાવદર ગામના હતા પણ સુરતમાં આવીને સ્થાયી થયા હતા. ગામની પોતાની જમીનો વેચીને એ સમયની લાખોની મૂડી લઈને સુરત આવ્યા હતા.
એકાદ વર્ષ પછી સુરતમાં જ મિત્ર બનેલા ભીખાભાઈ પટેલ સાથે ભાગીદારીમાં એમણે આંગડિયા પેઢીમાં ઝંપલાવ્યું હતું. ભીખાભાઈ મૂળ મહેસાણાના હતા અને એમને આંગડિયા પેઢીનો અનુભવ હતો. એમના મુંબઈ અમદાવાદ અને મહેસાણામાં સારા એવા સંપર્કો પણ હતા. જોતજોતામાં બી. જમનાદાસ આંગડિયા પેઢી જામી ગઈ. સુરતની રૂવાલા ટેકરાની બ્રાન્ચ જમનાદાસ જ્યારે મુંબઈની ભૂલેશ્વર બ્રાન્ચ ભીખાભાઈ સંભાળતા.
આંગડિયા પેઢીમાં કરોડોની લેવડદેવડ થતી. બધો વહીવટ માત્ર ચિઠ્ઠી ઉપર થતો. માત્ર વિશ્વાસ ઉપર આ ધંધો ચાલતો. સુરતમાં મોટાભાગના વહેવારો ડાયમંડ પેઢીઓના થતા. ડાયમંડનાં પડીકાં પણ આંગડિયામાં આવતાં. કરોડોના ડાયમંડની હેરાફેરી થતી.
તમામ પાર્સલ રાતની ટ્રેઈનમાં મુંબઇ જતાં અને આવતાં. સમય જતાં જમનાદાસની મહત્વકાંક્ષા વધતી ગઈ. આંગડિયામાં માત્ર કમિશન મળતું. એમાંથી કરોડપતિ ના થવાય. ડાયમંડના ધંધા જેવો એક પણ ધંધો નહીં. પણ એના માટે બહુ મોટી મૂડી જોઈએ.
પૈસા ઉભા કરવા માટે તેમણે ઘણું વિચારી જોયું પણ કરોડો રૂપિયા કમાવવા માટેનો કોઈ શોર્ટકટ મળતો ન હતો. છેવટે એમને અચાનક એક તક મળી ગઈ.
જમનાદાસ સાંજે છ વાગે દુકાન વધાવી રહ્યા હતા ત્યારે એમના એક ખાસ ડાયમંડ કસ્ટમર વલ્લભભાઈનો એમના ઉપર ફોન આવ્યો. ડાયમંડ માર્કેટમાં એ સમયે વલ્લભભાઈ કોટેચાનું મોટું નામ હતું. એમની કંપની કરોડોનો બિઝનેસ કરતી.
” જમનાદાસ કાલે મારે એક મોટો માલ મુંબઈ મોકલવાનો છે. લગભગ ૩ કરોડનાં હીરાનાં પડીકાં છે. મારો ખાસ કર્મચારી હરિશ કાલે સાંજે તમને માલ આપી જશે. નાના મોટા પડીકાં તો અમે રોજ મોકલતા જ હોઈએ છીએ પણ આ વખતે જરા જોખમ વધારે છે. તો તમે જરા તમારા વિશ્વાસુ માણસને કાલે મુંબઈ મોકલજો. કમિશન ભલે થોડું વધારે થાય. અમારા કરોડો રૂપિયાની હેરાફેરી વર્ષોથી તમારી પેઢી કરે છે એટલે આટલી હિમ્મત કરું છું. “
” વલ્લભભાઈ જમનાદાસની પેઢી એટલે સો ટચનું સોનું. પેઢીની આબરૂને આજ સુધી એક ડાઘ પડવા દીધો નથી. તમે ટેન્શન કરો મા !! ” જમનાદાસ બોલ્યા.
ફોન તો મૂકી દીધો પરંતુ જમનાદાસનું શયતાની મગજ વિચારે ચડી ગયું. આ એક સરસ મોકો હતો. ત્રણ કરોડનાં પડીકાં !!
ત્રણ કરોડના આ ડાયમંડ જો ગુમ કરી દેવા હોય તો ખૂબ જ મોટું પ્લાનિંગ કરવું પડે. લાલચ માણસને અંધ બનાવી દેતી હોય છે. જમનાદાસના મગજમાં એક શયતાની પ્લાન આવ્યો.
વલ્લભભાઈની ડાયમંડ પેઢીનો એક વિશ્વાસુ કર્મચારી હરિશ હંમેશા રોકડા રૂપિયા, ડાયમંડનાં પડીકાં અને પાર્સલ લઈને એમની પેઢી ઉપર આવતો. જમનાદાસ એને બહુ સારી રીતે ઓળખતા હતા. જમનાદાસ આવો મોકો ચૂકવા માંગતા ન હતા.
જમનાદાસ ભારાડી માણસ હતા. એમણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સુરતમાં ઘણા સંપર્કો ઊભા કર્યા હતા. આ ધંધામાં કેટલાક માથાભારે તત્વોને પણ સાચવવાં પડતાં. એમણે આવા જ એક માથાભારે ગણાતા નામચીન ગુંડા સાવંતને ફોન કર્યો જેમને એ ઓળખતા હતા.
” જો સાવંત.. તારે મારું એક કામ કરવાનું છે. તારા સિવાય આ કામ કોઈ કરી શકે તેમ નથી. તને જો રસ ના હોય તો જ હું બીજા કોઈને વાત કરું ” સાવંત ઉપર બે ખૂનના કેસ પણ ચાલેલા. બે વાર જેલમાં પણ જઈ આવેલો.
” અરે એ શું બોલ્યા શેઠ !! સાવંત જે કામ કરી શકે એ બીજું કોઈ જ ના કરી શકે. ગમે તેવું કામ હોય.. હુકમ કરો શેઠ”
.
” તું મને ક્યાં મળીશ ? એક કામ કર. પાર્લે પોઇન્ટ ઉપર આવી જા. ગાડી લઈને આવું છું. ગાડીમાં બેસી જા. કારમાં હું તને બધું સમજાવી દઉં છું. “
૧૫ મિનિટ પછી જમનાદાસની કાર પાર્લે પોઇન્ટ પાસે પહોંચી ગઈ. સાવંત બાઈક લઈને ત્યાં ઉભો જ હતો. એણે બાઈક સાઈડમાં પાર્ક કરી અને કારમાં ગોઠવાઈ ગયો.
” મહિધરપુરામાં કોટેચા ડાયમંડ્સ ની વલ્લભભાઈની મોટી પેઢી છે. તને તો ખ્યાલ હશે જ. કાલે સવારે એક માણસને ત્યાં રેકી કરવા મોકલી દે. હરિશ નામનો જે કર્મચારી છે એને એ બરાબર ઓળખી લે. હરિશ સાંજે સાડા ચાર પછી ગમે ત્યારે મારી પેઢી ઉપર આવવા માટે નીકળશે. એ મારી પેઢી સુધી પહોંચવો ના જોઈએ. આ કામ તારે જાતે જ કરવાનું છે. સાંજે હરિશનો પીછો કરી એને કિડનેપ કરી લેવાનો છે.”
” અને કાલ પછી હરિશ દુનિયામાં ક્યારે પણ દેખાવો જોઈએ નહીં. કાયમ માટે તારે એને ગુમ કરી દેવાનો છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માગું છું ? કિડનેપ કરી લેવાનો અને પછી બાકીનું કામ ખૂબ ચાલાકીથી પતાવી દેવાનું. વલ્લભભાઈ આકાશ પાતાળ એક કરશે પણ હરિશનો પત્તો ક્યારે પણ લાગવો જોઈએ નહીં. “
” કામ થઈ જશે શેઠ. કોઇને ગંધ પણ નહિ આવે. એને બેહોશ કરીને સુરતથી બહુ જ દૂર હું લઈ જઈશ. કામ તમામ કરીને તાપી નદીમાં જ પધરાવી દઈશ. “
” ઠીક છે… મને તારા ઉપર વિશ્વાસ છે. અત્યારે આ ત્રણ લાખ રુપીયા રાખ. બાકીની મોટી રકમ કામ થઈ ગયા પછી પહોંચી જશે. એની પાસેનો સીલબંધ થેલો આપણે કબજે કરવાનો છે. તારી પ્રમાણિકતા ઉપર મને વિશ્વાસ છે. હમણાં તારી પાસે રાખજે. બે દિવસ પછી હું મારી અનુકૂળતાએ તને મળી લઈશ. ” જમનાદાસ બોલ્યા.
સાવંતે બીજા દિવસે સાંજે પાંચ વાગે હરિશની રીક્ષાનો પીછો કર્યો હતો. રૂવાળા ટેકરા એરિયામાં હરિશ નાનકડો થેલો લઈને રિક્ષામાંથી જેવો ઉતર્યો કે તરત જ સાવંત એની સામે આવી ગયો.
” હરિશ ચૂપચાપ મારી પાછળ પાછળ આવ. જરા પણ બૂમાબૂમ કરી તો આ પિસ્તોલ તારી સગી નહીં થાય. જીવતા રહેવું હોય તો હું કહું એમ કર. ” અને સાવંતે હરિશને પોતાના પેન્ટના પોકેટમાં રાખેલી પિસ્તોલ બતાવી. હરિશ આમ પણ ઘણો ડરપોક હતો અને સાવંતને સારી રીતે ઓળખતો હતો.
સાવંત એને પોતાની કાર પાસે લઈ ગયો અને એને પાછલો દરવાજો ખોલીને અંદર બેસાડી દીધો. સાવંતે કાર સ્ટાર્ટ કરી. સાવંતની પાછળ કારમાં એનો સાગરીત બેઠેલો જ હતો. એણે ક્લોરોફોર્મ સુંઘાડીને હરિશને બેહોશ કરી દીધો. મોઢા પર પટ્ટી પણ મારી દીધી.
રાત્રે લગભગ અગિયાર વાગે સુરતથી લગભગ ૫૦ કિલોમીટર દૂર એક સુમસામ જગ્યાએ બેહોશ હરિશને દોરડાથી બાંધીને જીવતો જ ધસમસતી તાપી નદીમાં ફેંકી દીધો. એ સંપૂર્ણપણે ડૂબી ગયો ત્યાં સુધી બંને ત્યાં ઊભા રહ્યા. અને એક નિર્દોષની ક્રૂર હત્યાનું પાપ જમનાદાસના માથે લખાઈ ગયું.
આ બાજુ એ જ દિવસે સાંજે છ વાગે જમનાદાસે વલ્લભભાઈને ફોન કર્યો.
“વલ્લભભાઈ છ વાગવા આવ્યા પણ હજુ સુધી તમારો કોઈ માણસ આવ્યો નથી. તમે કોઈ માલ મોકલવાના હતા એટલે હું રાહ જોઈ રહ્યો છું.”
” તમે શું વાત કરો છો જમનાદાસભાઈ ? ખરેખર હરિશ નથી પહોંચ્યો ? અહીંથી તો એ પાંચ વાગ્યે નીકળી ગયો છે. ” વલ્લભભાઈ એકદમ હાંફળા ફાંફળા થઈ ગયા
” તો તો ખરેખર આ ચિંતાનો વિષય છે વલ્લભભાઈ ! માણસ તો વિશ્વાસુ છે ને ? તમે બરાબર તપાસ કરો.”
અને એ દિવસે તપાસનું કોઈ જ પરિણામ ના આવ્યું. હરિશ ખરેખર ગુમ થઈ ગયો હતો. એના ઘરે પણ એ પહોંચ્યો ન હતો. પોલીસ ફરિયાદ પણ થઇ પણ હરિશનો કોઇ અત્તોપત્તો ના મળ્યો. જમનાદાસની આંગડિઆ પેઢી ઉપર કોઈને પણ શંકા ન આવી. ઉલટાનું જમનાદાસે પોલીસને પુરો સપોર્ટ આપ્યો.
લગભગ એક વર્ષ રાહ જોયા પછી બધું ભૂલાઈ ગયું એટલે જમનાદાસે મુંબઈ જઈને એક અંગત દલાલ દ્વારા ચોરેલા ડાયમંડનો સોદો કરી નાખ્યો. ભાવ વધવાના કારણે એમને લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા મળ્યા. જે એમણે પાછા ડાયમંડના ધંધામાં જ લગાવ્યા.
જમનાદાસને બે યુવાન દીકરા હતા. ડાયમંડનો સોદો કર્યા પછીના બે મહિનામાં મોટા દીકરા મહેશનું રોડ અકસ્માતમાં અચાનક અવસાન થઈ ગયું. નાનો પુત્ર જગદીશ ખૂબ જ હોંશિયાર હતો. ઇંગ્લીશ મીડીયમ માં ભણેલો હતો. જમનાદાસે જગદીશને પોતાના ધંધામાં લીધો અને ડાયમંડની ખરીદી શીખવા માટે એને થોડા મહિના માટે એન્ટવર્પ બેલ્જીયમ પોતાના એક મિત્ર પાસે ટ્રેનિંગ માટે મોકલ્યો.
દિવસે દિવસે ડાયમંડના ધંધાનો વિકાસ તો થતો જ ગયો પરંતુ જમનાદાસ જમીનો ખરીદીને કનસ્ટ્રકશન ના ધંધામાં પણ રોકાણ કરતા ગયા. એમની પેઢી ખૂબ જ જામી ગઈ.
જો કે જગદીશે પ્રમાણિકપણે સંપૂર્ણ ધ્યાન માત્ર ડાયમંડ ઉપર જ આપ્યું અને ત્રીસ વર્ષના ગાળામાં તો જગદીશ સાવલિયા ત્રણસો ચારસો કરોડના બિઝનેસમેન બની ગયા. આંગડિયા પેઢી અને કનસ્ટ્રકશનનો બીઝનેસ બંધ કરી દીધો.
એમના પિતા જમનાદાસનું તો હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું હતું પરંતુ એમના બે દીકરા સિદ્ધાર્થ અને કેતન ખૂબ જ બાહોશ હતા. ધંધાનો વધુ વિકાસ કરી શકે એટલા માટે એમણે નાના દીકરા કેતનને અમેરિકા અભ્યાસ કરવા મોકલ્યો હતો.
આજે એ જ કેતન અમેરિકાથી આવ્યા પછી પિતાના કરોડોના બિઝનેસમાં જોડાવાના બદલે ઘર છોડવાની વાતો કરતો હતો !!
********************************
પિતા ચિંતિત હતા. પરિવાર ચિંતિત હતો. પરંતુ પૂર્વ જન્મને જાણી ચૂકેલો કેતન દાદા સ્વરૂપે પોતે જ કરેલાં પાપકર્મો નું પ્રાયશ્ચિત કરવા માટે પરિવાર છોડીને અજાણ્યા માર્ગે એક નવી જિંદગી જીવવા માટે ચાલી નીકળ્યો હતો !!
ક્રમશઃ
લેખક : અશ્વિન રાવલ