ભારતમાં કોરોનાની વેક્સિન બનાવી રહેલી કેડિલા હેલ્થ કેર લિમિટેડ (Cadila Healthcare) એ મોટા પાયે કોરોના વાયરસ વેક્સિનના ઉત્પાદનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેડિલા હેલ્થકેર લિમિટેડ આ માટે પોતાના સંભવિત પાર્ટનર સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે અને પોતાની પ્રોડક્શન કેપેસિટીમાં પણ કોરોના વેક્સિન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જો આ વાત સંભવ હશે તો ગુજરાતમાં પણ આ વેક્સિન મોટા પ્રમાણમાં મળી રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ પણ એક દિવસ પહેલા જ કોરોના વેક્સિન ઝડપથી આવી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
રિપોર્ટ મુજબ અમદાવાદની કંપની કોરોના વેક્સિનના મોટાપાયા પર ઉત્પાદન માટે કોન્ટેક્ટ મેન્યુફેક્ચર્સ શોધવાની તૈયારી કરી રહી છે. કંપની વેક્સિનના સાત કરોડ ડોઝ બનાવવા માટે પાર્ટનર શોધી રહી છે. કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે મીડીયાને જણાવ્યું કે, પ્લાઝમિડ ડીએનએ વેક્સિન નામની કોરોના વેક્સિન બનાવવા માટે 10 કરોડથી વધારે ડોઝ કંપની પોતાના પ્લાન્ટમાં બનાવી શકે છે. જોકે, વેક્સિન ડેવલપ કરવામાં કેટલો ખર્ચ થશે અને કઈ કંપની સાથે ટાઈઅપ કરાશે તે વાત હાલ જાહેર કરી શકાય નહીં. અમે વેક્સિનના હ્યુમન ટ્રાયલના ફેઝ ટુના આંકડાઓની રાહ જોઈ રહ્યા છીએ. તેઓએ કહ્યું કે, અનેક લોકો કેડિલા હેલ્થકેર લિમિટેડની કોરોના વેક્સિનનો ઉપયોગ કરવા માગે છે અને અન્ય દેશોમાંથી પણ તેની ડિમાન્ડ આવી રહી છે. અમે અન્ય બજારોમાં કોરોના વાયરસ વેક્સિન વેચવા માટે લાયસન્સ આપવાનું વિચારી રહ્યા છીએ. અને એટલે જ અમે ભારત બહાર પણ કોરોના વેક્સિન નિર્માણ માટેની સંભાવનાઓ અંગે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ.