હવે ઓનલઇન ન્યૂઝ પોર્ટલ અને O.T.T પ્લેટફોર્મ પર આવશે સરકારનો અંકુશ

દેશમાં ઓનલાઇન કન્ટેન્ટ પર લાંબાગાળાની અસર કરતા એક નિર્ણયમાં કેન્દ્ર સરકારે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ સહિતના તમામ ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સીધાં નિયંત્રણ હેઠળ લાવવાનું જાહેરનામું બહાર પાડયું છે. અત્યાર સુધી દેશમાં ડિજિટલ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે કોઇ કાયદો કે સ્વાયત્ત સંસ્થા અસ્તિત્વમાં નથી. બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા હસ્તાક્ષર સાથે જારી કરેલા ગેઝેટ નોટિફિકેશનમાં ઓનલાઇન ફિલ્મ, ડિજિટલ ન્યૂઝ અને કરન્ટ અફેર્સ કન્ટેન્ટને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના દાયરામાં લાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઓનલાઇન કન્ટેન્ટ માટે જાહેર થનારાં નિયંત્રણો ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરાતા સમાચારોને પણ લાગુ પડશે.

હવે સરકાર અત્યાર સુધી અનિયંત્રિત એવા ઓટીટી પ્લેટફોર્મ પર નિયંત્રણ રાખી શકશે. સરકાર સમયાંતરે આ પ્રકારના પ્લેટફોર્મ નિયંત્રિત કરવાની જરૂરિયાતના સંકેત આપતી રહી છે. ઓક્ટોબર ૨૦૧૯માં સરકારે નેટફ્લિક્સ અને હોટ સ્ટાર જેવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસિસ માટે નિયમો જારી કરવાનો સંકેત આપ્યો હતો. ગયા મહિનામાં સુપ્રીમ કોર્ટે પણ ઓટીટી પ્લેટફોર્મ પર સ્વાયત્ત સંસ્થા દ્વારા નિયંત્રણ રાખવાની માગ કરતી અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી હતી.

અત્યાસુધીમાં…

પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા – પ્રિન્ટ મીડિયા પર નિયંત્રણ રાખે છે

ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન – ન્યૂઝ ચેનલો પર નિયંત્રણ રાખે છે

એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા – જાહેરાતો પર નિયંત્રણ રાખે છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન – ફિલ્મો પર નિયંત્રણ રાખે છે

Leave a Reply

Translate »