બોબીના મોત માટે જવાબદાર વ્યાજઆતંકી શાબીરને એક દિ’ના રિમાન્ડ

સુરત બેગમપુરા, તુલસીફળિયામાં રહેતા વ્યાજઆતંકી શાબીર શેખને કારણે ગુલામખ્વાજા ઉર્ફે બોબીએ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં મહિધરપુરા પોલીસે 10 દિવસ બાદ ફરિયાદ નોંધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઈમ બ્રાંચે મેદાનમાં ઉતારી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી રોજિયા સાહેબની ટીમે મહેસાણા, મીરાદાતાર પાસેથી વ્યાજઆતંકી શાબીર શેખને પકડી પાડયો હતો અને તેની પાસેથી વ્યાજના બદલામાં વાહનમાલિકો પાસેથી બળજબરીપૂર્વક કબજે લેવાયેલા 6 વાહનો પણ જમા લીધા હતા. તેને ઠમઠોર્યા બાદ મહિધરપુરા પોલીસે સોંપાયો હતો. પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે એક જ દિવસના રિમાન્ડ આપ્યા હતા.

રિમાન્ડના ગ્રાઉન્ડ:

પોલીસે કોર્ટને કહ્યું હતું કે, આરોપી ગુલામ શાબીર ગુલામ મુસ્તુફા શેખે વ્યાજના બદલે ગિરવે લીધેલા ચાર ટુવ્હીલ અને બે ફોરવ્હીલ કબજે લીધા છે તે વાહનમાલિકો પાસેથી કેટલા રૂપિયા વ્યાજ પેટે વસૂલ્યા છે. કેટલા રૂપિયા વ્યાજે આપ્યા છે અને કેટલું વસૂલવાનું બાકી છે તે અને અન્ય કોઈ વાહનો પણ ગિરવે લીધા છે કે કેમ ?

આરોપી શાબીરના ઘરની ઝડતી લેવાની બાકી છે અને તેણે ઘર પાસે કે ઘરની ગલી-મહોલ્લામાં ગિરવે લીધેલા વાહનો છુપાવ્યા છે કે કેમ?

આરોપી કેટલા સમયથી વ્યાજનો ધંધો કરે છે અને ભોગ બનનાર સિવાય કેટલા લોકોને વ્યાજે રૂપિયા આપ્યા છે?

આરોપી વ્યાજે નાણાં ધિરવાનું લાયસન્સ ધરાવે છે કે કેમ?, આરોપી સિવાય તેની સાથે આ ગુનો કરવામાં અન્ય કોઈસામેલ છે કે કેમ? ગુનો કર્યા બાદ આરોપી નાસ્તો ફરતો હોય તે ક્યાં ક્યા કોની મદદથી છુપાયો હતો તેની તપાસ કરવાની હોવાથી, આરોપી શાબીરે સહ આરોપી ઈબ્રાહીમ ચાચા સાથે મળીને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ? , આરોપી તેમજ ફરિયાદીના મોબાઈલની કોલ રેકોર્ડ ડિટેઈલ મંગાવી હોવાથી તે આવવાની બાકી હોવાથી તે અંગે તપાસની જરૂરિયાત છે, આરોપીને પકડ્યા બાદ તેની પુછપરછ માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હોય તેની વધુ પૂછપરછ માટે પણ પાંચ દિવસના રિમાન્ડની જરૂરિયાત હોવાનું તપાસકર્તા પીએસઆઈ જસાણીએ કોર્ટ સમક્ષ દાદ માંગી હતી. ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Leave a Reply

Translate »