અમદાવાદમાં તો કરફ્યુનો અમલ શરૂ થઈ ગયો છે. હવે સુરત પોલીસ પણ આજ રાતથી નાઈટ કરફ્યુનો અમલ કરાવશે. શનિ અને રવિવારે ફરવા અને ખાણીપીણીના શોખીન સુરતીઓ નીકળી પડતા હોય છે ત્યારે પોલીસે શહેર પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું છે કે, આજથી સુરતમાં રાત્રિના નવથી સવારના છ સુધી કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે, જેથી જરૂરી ન હોય અને કોઈ ઈમરજન્સી ન હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવું નહીં. શેરી-મહોલ્લામાં પણ ભેગા થવું નહીં. જોકે, આ કરફ્યુમાંથી જીવન આવશ્યક સેવાને મુક્તિ આપવામાં આવી છે. ફાયર અને ઇમરજન્સી સેવાને બાકાત રાખવામાં આવી છે. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવશે. સરકારે જે રીતે ગાઈડલાઈન નક્કી કરી છે તે રીતે અમલ કરાવાશે. કામકાજ અર્થે બહાર નીકળેલા લોકો રાત્રિના નવ વાગ્યા પહેલા પોતપોતાના ઘરે પહોંચી જાય. મીડિયા કર્મચારીઓને આઈકાર્ડના આધારે મુક્તિ આપવામાં આવશે. રાત્રે 9 થી 6 વાગ્યા સુધી કોઈ લગ્ન રાખવાની મંજૂરી અપાશે નહી. જો જરૂરી હોય તો પોલીસ મથકમાંથી મંજૂરી લેવાની રહેશે..