સુરત શહેરના બેગમપુરા સ્થિત દ્વારકા હાઉસમાં દશેરાની મધરાત્રે આગ લાગી હતી જેની જ્વાળાઓએ બાજુમાં આવેલા કાબરા હાઉસને પણ અડફેટમાં લઈ લીધું હતું. પાંચ કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લઈ લીધી હતી જોકે, બે ટેમ્પો અને સાડીનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરાયેલો જથ્થો ભથ્થુ થઈ ગયો હતો. ફાયર વિભાગના ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું કે, 10 ફેબ્રુઆરીએ ફાયર સેફ્ટીની સિસ્ટમ લગાવવા માટે દ્વારકા હાઉસના સંચાલકોને નોટિસ અપાય હતી પરંતુ તેમાં તે લગાવાય ન હતી જ્યારે કાબરા હાઉસમાં પણ ફાયર સેફ્ટીની સિસ્ટમ ન હતી. અહીં સવાલ એ થાય છે કે, તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ આખા શહેરભરમાં નોટિસો આપીને દુકાનો, બિલ્ડિંગો સીલ કરી રહી હતી અને વધારાનું સ્ટ્રક્ચર દૂર કરી રહી હતી ત્યારે આ બે હાઉસોને નોટિસ આપીને કેમ બેસી રહી? શું નોટિસ આપ્યા બાદ તેમાં ફાયર સેફ્ટી ઈન્સ્ટોલ કરાય છે કે કેમ તે જોવાની જવાબદારી તેઓની નથી? કે પછી નોટિસ આપીને બાંયેધરી લઈ લીધા બાદ ‘ખેલ’ કરી લેવાયો? તે અંગે મનપા કમિશનરે તપાસ કરાવવી જોઈએ. આ બે હાઉસ ઉપરાંત અન્ય કેટલીક જગ્યાઓએ નોટિસ આપી છે અને તેમાં ખરેખર ફાયર સેફ્ટી ઈન્સ્ટોલ કરાય છે કે કેમ તે તપાસ કરાવવું જોઈએ અને બેધ્યાનપણું રાખનારા ફાયર વિભાગના અધિકારીઓની સામે કડક પગલાં લેવા જોઈએ. નહીંતર આવી ઘટનાઓ બનતી જ રહેશે એ વાત ચોક્કસ છે.
-
શું બની ઘટના?
શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા દ્વારકા હાઉસમાં મધરાત્રે અઢી વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. અહીં દિવાળી માટેના ઓર્ડરનો તૈયાર કરાયેલો સાડીનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરાયો હોય થોડીવારમાં આગએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. જેમાં બાજુમાં આવેલું કાબરા હાઉસ પણ લપેટમાં આવી જતા પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલા બે ટેમ્પો પણ આગની ઝપેટમાં આવી સળગી ગયા હતા. આ આગમાં બે હાઉસના પાંચ માળ બળીને ખાખ થઈ ગયા છે. ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, દ્વારકા અને કાબરા હાઉસમાં ફાયર સિસ્ટમ ન હોવાથી સીલ કરી દેવામાં આવ્યા છે. સાત ફાયર સ્ટેશનની 17 ગાડી ઘટનાસ્થળે પહોંચી ત્રણ માળમાં લાગેલી આગને 5 કલાકમાં જ ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જોકે આ આગમાં 3 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે અને દ્વારકા હાઉસના બિલ્ડિંગના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે, જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થળ પર મીડીયા સાથે વાત કરતા ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, દ્વારકા હાઉસમાં 10 ફેબ્રુઆરીએ ફાયર સિસ્ટમ લગાડવા નોટિસ અપાઈ હતી. આગ પર કાબુ મેળવી કરાયેલી તપાસમાં અહીં ફાયર સિસ્ટમ લગાવાય ન હોવાનું સામે આ્યું છે. બન્ને બિલ્ડિંગનો વપરાશ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. જેને લઈ બન્ને બિલ્ડિંગને સીલ મારી દેવાયા છે. દ્વારકા હાઉસના સ્ટ્રક્ચરને આગને પગલે ભારે નુકસાન થુયં હોવાથી મહાપાલિકાના સ્ટ્રક્ચર ઈજનેરની તપાસ બાદ તેને ઉતારી પાડવું કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.