સુરત ટ્રાફિક પોલીસના રૂ. 1 કરોડના ક્રેન કૌભાંડમાં આખરે DCP પ્રશાંત સુંબે સામે તપાસ શરૂ કરાઈ

ડીઆઈજી  ટ્રાફિક અને ક્રાઈમ શરદ સિંઘલને તપાસ સોંપાય: એક્ટિવિસ્ટો કહે છે કે ‘બિલાડીને જ દૂધની રખેવાળી’થી તપાસમાં શું નિષ્કર્ષ નીકળે છે તે જોવું રહ્યું.

લોક ડાઉન દરમિયાન સુરત ટ્રાફિક પોલીસના કોન્ટ્રાક્ટ હેઠળની અગ્રવાલ એજન્સીની 23 ક્રેઈન દ્વારા કોઈ કામગીરી કરાય ન હોવા છતાં શહેર ટ્રાફિક પોલીસે રૂ. 1.02 કરોડ ચૂકવી દીધા હોવાનો ખુલાસો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ કર્યો હતો અને તે મામલે  ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મુકીને તપાસ કરવાની રજૂઆત ડીજીપી, એન્ટિ કરપ્શનના વડા અને સુરત પોલીસ કમિશનરને કરી હતી. જેના આધારે રાજ્યના પોલીસ વડાએ સુરતના પોલીસ કમિશનરને સમગ્ર મામલે તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો. જેના પગલે પોલીસ કમિશનરે ડીઆઈજી  ટ્રાફિક અને ક્રાઈમ શરદ સિંઘલને તપાસ સોંપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ટ્રાફિકનો હવાલો સંભાળતા DIGને જ તપાસ સોંપાતા તપાસના નિષ્કર્ષ પર એક્ટિવિસ્ટો શંકા સેવી રહ્યાં છે અને તેને ‘બિલાડીને દૂધની રખેવાળી’ જેવું ગણાવાય રહ્યાં છે.

એસીપી વહીવટના અભિપ્રાયને નકારાયો!!

આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ માહિતી માગી હતી તે મુજબ લોક ડાઉન દરમિયાન અને અનલોક ડાઉનના સમયગાળામાં મળી ટ્રોઈંગ ક્રેનને રૂ. 1 કરોડ બે લાખ ચૂકવવામાં આવ્યા હતા. જેમાં એ સ્થિતિ પણ સ્પષ્ટ થઈ હતી કે સુરત શહેર ટ્રાફિક શાખાના મદદનીશ પોલીસ કમિશનર (વહીવટ)એ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે ક્રેન પાસેથી કોઈ કામગીરી લેવામાં આવી ન હોવાથી ભાડૂં ચૂકવવું જોઇએ નહીં. એસીપીના આવા સ્પષ્ટ અભિપ્રાય પછી પણ ડીસીપી પ્રશાંત સુંબેએ પોતાની સત્તાનો ઉપયોગ કરી આ રકમ ચૂકવી આપી હોવાનું કહેવાય રહ્યુ છે.. જેના કારણે સમગ્ર ઘટનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવતા સંજય ઈઝાવાએ મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના પોલીસ વડા, એન્ટિ કરપ્શનના વડા અને સુરતના પોલીસ કમિશરને અરજી કરી તપાસ કરાવવાની માગણી કરી હતી.
દરમિયાન આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ સુરતના પોલીસ કમિશનરને તપાસના આદેશ આપ્યા હોવાના અહેવાલ છે .
ડીજીપીના આ આદેશ બાદ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ટ્રાફિક એન્ડ ક્રાઇમના ડીઆઇજી શરદ સિંઘલને તપાસ સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બીજી બાજુ એક માહિતી એવી પણ ઉપલબ્ધ થઈ રહી છે કે એન્ટિ કરપ્શન તરફથી પણ તપાસની ગતિવિધિ તેજ કરવામાં આવી છે.
જોકે, બીજી બાજુ પ્રશાંત સુંબે મીડીયા સમક્ષ ક્રેનનો ઉપયોગ વાહનોની હેરફેર અને લોકસહાયની ચીજો મોકલવા કરાયો હોવાથી રકમ નિયમ મુજબ ચુકવાય હોવાનું કહી રહ્યાં છે.

  • તપાસ શરૂ, મારા નિવેદન લેવાયા છે પણ કોપી અપાય નથી

ફરિયાદ કરનાર સંજય ઈઝાવાએ કહ્યું હતું કે, બે દિવસથી મારા નિવેદન ચાર-પાંચ કલાક લેવાયા છે અને તપાસ શરૂ કરી દીધી છે, આશા છે કે આ મામલે જવાબદારો સામે પગલા લેવાશે અને સરાકરની તિજોરીમાં ફરી આટલી માતબર રકમ આવશે. ટ્રાફિક પોલીસના ક્રાઈમ અને ટ્રાફિકના ડીઆઈજીને જ તપાસ સોંપાય છે, જેના બદલે તે વિભાગ સિવાયના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીને તપાસ સોંપાય તો વધુ સારી રહેતે. અમારો આગ્રહ એ છે કે, એન્ટિ કરપ્શન બ્યુરો તપાસ કરે.  મારા નિવેદનની મારી સહીવાળી  કોપી આપવાની અધિકારીઓએ બાંયેધરી આપી હતી પરંતુ તે મને અપાય નથી. જેથી, તે હું ફરી તે મેળવીશ.

Leave a Reply

Translate »